રવિવારે ૨૫મા દિવસે પણ દિલ્હીની સરહદો પર ખેડૂતોનું આંદોલન જારી રહ્યું હતું. ખેડૂતોએ રવિવારે તેમના આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રદ્ધાંજલિ દિવસ મનાવતા દેશના ૧ લાખ ગામોમાં કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. દિલ્હીના બુરારી ખાતેના નિરંકારી સમાગમ મેદાન ખાતે ધરણાં કરી રહેલા ખેડૂતોએ રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દરમિયાન સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે રવિવારે જાહેરાત કરી હતી કે, ખેડૂતો સોમવારથી ધરણાંના દરેક સ્થળે ભૂખ હડતાળનો પ્રારંભ કરશે. ખેડૂતો દરરોજ મોટી સંખ્યામાં એક-એક દિવસ ભૂખ હડતાળમાં સામેલ થશે.
કૃષિ કાયદાના
દિલ્હીની ગાઝીપુર બોર્ડર ખાતે ખેડૂતોએ નેકી કી દિવાર સ્વરૂપે માનવ સાંકળ રચી હતી. જેમાં હજારોની સંખ્યામાં પુરુષ અને મહિલા ખેડૂતો જોડાયાં હતાં. ચિલ્લા બોર્ડર ખાતે પણ ખેડૂતોએ શહીદ ભાઇઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને અંજલિ આપવા રવિવારે શ્રદ્ધાંજલિ દિવસ મનાવતા પહેલાં ખેડૂત સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને સંયુક્ત ખુલ્લો પત્ર લખ્યો હતો. પત્રમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર જુઠ્ઠો પ્રચાર કરી રહી છે કે ખેડૂતોના આંદોલન પાછળ વિરોધી રાજકીય પાર્ટીઓનો દોરીસંચાર છે. ખેડૂતોનાં આંદોલનના કારણે વિરોધપક્ષોને તેમનું વલણ બદલવાની ફરજ પડી છે. અમારું આંદોલન કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલું નથી. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્િડનેશન કમિટીએ ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે, ખેડૂતોનાં આંદોલન પાછળ વિપક્ષોનો હાથ છે તેવી ધારણા ખોટી છે. ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓમાં ખામી છે અને કૃષિ મંત્રી ખેડૂતોના મુખ્ય મુદ્દાઓથી ધ્યાન અન્યત્ર દોરી રહ્યા છે.
બીજી બાજુ સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ૩ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનાં સમર્થનમાં દિલ્હીમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં અન્ના હઝારેએ જણાવ્યું હતું કે, હું ખેડૂતોનાં સમર્થનમાં દિલ્હીમાં જંતરમંતર અથવા તો રામલીલા મેદાનમાં આંદોલન કરીશ. આ માટે મંજૂરી મેળવવા મેં દિલ્હી સરકારને અરજી મોકલી આપી છે. આ પહેલાં પણ હઝારે કેન્દ્ર સરકારને ચેતવણી આપી ચૂક્યા છે કે જો ખેડૂતોની માગ સ્વીકારવામાં નહીં આવે તો હું અનશન પર ઉતરીશ. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને લખેલા પત્રમાં હઝારેએ જણાવ્યું હતું કે, સ્વામીનાથન પંચની ભલામણો લાગુ નહીં કરાય તો હું કેન્દ્ર સામે આંદોલન કરીશ.
વડા પ્રધાન મોદી ૨૫મી ડિસેમ્બરે ખેડૂતો સાથે સંવાદ કરશે, ૨૭મીએ ખેડૂતો થાળી વગાડશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મી ડિસેમ્બરે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારીની જન્મજયંતી નિમિત્તે ખેડૂતો સાથે સંવાદ કરશે. તે દિવસે ઉત્તરપ્રદેશમાં ભાજપ ૨૫૦૦ સ્થળે ખેડૂત સંવાદ કાર્યક્રમનું આયોજન કરશે. બીજી બાજુ આંદોલન કરી રહેલા ખેડૂતોએ રવિવારે જણાવ્યું કે, ૨૭મી ડિસેમ્બરે જ્યારે વડા પ્રધાન મોદી મન કી બાત કરશે, ત્યારે એ જ સમયે દેશભરના ખેડૂતો થાળી વગાડીને ખેડૂતોના મનની વાત સાંભળવા પીએમને અપીલ કરશે.