ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાષ્ટ્ર્પતિ બનતા ગુજરાત વિધાનસભાની 151 બેઠકો મેળવવાનું સ્વપ્ન ભાજપ સહજ સાકાર કરી શકશે : શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), પૂર્વ પ્રમુખ, નગરપાલિકા, આણંદ.
“સરદાર પટેલ પ્રથમ વડાપ્રધાન હોત તો…” તેવી હૃદયની વેદના ભાલકા તીર્થના શ્રીકૃષ્ણ લીલા સમાપનની યાદ સાથે રાષ્ટ્રપતિ તરીકે ગુજરાતના પાટીદાર મહિલા આનંદીબેન પસંદ ન થાય તો આગામી પેઢીના હૃદયમાં એ સત્ય કડવું બનશે : એડવોકેટ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની મુદત તા. 24 જુલાઈ 2022એ પૂર્ણ થઇ રહી હોઈ જુલાઈના મધ્યમાં ચૂંટણી યોજાનાર હોવાથી ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ તૈયારી શરુ કરતા, સંભવિત ઉમેદવારોના નામ ચર્ચાઈ રહ્યા છે ત્યારે ભાજપ તરફથી હજી કોઈ નામની સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પણ આજે જે નામ સૌથી સક્ષમ અને યોગ્ય છે તે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું જ છે. આનંદીબેન પટેલના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં ભાજપની ઓળખ મજબૂત અને કાયમી બની ગઈ છે. તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન કરેલા કાર્યો શ્રી નરેન્દ્ર મોદી સરકારને સમર્પિત રહ્યા છે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે 2018-19માં સેવા આપી, આનંદીબેન પટેલ 29/7/2019થી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, એ આજની ઓળખ સાથે આણંદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) એ જણાવ્યું છે કે આજે ભાજપ દ્વારા રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં જો કોઈ નામ સૌથી ટોચ પર મૂકી શકાય તો તે આનંદીબેન પટેલ છે.
એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ (1989)થી સન્માનિત આનંદીબેન પટેલનું રાજ્યપાલ પુરસ્કાર (1988)થી પણ સન્માન થયું હોય ત્યારે પોતાની કારકિર્દીની શરુઆતથી જ તેઓ પોતાના દરેક કામમાં ઉત્કૃષ્ટ સંચાલન સાથે શ્રેષ્ઠ પરિણામ આપનાર રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી જીતેલા આનંદીબેન પટેલ ગુજરાતના કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકે ખુબ લોકપ્રિય રહ્યા અને એ ઘાટલોડિયા બેઠકના જ ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે ગુજરાતના ગૌરવવંતા મુખ્યમંત્રી તરીકે સફળ નેતૃત્વ કરી રહ્યા છે, એ ઇતિહાસ સાથે શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સૌથી સક્ષમ વ્યક્તિત્વ તરીકે આનંદીબેન પટેલને સ્વીકારી, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તા. 22/5/2014એ પસંદગી પામ્યા, પછી એ વાત દુઃખદ રહી કે તેઓ મુખ્યમંત્રી તરીકે ટર્મ પુરી ન કરી શક્યા અને શ્રી વિજયભાઈ રુપાણીની વરણીના આનંદોત્સવ સમયે આણંદ સ્થળે અમોએ બહેન કોઈપણ રાજ્યના રાજ્યપાલ નિયુક્ત થશે તેવી અમારી વાતને આનંદીબેન એ નકારેલ, પરંતુ આજે રાજ્યપાલનું પદ શોભાવે છે એ ગૌરવની યશગાથા છે. એ 3 વર્ષના આદર્શ વહીવટના પુરસ્કાર રુપે તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક આપવામાં આવી. આનંદીબેન પટેલની રાજ્યપાલના હોદ્દાનું પણ માન વધે એવી તેમની સન્માનીય કામગીરી બાદ આજે ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમ જણાવતા એડવોકેટ અને શિક્ષણવિદ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) એ વધુમાં જણાવ્યું કે, તેમના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે તા. 29/7/2019એ નિમાયા બાદ ભારતની હિન્દૂરાષ્ટ્રની ઓળખને મજબૂત કરવા, કાશ્મીરમાંથી કલમ 370 અને 35 (એ) નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણાયક દિવસ 5/8/2019 એ થયો. ત્યારબાદ અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો તા. 9/11/2019, જે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ માટે થયો અને શ્રી નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિ સાથે શ્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય શ્રી રામ મંદિરનો શિલાન્યાસ 5/8/2020ના ઐતિહાસિક દિવસે કર્યો, જે દિવસ એટલે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી, કોરોના મહામારીના દિવસોમાં એક ભવ્ય શંખનાદ થયો.
ભાજપની ધજાઓ વધુ ઉંચાઈ ઉપર લહેરાય એ માટે આનંદીબેન પટેલએ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથે આપેલ રાજકીય અને સામાજિક યોગદાન આપણા સૌની નજર સામે જીવંત છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથે દેશ બદલાઈ રહ્યો છે, તે તમામ નિર્ણયોમાં આનંદીબેન પટેલની ત્યાગ અને સમર્પણની ભૂમિકા સૌથી મોટી રહી છે. તેથી દેશના સૌથી મહત્વના એવા રાષ્ટ્રપતિ પદ માટે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ માટે રાજકીય રીતે પણ સૌથી સક્ષમ અને એક માત્ર ઉમેદવાર આનંદીબેન પટેલ જ છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ માટે પ્રતિભા પાટીલ (2007-12)ની પસંદગી થઇ ત્યારે તેમને મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી તરીકે અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકેની સેવાઓ આપવાનો અનુભવ હતો, તેને સમાન્તર ભાજપએ પણ હવે રાષ્ટ્રપતિ તરીકે એક મહિલાને તક આપવી જોઈએ એ વાતમાં આનંદીબેન પટેલનું નામ જ સૌથી ટોચ પર રહે છે, ભાજપએ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નિમાબેન આચાર્યની વરણીનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, તેમ ગૌરવથી જણાવતા સરદાર પટેલ યુનિવર્સીટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)એ ભૂતકાળ યાદ કરાવતા જણાવ્યું કે 2007માં ભાજપના નેતૃત્વમાં એનડીએના સાથી શિવસેનાએ કોંગ્રેસ પ્રેરિત મહિલા ઉમેદવાર પ્રતિભા પાટિલના સમર્થનમાં રહી એક મહિલાને ઉચ્ચતમ તક આપી હતી, હવે આનંદીબેન પટેલ પણ મૂળ બોમ્બે સ્ટેટના ભાગ રહેલ ગુજરાતના સર્વમાન્ય મહિલા નેતા હોઈ શિવસેના સહિત અનેક વિરોધી બનેલ પક્ષોનું પણ રાજકીય સમર્થન મળશે.તેમ જણાવી આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) એ સોનાના પતરા પર લખી લેવાના વિશ્વાસ સાથે જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલનું “અબકી બાર 151 કે પાર” વિધાનસભા સીટો મેળવવાનો વિચાર, આનંદીબેન પટેલના રાષ્ટ્રપતિ બનતા ગુજરાતની પ્રજા સહજ સાકાર કરી આપશે! અગાઉ ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તે સમયે ગુજરાતે તમામ 26 બેઠકો ભાજપને ભેટ ધરી હતી. ‘2014 થી 2022’ આજ તા. 26/5/2022ના 8 વર્ષના ટૂંકા સમયમાં રાષ્ટ્રની પ્રગતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યોને પીઠબળ સમાન આનંદીબેન પટેલની ભૂમિકા સિંહફાળો ગણાય છે. અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હોય અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રથમ પાટીદાર રાષ્ટ્રપતિ બને એ ભાજપ અને ગુજરાત સહિત દેશ – વિદેશમાં વસેલા તમામ ભારતીય વંદે માતરમ સહ અપેક્ષા રાખી રહ્યા છે. ગંગા નદી જેવી પવિત્ર રાજકીય ધારામાં રાષ્ટ્રના ઉચ્ચતમ હોદ્દા માટે ‘ફિર એક બાર મહિલા રાષ્ટ્રપતિ’ હોય એ સર્વશ્રેષ્ઠ તક ભાજપએ ઝડપી લેવી જોઈએ. ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા જનાર્દનનું સ્વપ્ન સાકાર થાય તે માટે ભાજપ ઘટતું નહીં કરે તો યુવા પેઢી સાથે સમગ્ર રાષ્ટ્રને જે વાત હૃદયને આંચકો આપે છે તે “સરદાર પટેલ પ્રથમ વડાપ્રધાન હોત તો…” તેમ આગામી રાષ્ટ્રપતિ તરીકે ગુજરાતના પાટીદાર મહિલા પસંદ ન થાય તો એ રાજકીય દુઃખ સહ આઘાત, ભાલકા તીર્થની યાદ સાથે શ્રીકૃષ્ણ લીલા સમાપનની જેમ રાષ્ટ્રની આગામી પેઢીને હૃદય વેદના આપશે.