International

પાકિસ્તાનની રાજધાનીમાં બની રહેલા પ્રથમ મંદિર વિરૂદ્ધ ફતવો જાહેર

બિનમુસ્લિમો માટે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળો બનાવવા સરકારી ધનનો ઉપયોગ ન કરી શકાયઃ જામિયા અશર્ફિયાના લાહોર પ્રમુખ મુફ્તી જિયાઉદ્દીન

પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોને પણ બહુસંખ્યકો જેટલો જ ધાર્મિક આઝાદીનો અધિકાર છે તેમ કહી કોર્ટે મંદિર નિર્માણ પર સ્ટે ઓર્ડર આપવા મનાઈ કરી

ઈસ્લામાબાદ, તા. 2 જુલાઈ 2020, ગુરૂવાર

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બનનારા પ્રથમ મંદિરનું નિર્માણ કાર્ય હજું તો સરખું ચાલુ પણ નથી થયું ત્યાં તેનો વિરોધ થવા લાગ્યો છે. સ્થિતિ એ હદે કઠિન છે કે મંદિર નિર્માણ વિરૂદ્ધ ફતવો બહાર પાડી દેવામાં આવ્યો છે. હકીકતે ગત સપ્તાહે જ આ મંદિરની એક દીવાલનો પાયો ખોદવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ મંદિરના નિર્માણ માટે 10 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી દીધી હતી પરંતુ હવે તેનો વિરોધ શરૂ થઈ ગયો છે.

એક પાકિસ્તાની ચેનલના અહેવાલ પ્રમાણે જામિયા અશર્ફિયા નામની ધાર્મિક સંસ્થાએ મંદિર નિર્માણ વિરૂદ્ધ ફતવો બહાર પાડ્યો છે. મંગળવારે આ સંસ્થાએ મંદિર નિર્માણને ઈસ્લામ વિરૂદ્ધનું ગણાવીને તેના વિરૂદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. જામિયા અશર્ફિયાના લાહોર પ્રમુખ મુફ્તી જિયાઉદ્દીને જણાવ્યું કે, બિનમુસ્લિમો માટે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળો બનાવવા સરકારી ધનનો ઉપયોગ ન કરી શકાય.

મુફ્તી જિયાઉદ્દીનના કહેવા પ્રમાણે લોકોના ટેક્સના પૈસા મંદિર નિર્માણમાં ખર્ચ કરવાનો સરકારનો નિર્ણય સવાલો ઉભા કરે છે. આટલું જ નહીં આ મંદિર નિર્માણ વિરૂદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. જો કે ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંદિર નિર્માણ પર સ્ટે ઓર્ડર આપવાની મનાઈ કરી દીધી હતી. કોર્ટના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોને પણ બહુસંખ્યકો જેટલો જ ધાર્મિક આઝાદીનો અધિકાર છે.

આ તરફ કૃષ્ણ મંદિરના મેનેજમેન્ટનું કામ સંભાળી રહેલી હિંદુ પંચાયત ઈસ્લામાબાદના લાલ ચંદ્ર માલ્હીએ વિરોધ છતા મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. લાલ ચંદ્ર માલ્હી પાકિસ્તાનના માનવાધિકારના સંસદીય સચિવ પણ છે. ઉલ્લેખનીય છે કે, 10 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ભગવાન શ્રી કૃષ્ણના આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થઈ ગયું છે. રાજધાનીના એચ-9 ક્ષેત્રમાં 20,000 સ્ક્વેર ફૂટ જમીન પર આ મંદિર બનાવવામાં આવશે. લાલ ચંદ્ર માલ્હીએ મંગળવારે આ મંદિરની આધારશિલા રાખી હતી.

માલ્હીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આ ઈસ્લામાબાદનું પહેલું હિંદુ મંદિર હશે. સરકારે આ મંદિરના નિર્માણ માટે જમીન આપી છે.’ ઈસ્લામાબાદ હિંદુ પંચાયતે જ આ મંદિરનું નામ શ્રીકૃષ્ણ મંદિર રાખ્યું છે. 2017માં આ મંદિર માટે જમીન ફાળવવામાં આવી હતી પરંતુ કેટલીક ઔપચારિકતાને લઈ મંદિર નિર્માણનું કાર્ય ત્રણ વર્ષથી અટકી પડ્યું હતું.

જાણવા મળ્યા મુજબ આ મંદિરના પરિસરમાં અંતિમ સંસ્કાર વિધિ માટે પણ એક જગ્યા હશે. તે સિવાય વિવિધ હિંદુ માન્યતાઓ પ્રમાણે વિવિધ સ્થળ બનાવવામાં આવશે. ઈમરાન ખાને ધાર્મિક બાબતોના મંત્રી પીર નૂર ઉલ હક કાદરી સાથેની બેઠક બાદ 27મી જૂનના રોજ આ મંદિરના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને ધનરાશિ આપવાની જાહેરાત કરી હતી. તે સમયે અલ્પસંખ્યક નેતા લાલ ચંદ્ર માલ્હી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.