Home Rajpipla પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી શાહે જિલ્લાકક્ષાનુ ધ્વજવંદન...

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી શાહે જિલ્લાકક્ષાનુ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો

126
0

પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સહિયારા પ્રયાસોની સાથે મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવાની કટિબધ્ધતા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહનું આહવાન


દેશના બંધારણના ઘડતરની ઐતિહાસિક ઘટનાઓના સંસ્મરણોને વાગોળી “ મા ” ભોમની રક્ષા કાજે શહીદી વ્હોરનારા સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા શહીદ સપૂતોને શ્રધ્ધા-સુમન સાથે હ્રદયપૂર્વકની અંજલી અર્પતા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ


સરદાર સાહેબે પથદર્શક બનીને આઝાદ ભારતને એકતાની દિશા બતાવી હતી તેમ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વની એકતાનું શાશ્વત પ્રતિક બની છે

નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક એનાયત : આરોગ્ય સેવાઓ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કોરોના વોરિયર્સ સહિતના કર્મયોગીઓ અને બુથ લેવલ ઓફિસર્સ ઉપરાંત કરૂણા અભિયાનના વોલન્ટીયર્સને પ્રશસ્તિપત્રો એનાયત કરી કરાયું સન્માન : મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને અપાયાં રસીના પ્રિકોશન ડોઝ

રાજપીપલા:- રાષ્ટ્રના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી શાહે આજના પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ તેમણે મહાનુભાવોનું અભિવાદન પણ કર્યું હતું. ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) કરાયું હતું. આ તકે શ્રી શાહે સહુ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા સહભાગી બનવાની સાથે કટિબધ્ધ થઇ આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબધ્ધ થવાનું આહવાન કર્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે “ મા ” ભારતી ના ઇતિહાસના ગૌરવપૂર્ણ દિવસની આજની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત માનવ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીબાપુ, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષો સહિત “ મા ભોમ ” કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ” ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “ મા ” ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ. આ તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી તેમણે હ્રદયપૂર્વક અંજલી અર્પી હતી.

શ્રી શાહે બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા વિશિષ્ટ અને બેજોડ ભારતીય સંવિધાનની કરાયેલી રચનાનો ઉલ્લેખ કરી વધુમાં જણાવ્યું હતું કે, તા.૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦ માં ભારત સરકારના અધિનિયમ ૧૯૩૫ ને હટાવીને ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું અને એક લોકતાંત્રિક સરકાર પ્રણાલીની સાથે તેને લાગુ કરાયું હતું. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબે ૫૬૨ જેટલા દેશી રજવાડાઓનું પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહપૂર્વક ભારતમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતના નિર્માણની સાથે રાષ્ટ્રીય એકતાની બેનમૂન મિશાલ સમગ્ર વિશ્વમાં કાયમ કરી છે. જુદા જુદા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ બોલીઓ, ભાષાઓ, રહેણીકરણી, રિતરિવાજો અને આનંદ-ઉમંગ-ઉલ્લાસ સાથે કરાતી વિવિધ તહેવારોની ઉજવણી થકી પણ ભારતે સમગ્ર વિશ્વમાં “વિવિધતામાં એકતા અને એકતામાં અનેકતા” ની મિશાલ પ્રસ્થાપિત કરી છે.

ભારતની દ્રઢતા, એકતા અને ક્ષમતાનો પરિચય સમગ્ર વિશ્વને આપનાર અને નર્મદા જિલ્લા માટેનું ગૌરવ વિશ્વ પ્રસિધ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વમાં આજે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જે રીતે સરદાર સાહેબે પથદર્શક બનીને આઝાદ ભારતને એકતાની દિશા બતાવી હતી તેમ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આજે વિશ્વની એકતાનું શાશ્વત પ્રતિક બની છે. વિરાટ પ્રતિમા અને તેના સંલગ્ન ઇકો ટુરીઝમ અને મનોરંજક પ્રોજેક્ટસ થકી સ્થાનિક વિકાસને પણ વેગ મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં અન્ય પ્રોજેક્ટસ થકી પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે લોકોને મહત્તમ રોજગારી મળી રહે તેવી તકો ઉપલબ્ધિ માટેનું ભગીરથ કાર્ય સરકારશ્રીએ હાથ ધર્યું છે.

ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “ આઝાદીકા અમૃત મહોત્સવ “ ની થીમ સાથે આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના વિકાસની ગતિને વધુને વધુ બળવત્તર બનાવવા માટે સક્રીયપણે સતત આગળ ધપી રહી છે તેમ જણાવી તાજેતરમાં જ પ્રવર્તમાન રાજ્ય સરકારે સુશાસનના ૧૨૧ દિવસ પૂર્ણ કર્યા હોવાનું પણ શ્રી શાહે ઉમેર્યું હતું.

જિલ્લાના સર્વાગી વિકાસ માટે હાથ ધરાયેલ વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટસ અને તેમાં હાંસલ કરાયેલ નોંધપાત્ર સિધ્ધિઓનો ઉલ્લેખ કરતાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે જણાવ્યું હતું કે, નોંધારાનો આધાર પ્રોજેક્ટ, પ્રવાસન વિકાસ અને કોવિડ-૧૯ સંદર્ભે વિશિષ્ટ કામગીરીના પ્રોજેક્ટ સહિત કુલ ત્રણ પ્રોજેક્ટસને વર્ષ-૨૦૨૧ માં રાષ્ટ્રીયકક્ષાએ સેમી-ફાઇનલીસ્ટ સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ પ્રમાણપત્ર એનાયત થયેલ છે, જે નર્મદા જિલ્લા માટે અત્યંત ગૌરવની બાબત છે. તેવી જ રીતે, જિલ્લા પ્રસાશન ધ્વારા પ્રવાસન વિકાસ ક્ષેત્રે કરાયેલી નોંધપાત્ર કામગીરીની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવી છે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ધ્વારા ગુજરાત ટ્રાવેલ્સ એન્ડ ટુરીઝમ એક્ષેલન્સ એવોર્ડ-૨૦૨૧ રનરઅપ તરીકે એનાયત થતા જિલ્લાને ગૌરવ બક્ષ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવા જિલ્લાના નાગરિકો મહત્તમ રસી મુકાવે તે ખૂબ જ જરૂરી છે. તેમ જણાવી શ્રી શાહે ઉમેર્યું હતું કે, શહેર જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રિમ હરોળના કોરોના વોરીયર્સ અને ૬૦ વર્ષથી વધુની વયના અને કોમોર્બિડિટી લાભાર્થી નાગરિકો માટે પ્રિકોશન ડોઝના રસીકરણની ચાલી રહેલી ઝૂંબેશને અનુલક્ષીને પાત્રતા ધરાવતા તમામ લોકોને સમયસર રસીના ડોઝ લેવાની આગ્રહપૂર્વકની તેમણે અપીલ કરી છે. કોરોનાની બીજી લહેરના સમયગાળા દરમિયાન જિલ્લા પ્રશાસન-આરોગ્યતંત્ર દ્વારા દાતાઓ તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા CSR એક્ટીવીટી અંતર્ગત PSA ઓક્સિજન પ્લાન્ટસ ઉપરાંત ઓક્સિજન કોન્સન્ટ્રેટર વગેરે જેવી સુવિધા ઉપલબ્ધિ માટેના અથાક પ્રયાસોના ફળ સ્વરૂપે નર્મદા જિલ્લામાં નોંધપાત્ર આરોગ્ય વિષયક ઉક્ત સવલત-સુવિધાઓ પ્રાપ્ત થઇ છે અને તેને લીધે હાલમાં આ બાબતે નર્મદા જિલ્લાની સ્થિતિ અત્યંત સંતોષકારક હોવાનું શ્રી શાહે જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ વગેરેના હસ્તે નાંદોદ તાલુકાના વિકાસ માટે નાંદોદ મામલતદારશ્રીને રૂા.૨૫ લાખનો ચેક, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ પર્ફોમન્સ કરનાર રાજપીપલા જનરલ હોસ્પિટલ વતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાને પ્રમાણપત્ર, શ્રેષ્ઠ કામગીરી બદલ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર, ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મયોગીઓને પ્રમાણપત્ર, કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર વોલન્ટીયર્સને પ્રમાણપત્ર, શ્રેષ્ઠ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસર્સને પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું, જયારે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં કોરોના વોરિયર્સને રસીના પ્રીકોઝન ડોઝ અપાયાં હતાં.

આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શહેર-જિલ્લાના અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ માછી અને શ્રી હિતેશભાઇ પ્રજાપતિએ કર્યું હતું.કાર્યક્રમના અંતમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here