Home International દોસ્તી જબ કિસીસે કી જાએ, દુશ્મનોં કી ભી રાય લી જાયે…

દોસ્તી જબ કિસીસે કી જાએ, દુશ્મનોં કી ભી રાય લી જાયે…

30
0

દોસ્તી જબ કિસીસે કી જાએ, દુશ્મનોં કી ભી રાય લી જાયે… પશ્ચિમ એશિયામાં અત્યારે નવા દોસ્તો અને નવી દુશ્મનીના નવા અધ્યાય શરૂ થઈ ગયા છે. ૭૨ વર્ષોથી જાની દુશ્મન એવા ઈઝરાયલ અને યુનાઈટેડ આરબ અમીરાતે હાથ મિલાવ્યા છે. અત્યાર સુધી બોમ્બ અને મિસાઇલોથી એકબીજાનું લોહી વહાવતા આરબ દેશો અને યહૂદી દેશના રક્તરંજિત ઇતિહાસમાં હવે વેપારધંધા થશે. ઈઝરાયલ કોરોનાની રસી બનાવવામાં યુએઈને મદદ કરશે. ઊર્જા, પાણી, પર્યાવરણ, સંરક્ષણ જેવાં ઘણાં ક્ષેત્રોમાં નવા સંબંધો સ્થાપવાના ઐતિહાસિક પ્રકરણના ખરા શિલ્પી છે જગતના જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમાં નિમિત્ત બન્યા છે ટ્રમ્પના જમાઈ જેરેડ કૂશ્નર જે ટ્રમ્પના સલાહકાર પણ છે. ઈઝરાયલમાં અમેરિકાના રાજદૂત ડેવિડ ફ્રીડમેન અને મધ્યપૂર્વના દૂત એવી બર્કોવીટ્સે આ શાંતિમંત્રણા માટે ભારે કવાયત કરવી પડી છે. સાપ અને નોળિયા વચ્ચે દોસ્તી કરાવવાનું આ કામ હતું, ટ્રમ્પ એટલે જ કહે છે કે ૭૨ વર્ષથી થીજી ગયેલા સંબંધોમાં ‘જીવ’ આવ્યો છે.
હાથ દાઝી જાય તેવી મૈત્રીને સ્થાપવા આ અગાઉ જ્યોર્જ બુશે પણ પ્રયત્ન કરેલા પણ વિદેશનીતિ હંમેશાં સંજોગો મુજબ ચાલે છે. ગગનચુંબી ઈમારતો અને ટેક્નોકોમર્સથી સમૃદ્ધ દુબઈ, અબુધાબી સહિત સાતેય અમીરાતના શાસક ક્રાઉન પ્રિન્સ હંમેશાં બારૂદ અને બિઝનેસ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. એટલે જ સતત યુદ્ધની આગમાં રહેતા ખાડીના દેશોની સાથે કટ્ટર અને જડ રૂઢિવાદી બની રહેવાને બદલે દુબઈ – અબુધાબી ઉપર સતત અમેરિકન પ્રભાવ વર્તાતો રહ્યો છે. વિશ્વભરના પ્રવાસીઓ માટે દુબઈ ફેવરિટ છે, અરબ દેશ હોવા છતાં અહીં અશાંતિને બદલે એશોઆરામ અને આંખો પહોળી થઈ જાય તેવા અજૂબાથી યુએઈ હંમેશાં ન્યૂઝમેકર બની રહે છે. આવી દોમદોમ સાહ્યબીને કાયમ રાખવી હોય તો પ્રગતિશીલ અને શક્તિશાળી મિત્રો જરૂરી બને છે. અને એટલે જ પેલેસ્ટાઈન સહિતના અરબ દેશોની ખફગી વ્હોરીને યુએઈએ ઈઝરાયલ સાથે દોસ્તી કરી છે. આ ડીલ જઝબાત આધારિત નહીં પરંતુ અરસપરસની જરૂરિયાત મુજબની છે.
નવા દોસ્તોની મૈત્રીથી મોટો ઝટકો પેલેસ્ટાઈનને લાગ્યો છે. તેણે યુએઈથી પોતાના રાજદૂતને પરત બોલાવી ક્રાઉન પ્રિન્સે પીઠમાં છૂરો ભોંક્યો હોવાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન અને ઈરાને તો ઈઝરાયલને દેશ તરીકે જ માન્યતા આપી ન હોઈ તે આગ ઓકવાના જ હતા. ઉગ્રવાદ અને ગોળીઓની ભાષાથી કંટાળેલા ઈજિપ્ત અને જોર્ડને તો અગાઉ જ ઈઝરાયલ સાથે સંધિ કરી લીધી છે, શક્તિ અને સામર્થ્યની પૂજા કોણ નથી કરતું ? ઈઝરાયલ અને અમેરિકાની ગૂડબુકમાં રહેવામાં ઘણા અરબ દેશોને ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે.
ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા નેતન્યાહુ અને માથે ગાજતી ચૂંટણીમાં ટ્રમ્પ માટે આ ડીલ સંજીવની જેવી છે, પરંતુ આ દોસ્તીની સાઈડ ઈફેક્ટસ બહુ જોખમી પણ છે, યુએઈ અમેરિકાના વિશ્વાસે આ ગણતરીપૂર્વકનું જોખમ ખેડી રહ્યું છે. યુ.એ.ઈ.ના આરબો હવે જેરૂસલેમમાં અક્સા મસ્જિદમાં જઈ શકશે અને તેલ અવીવથી અબુધાબી વચ્ચે હવાઈસેવા પણ શરૂ થઈ રહી છે. યહૂદી, ઈસાઈ અને ઈસ્લામ એમ ત્રણેય ધર્મો માટે પવિત્ર ગણાતા વિશ્વના પ્રાચીનતમ શહેર જેરૂસલેમમાં શાંતિ સ્થાપવાનો રસ્તો બગદાદ થઈને જાય છે, એવંુ વિશ્વ માનતું હતું પરંતુ ઈરાક, ઈરાનની નજર સામે જ ઈઝરાયલ-UAE વચ્ચે સીધા સંપર્કો થઈ ગયા છે. આ વાતથી આરબ દેશો બહુ છંછેડાયા છે.
લાંબા સમયથી ઈરાન સાથે બગડતા સંબંધો અને લેબેનોનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાના મામલે ખાડીના દેશો સંબંધોનાં સમીકરણમાં ફેરફાર કરવા માંડયા છે. મુસ્લિમ બ્રધરહૂડ અને હમાસ જેવાં ઉગ્રવાદી જૂથો પણ આ માટે કારણભૂત બન્યાં છે. હમાસ પેલેસ્ટાઈનમાં શાસકપદે છે. વોશિંગ્ટન બ્રોકર્ડ ડીલ એટલે કે શાંતિ સમજૂતીમાં ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે સતત સંઘર્ષનું કેન્દ્ર બનેલા વેસ્ટ બેન્કમાં ઈઝરાયલ હવે સંઘર્ષ નહીં કરે તેવું જાહેર થયેલું છે. વેસ્ટ બેન્ક ઈઝરાયલ અને જોર્ડનની વચ્ચે આવેલું છે જેમાં પેલેસ્ટાઈનની વહીવટી રાજધાની રામલ્લાહ પણ સમાવિષ્ટ છે. ૧૯૬૭માં છ દિવસના ઐતિહાસિક યુદ્ધમાં ઈઝરાયલે પોતાની તાકાતના જોરે મોટાભાગના વિસ્તારો પર આધિપત્ય સ્થાપેલું હતું. અરબ દેશોને આ વાત દાયકાઓથી ખટકતી હતી પરંતુ હવે સૌને ઈઝરાયલની સતત વધતી તાકાતને સ્વીકારવામાં જ સાર સમજાય છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે અમેરિકાની નારાજગીમાં તેને ઈઝરાયલ ઉપરાંત અરબ દેશોનું સમર્થન મળી રહ્યું છે. જેનાથી ઈરાન અને ચીન પણ આગબબૂલા થયાં છે, પણ આ તો થવાનું જ હતું, આ એક પ્રયોગ છે. અગાઉ જોર્ડન, ઈજિપ્ત સાથે ઈઝરાયલની ડીલથી કંઈ બહુ શાંતિ સ્થપાઈ શકી નથી. વળી અફઘાનિસ્તાનમાં આંતરવિગ્રહ રોકવામાં પણ અમેરિકાને બહુ સફળતા મળી નથી. આ દોસ્તીની પાછળ ઈરાન સાથેની દુશ્મનીને બેલેન્સ કરવામાં આવી રહી છે, પરંતુ શત્રુતાનાં નવાં સમીકરણો પણ તૈયાર થવા માંડયાં છે.
ઝૂમ ઇન
મોહબ્બતો મેં દિખાવે કી દોસ્તી ન મિલા
અગર ગલે નહી મિલતા તો હાથ ભી ન મિલા
ઝૂમ આઉટ
લોગ ડરતે હૈ દુશ્મની સે તેરી
હમ તેરી દોસ્તી સે ડરતે હૈ
વાઈડ એન્ગલ : જયેશ ઠકરાર


Previous articleલોકડાઉન પછી પહેલી વખત તિરુપતિ બાલાજી મંદિરમાં એક કરોડ રૂપિયાથી પણ વધારેનું દાન આવ્યું છે…
Next articleગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here