Home Surat સુરતમાં 73 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે રાષ્ટ્રના આન, બાન અને શાન...

સુરતમાં 73 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપતાં નાણા,ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

80
0

 રાજ્ય સરકારે પ્રશાસનને ‘સત્તા નહીં, પણ સેવા’નું માધ્યમ બનાવ્યું છે
 રાજ્ય સરકારે ૧૧૮૩ સમરસ ગ્રામપંચાયતોને રૂ.૬૩ કરોડથી વધુ પ્રોત્સાહક અનુદાન આપ્યું
 ગુજરાત કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી રહ્યું છે
 ભાગ્ય અજમાવવા સુરત આવેલા લાખો કર્મશીલ નાગરિકોના સપનાઓથી આધુનિક સુરતનું નિર્માણ થયું
 વધુમાં વધુ રસીકરણથી અદ્રશ્ય દુશ્મન કોરોના સામેની લડાઈમાં ગુજરાત મક્કમપણે અગ્રેસર રહ્યું છે


જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સુરત ખાતે ઉમંગભેર ઉજવણી


શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ અને કરૂણા અભિયાનમાં સેવા આપનાર સેવાભાવી સંસ્થાઓઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન

કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ મૂકવામાં આવ્યાં

સુરત ખાતે રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ૨૬મી જાન્યુઆરી-૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે ધ્વજવંદન કરતાં નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને મૂર્તિમંત કરવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી રહ્યું છે, ત્યારે આ ત્રણે ક્ષેત્રમાં સંતુલિત વિકાસ કરીને રાજ્યના અર્થતંત્રની ગતિને વધુ તેજ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત શહેરના અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના ઉમંગભર્યા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, દેશના વિરલાઓએ અંગ્રેજોની ચુંગાલમાંથી દેશને મુક્ત કરાવવા પોતાના મહામૂલા પ્રાણોની હસતાં મુખે આહૂતિ આપી હતી. ડો.બાબાસાહેબ આંબેડકરના સામાજિક સમરસતાના વિઝનથી દેશનું બંધારણ આકાર પામ્યું જેથી આજે દેશનો જનજન આગવા બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળ રાજ્ય સરકાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રબોધેલા ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ’ની રાહ પર ચાલી રહી છે.રાજ્ય સરકારે પ્રશાસનને સત્તા નહીં, પણ સેવાનું માધ્યમ બનાવ્યું છે એમ સ્પષ્ટપણે જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શિક્ષણ, રોજગાર, કૃષિ, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, સિંચાઈ, પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ અને ગરીબોને આવાસની સવલત જેવા વિકાસના તમામ ક્ષેત્રોમાં સિદ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયત ચૂંટણીમાં ૧૧૮૩ સમરસ ગ્રામપંચાયતોને રૂ.૬૩ કરોડથી વધુ પ્રોત્સાહક અનુદાન આપ્યું છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં ૫૦ હજાર યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યાં છે, કુટિરયોજના હેઠળ ૧૯ હજાર ઝૂંપડાઓમાં વિજ કનેક્શન, મનરેગા યોજનામાં રૂ.૧૨૮ કરોડના ખર્ચે ૧૭૮૩૫ જનહિતના કામોના ભૂમિપૂજન અને ખાતમુહુર્ત જેવી અનેકવિધ કાર્યસિદ્ધિઓ વર્ણવી હતી, અને વિકાસની ગતિને હજુ વધુ તેજ કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.દેશના અદ્રશ્ય દુશ્મન કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓના સહયોગથી દેશે ૧૬૦ કરોડ ઉપરાંતના રસીકરણની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી કોરોનાને નાથવાના જંગમાં ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વના આ સૌથી મોટા રસીકરણ અભિયાનમાં ગુજરાત મક્કમતાથી અગ્રેસર રહ્યું છે.તેમણે વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા ૧૨૧ દિવસમાં ૫૩.૮૭ લાખથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૨.૩૩ કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે. હાલ કુલ ૪.૭૭ કરોડ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૪.૩૬ કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના ૯૦% નાગરિકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે. રાજ્યના ૧૫ થી ૧૮ વર્ષની વયના યુવાનોને કોરોનાથી સુરક્ષિત કરવા રસીકરણ મહાઅભિયાન આરંભીને પ્રત્યેક યુવાનને રસી આપવાની તેમજ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના સામે હજુ પણ સાવધાની રાખી દેશને કોરોનામુક્ત કરીશું એવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.

સુરતવાસીઓને ગણતંત્રદિન પર્વની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતભરમાંથી પોતાનું ભાગ્ય અજમાવવા સુરત આવેલા લાખો કર્મશીલ નાગરિકોના સપનાઓથી આધુનિક સુરતનું નિર્માણ થયું છે. પુરપાટ ગતિથી વિકસતુ શહેર સમગ્ર દુનિયામાં ઝડપી વિકસતા શહેરોમાં ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. મિની ભારતની ઉપમા મેળવનાર સુરતે દેશના ખૂણે-ખૂણેથી આવેલા લાખો ભારતીયોને અપનાવ્યા હોવાનું જણાવી સુરતના ઉતરોત્તર વિકાસ માટે સૌ નાગરિકો એક અને નેક બની આગળ વધે એવી લાગણી વ્યકત કરી હતી.સુરતવાસીઓએ પાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર સાથે ખભેખભા મિલાવી સુરતને સ્વચ્છતા સહિત અનેક ક્ષેત્રોમાં અગ્રીમ સ્થાન અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વિશ્વના તખ્તા પર ડાયમંડ અને ટેક્ષટાઈલ નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતા શહેરે હવે ક્લિન સિટી, ડ્રીમ સિટી, બ્રિજ સિટી જેવા અનેક નામોથી વિશ્વમાં ઓળખાણ બનાવી છે. જ્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય અર્થકારણમાં પણ સહકારી ક્ષેત્રે દુધ-ખાંડ મંડળીઓએ પણ ભારતભરમાં નામના મેળવી છે એમ જણાવી શ્રી દેસાઈએ જનશક્તિની ઈચ્છાશક્તિથી જ વિકાસની ઈમારત ચણાય છે એમ સ્પષ્ટપણે કહ્યું હતું.પ્રજાસત્તાક પર્વ ઉજવણીના અવસરે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ મૂકવામાં આવ્યાં હતાં. પ્રસંગે પોલિસ, આરોગ્ય વિભાગના કર્મયોગીઓને મંત્રીશ્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. સાથોસાથ કરૂણા અભિયાનમાં યોગદાન આપનાર સેવાભાવી નાગરિકો, સંસ્થાઓઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું હતું.

મંત્રીશ્રીએ સુરત જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક ઈ.જિલ્લા કલેક્ટરશ્રીવી.એન.શાહને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રી અને મહાનુભાવોએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.હોમગાર્ડ્ઝ, એન.સી.સી., સ્કાઉટ ગાઈડ, મહિલા વગેરે પ્લાટુનની તાલીમબદ્ધ પરેડ પણ યોજવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરકારના દિશા-નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ ઢોડીયા, પ્રવિણભાઈ ઘોઘારી, વિવેકભાઈ પટેલ, ઈ.જિલ્લા કલેક્ટરશ્રી અને સુડાના સી.ઈ.ઓ.શ્રી વી.એન.શાહ, પોલિસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઉષા રાડા, નિવાસી અધિક કલેકટરશ્રી વય.બી.ઝાલા, નાયબ વન સંરક્ષકશ્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here