મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને ટકાવી રાખવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેક્ટરશ્રી મનોજ દક્ષિણી
સરકારના કોવીડ પ્રોટોકોલ અનુસાર કાર્યક્રમ યોજાયો,આણંદ જિલ્લાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક એનાયત

કરૂણા અભિયાનના વોલન્ટીયર્સને પ્રશસ્તિપત્રો એનાયત કરી કરાયું સન્માન
મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને અપાયાં રસીના પ્રિકોશન ડોઝ
આણંદ –: આણંદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૩માં જનસત્તાક દિનની દેશભક્તિના ખુશનુમા અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો અને પોલીસ બેંડની રાષ્ટ્રગીતની સૂરાવલી વચ્ચે સલામી આપી હતી. તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ પણ જોડાયા હતા. સમગ્ર ઉજવણી સીમિત હાજરી અને કોવીડ પ્રોટોકોલ સાથે કરવામાં આવી હતી.રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપ્યા બાદ જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સાથે જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજયાણે ખુલ્લી જીપમાં બેસી પરેડનું નિરીક્ષણ કરી આમંત્રિતોનું અભિવાદન ઝીલ્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રી મનોજ દક્ષિણીએ પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. શ્રી દક્ષિણીએ જિલ્લાના નાગરિકોને સંબોધતા મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને ટકાવી રાખી પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. કલેકટરશ્રીએ દેશના મહાપુરૂષો એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો.
શ્રી દક્ષિણીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની સરાહના અને કામગીરીને બિરદાવી તેઓના આરોગ્યની શુભકામનાઓ વ્યકત કરી હતી.આ પ્રસંગે કલેકટરશ્રીએ જિલ્લામાં આરોગ્ય-શિક્ષણ-માર્ગ-મકાન, ખેતીવાડી, દિવ્યાંગ યોજનાઓ, સામાજિક કલ્યાણ, રોજગાર, સેવા સેતુ, ગુડ ગવર્નન્સ જેવા અનેકવિધ ક્ષેત્રે કરવામાં આવેલ કામગીરીની રૂપરેખા આપી આણંદ જિલ્લાના નાગરિકો માટે વિકસાવવામાં આવેલ એપ્લીકેશનનો લાભ લેવા તેમજ આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરવા જણાવ્યું હતું.
કલેકટર શ્રી દક્ષિણીએ આ પ્રસંગે ભારત સરકાર દ્વારા દંતાલીના ભકિત નિકેતન આશ્રમના સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ એવોર્ડ આપવાની કરવામાં આવેલ જાહેરાતથી ચરોતરની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું હોવાનું જણાવી જિલ્લાના પ્રજાજનો વતી સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને શુભકામનાઓ પાઠવી હતી. જયારે આણંદના એએસઆઇ શ્રી મહમંદયુસુફ શેખને તેમની ખંતપૂર્વકની કામગીરી બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ મળતા તેઓનું પણ સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિના હસ્તે ઉત્તરાયણના પર્વ દરમિયાન આરંભાયેલાં કરૂણા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આણંદના નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ. સ્નેહલ પટેલ, બીટ ગાર્ડ શ્રી ડી. બી. માછી, શ્રી દયા ફાઉન્ડેશન અને શ્રી નેચર હેલ્પ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે આયુષ્યમાન ભારત અને મા યોજના કાર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આણંદની જનરલ હોસ્પિટલના ડૉ. અમર પંડયા અને ખંભાતની એમ.એમ.પરીખ કાર્ડિયાક કેર સેન્ટરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટર શ્રી દક્ષિણીએ જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રીમતી કે. વી. વ્યાસને અર્પણ કર્યો હતો. જયારે કલેકટરશ્રી, સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડાએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
કલેકટર શ્રી મનોજ દક્ષિણી, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ અને જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજયાણની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન (બુસ્ટર) ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ હજુ કોરોના ગયો નથી. અને જયારે તેનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તેને હળવાશથી ન લેતાં તેની ગંભીરતા સમજી સાવચેતી અને સલામતી સાથે માસ્ક પહેરીને જ બહાર નીકળવા, સામાજિક દૂરીનું પાલન કરવા અને વારંવાર સાબુ/સેનેટાઇઝરથી હાથ ધોતાં રહેવા અપીલ કરી હતી.
શ્રી દક્ષિણીએ આઝાદીના ઘડવૈયાઓએ આપણી અને ભાવિ પેઢી પાસે જે આશા-અપેક્ષાઓ અને આકાંક્ષાઓ રાખી છે તે મુજબનું ગુજરાત બનાવવા અને સમૃધ્ધ ગુજરાતના ઘડતરમાં ભાગીદાર બની કોરોના જેવી મહામારીને નાથવા સંકલ્પબધ્ધ થઇ તંદુરસ્ત, સ્વસ્થ અને સ્વચ્છ સમાજના નિર્માણમાં સહભાગી થવા કહ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી અંબાલાલ રોહિત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજયાણ, નિવાસી અધિક કલેકટર શ્રીમતી કે. વી. વ્યાસ, પ્રાંત અધિકારી શ્રી જે. સી. દલાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારી, આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ-અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.