તિબેટ અને તાઇવાનથી દૂર રહેવાની સલાહ આપનાર ચીન ખુદ ભારતના મૂળભૂત હિતોને નજરઅંદાજ કરી તણાવને ભડકાવામાં લાગી ગયું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ની અંતર્ગત જ્યાં ડ્રેગન પાકિસ્તાનમાં 87 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે ત્યાં ચુપકેથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની મદદથી સૈન્ય બેઝ બનાવામાં લાગી ગયું છે. ચીન અને પાકિસ્તાન આ નાપાક ચાલના લીધે લદ્દાખમાં ભારતની સાથે ડ્રેગનનો તણાવ વધતો જ જઇ રહ્યો છે.
ચીન CPECની અંતર્ગત પાકિસ્તાનમાં 87 અબજ ડોલરની મદદથી પોર્ટ, રસ્તાઓ, રેલવે અને પાવર પ્લાન્ટ બનાવી રહ્યું છે. ચીનનો હેતુ મલક્કા સ્ટ્રેટ પર પોતાની નિર્ભરતાને ઓછી કરતા ગ્વાદર પોર્ટના રસ્તે દુનિયાને માલની નિકાસ કરવાનો છે. ચીનને હંમેશાંથી એ ડર બની રહ્યો છે કે મલક્કા સ્ટ્રેટમાં ભારત અને અમેરિકા તેના માટે જોખમનું કારણ બની શકે છે. આથી જ તેણે પોતાની સંપૂર્ણ તાકાત પાકિસ્તાનમાં ઝીંકી દીધી છે.
ગ્વાદર, ગિલગિટ બ્લુચિસ્તાનના લશ્કરી થાણા પર ચીની પહોંચ
એશિયા ટાઇમ્સના અહેવાલ મુજબ ચીને તાજેતરમાં સીપીઇસી હેઠળ બીજા 11 અબજ ડોલરના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમાંથી કેટલાંય ચીની પ્રોજેક્ટ્સ પીઓકેમાં ચલાવવાના છે. સ્થાનિક અહેવાલો અનુસાર પાકિસ્તાની વહીવટીતંત્ર ભલે આ વાતનો ઇનકાર કરે પરંતુ તેમણે ચુપકેથી ચીની સેનાને ગિલગીટ બ્લુચિસ્તાન અને ગ્વાદરમાં પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાનો અધિકાર આપી દીધો છે.
આપને જણાવી દઇએ કે ગિલગીટ વિવાદાસ્પદ પીઓકેમાં આવે છે જેના પર ભારત પોતાનો દાવો કરી રહ્યું છે. ચીન ગ્વાદર અને ગિલગિટ બંનેમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. પાકિસ્તાની સૈન્ય આ કાર્યમાં ચીનને સીધી મદદ કરી રહ્યું છે. અબજો ડોલરના આ પ્રોજેક્ટમાં પાકિસ્તાન આર્મી પણ જંગી નાણાં કમાઇ રહ્યું છે. પાકિસ્તાન આર્મીની સંસ્થા ફ્રન્ટીયર વર્કસ ઓર્ગેનાઇઝેશનને સીપીઇસીથી સંબંધિત અનેક કોન્ટ્રાકટ મળ્યા છે.
તેમાં સૌથી મહત્વનો કરાકોરમ હાઇવેને અપગ્રેડ કરવાનો છે જે ચીનના શિનજિયાંગ પ્રાંતના કાશગરને પાકિસ્તાનના પંજાબ પ્રાંત સાથે જોડે છે. તેના પર જ લગભગ બે અબજ ડોલર ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આ રસ્તો ચીન માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માર્ગ દ્વારા જ ચીનને વેપારના વૈકલ્પિક રસ્તા મળશે. બીજી બાજુ આલોચકોનું કહેવું છે કે આ કોન્ટ્રાકટ વગર કોઇપણ હરિફ વગર સેનાને આપી દેવાયા છે. આપને જણાવી દઈએ કે સીપીઈસીના ચેરમેન સેનામાંથી રિટાયર્ડ જનરલ અસીમ બાજવા છે. ઇમરાન ખાને વચન આપ્યું હતું કે તેઓ સીપીઈસી પ્રોજેક્ટની સમીક્ષા કરશે પરંતુ એવું બન્યું નહીં અને હવે સૈન્યના દબાણ હેઠળ ઇમરાને મ1ન સાંધી લીધું છે.
ચીન સાથે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે કરાર
ભારત સાથે પૂર્વી લદ્દાખમાં સરહદ પર તણાવ વચ્ચે ચીન અને પાકિસ્તાને પરસ્પર અબજો ડોલરનો કરાર કર્યો છે. પાકિસ્તાનના હિસ્સાવાળા કાશ્મીરના (પીઓકે) કોહોલામાં 2.4 અબજ ડોલરના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે કરાર થયો છે. આ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવનો હિસ્સો છે જેના દ્વારા યુરોપ, એશિયા અને આફ્રિકા વચ્ચે કોમર્શિયલ લિંક બનાવાનો ઉદ્દેશ છે. આ પ્રોજેક્ટની મદદથી દેશમાં વીજળી સસ્તી થઈ શકે છે.
પાકિસ્તાનની સરકારે સોમવારે કાશ્મીરના સુધાનોટી જિલ્લામાં જેલમ નદી પર આઝાદ પટ્ટન હાઇડ્રો પ્રોજેક્ટની જાહેરાત કરી. આ ડેમ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો એક ભાગ છે. આ પ્રોજેક્ટનો વિકાસ કોહલા હાઈડ્રોપાવર કંપની કરી રહી છે જે ચીનના ત્રણ ગોર્ગેજ કોર્પોરેશનનું એકમ છે. કરાર પર હસ્તાક્ષર કરવામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને ચીનના રાજદૂત યાઓ જિંગ પણ સામેલ થયા હતા. પીએમના સ્પેશ્યલ આસિસ્ટન્ટ અસીમ સલીમ બાજવાએ આ ડીલને મિલનો પત્થર ગણાવ્યો છે. અગાઉ પીઓકે વિવાદાસ્પદ ક્ષેત્ર હોવાના નાતે વિશ્વ બેન્કે આર્થિક મદદ કરવાની ના પાડી દીધી હતી. હવે પાકિસ્તાન ચીનની મદદથી તેને પૂરું કરી રહ્યું છે.
ચીન ગિલગિટમાં સૈન્ય મથકથી માત્ર એક ડગલું દૂર છે
પી.ઓ.કે. ખાતે ડાઇમર-ભાષી ડેમના વિરોધીઓ અને નિરીક્ષકોનું કહેવું છે કે આનાથી ચીનને ગિલગિટ-બ્લુચિસ્તાનમાં પોતાના સૈનિકોને લાવવાનું એક કારણ મળી જશે. પીઓકેમાં ચીની સેનાના આગમનથી ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનની સ્થિતિને વધુ મજબૂત બની જશે. કેટલાક વિશ્લેષકોનો તો એમ પણ કહેવું છે કે ચીન પાકિસ્તાનમાં સૈન્ય મથકથી માત્ર એક ડગલું જ દૂર છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પીઓકેમાં ચીની રોકાણ ભારતને જાણી જોઈને ઝાટકો છે. તેનાથી ભારત અને ચીન વચ્ચે વધુ તણાવ વધશે.