Home Uncategorized કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવતા સૌને બિરદાવતા નાયબ...

કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવતા સૌને બિરદાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

21
0

ગાંધીનગર ખાતે
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની સરકારી
તથા જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ડીન સાથે બેઠક યોજાઇ
 મોરબીમાં ૧૦૦ બેઠકો સાથેની મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારની મંજૂરી
 મેડિકલ કોલેજના પડતર પ્રશ્નો અને નવા મેડિકલ શૈક્ષણિક વર્ષ અંગે ચર્ચા કરાઇ
 અમદાવાદ સિવિલમાં હવે સાંજે OPD શરૂ કરાશે
 વેક્સિનના પ્રથમ તબક્કાના ટ્રાયલમાં કોઇ આડઅસરનો કિસ્સો બન્યો નથી : વેક્સિનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો :
વેક્સિન બાદ પણ દર્દીઓના પરિક્ષણ થશે
 રાજ્યના તજજ્ઞ તબીબો હવે સરકારી હોસ્પિટલોમાં સેવા આપી શકશે
 ઇન્ટર્ન તબીબોની હડતાલ ગેર વ્યાજબી : ઇન્ટર્ન તબીબ ગેરહાજર રહેશે તો હાજરી નહી પૂરાય

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની સરકારી તથા જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ડીન સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવતા સૌને બિરદાવ્યા હતા.
શ્રી પટેલે કહ્યુ હતું કે, રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ ૬૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. નાગરિકોને મળતી અન્ય તબીબી સારવાર અંગે ચર્ચા કરવા અને ‘નીટ’ને આધારે વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે ચાલુ થતા શૈક્ષણિક સત્ર સંદર્ભે શું પગલાં લેવા તે બાબતે રાજ્યની સરકારી તથા જીએમઇઆરએસ કોલેજોના ડીન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મેડિકલ પીજીની પરીક્ષા આવનાર હોઇ, કોરોનાની કામગીરીમાં જોડાયેલ પીજીના તબીબોની પરીક્ષા સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે કહ્યુ કે રાજ્યમાં હવે કોરોનાની કામગીરી હળવી થઇ રહી છે ત્યારે અમદાવાદની સિવિલમાં હવે સાંજે પણ OPD શરૂ કરાશે. જેથી નવા કે રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓને સરળતા રહેશે. સવારની OPD રાબેતા મુજબ ચાલુ જ રહેશે.અમદાવાદના કાર્યરત ટ્રોમાં સેન્ટરમાં નવા પાંચ ઓપરેશન થીયેટરોનું કામ પૂર્ણ થતા ચાલુ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યુ કે આરોગ્ય વિભાગની તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સતર્કતા, રાત્રિ કર્ફ્યુ તથા નાગરિકોના સહયોગને પરિણામે આજે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરિણામે હાલમાં કોવિડ હોસ્પિટલમાં ૮૪ ટકા પથારીઓ ખાલી છે. જે રાજ્યને મળેલી અપ્રતિમ સફળતા સાબિત થઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે ભારત બાયોટેક તરફથી આપવામાં આવેલ વેક્સિનની ટ્રાયલનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આ તબક્કાના અંતે કોઈ પણ દર્દીનો આડઅસરનો કિસ્સો ધ્યાને આવ્યો નથી. પરિણામે બીજા તબક્કાની ટ્રાયલ કરવામાં આવશે અને ત્યારબાદ દર્દીને નિરીક્ષણમાં રાખી તપાસ કરવામાં આવશે અને સફળતા બાદ જ અન્ય દર્દીઓને આ વેક્સીન આપવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે રાજ્યના પ્રખ્યાત તજજ્ઞ તબીબોનો લાભ હવે સરકારી સિવિલમાં આવતા ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને મળે તે માટે જે તે શહેરના તજજ્ઞ તબીબો તેમની માનદ સેવા સરકારી હોસ્પિટલોમાં આપી શકશે.
તેમણે ઉમેર્યું હતું કે મોરબીમાં ૧૦૦ બેઠકો સાથેની નવી મેડિકલ કોલેજને કેન્દ્ર સરકાર તરફથી મંજુરી મળી છે પરિણામે રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થયો છે. આ શૈક્ષણિક વર્ષથી જ આ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશીપ પૂર્ણ કરવી ફરજીયાત છે. વિદ્યાર્થીઓની ઈન્ટર્નશીપ પૂર્ણ થયે તેમને મેડીકલ પ્રેક્ટિસ માટેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. હાલ જે ઈન્ટર્ન તબીબો હડતાળ પર છે તેમની હડતાળ તદ્દન ગેરવ્યાજબી છે. જે ઈન્ટર્ન તબીબો ઈન્ટર્નશીપ દરમિયાન ગેરહાજર રહેશે તેમની હાજરી ગણવામાં આવશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.
આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત રહ્યા હતા.


Previous articleગુજરાત સરકારની વધુ એક સિદ્ધિ મુખ્યમંત્રીશ્રીના જનસંવાદ કેન્દ્રમાંથી છેલ્લા ૧૧ માસમાં બે લાખથી વધુ નાગરિકો સાથે સીધો સંવાદઃ ફીડબેક મેકેનિઝમનું ઉત્તમ મોડેલ પૂરું પાડ્યું
Next articleકુંવરજી બાવળીયાના હસ્તે ફ્લેગ ઓફ આપીને ત્રીજા તબક્કામાં મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here