લોકડાઉન પછી પહેલી વખત તિરુપતિ બાલાજી મંદિરમાં શનિવારે એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી પણ વધારેનું દાન આવ્યું છે. આ જાણકારી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટીટીડીએ આપી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન અને કોરોનાના કારણે ભક્તોને મંદિરમાં જવા દેવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ 11 જૂને મંદિર ફરીથી તીર્થયાત્રીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે.
મંદિર ફરીથી ખોલ્યા બાદ હુંડીમાં એક દિવસમાં 1 કરોડનું દાન પહેલીવાર આવ્યું છે. ટીટીડીએ રવિવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે શનિવારે 13,486 ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી અને તેમના પ્રસાદની ગણતરી કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તિરૂપતિ મંદિર દેશનું સૌથી ધનિક મંદિર છે. દેશના તમામ મંદિરોની તુલનામાં આ મંદિરને સૌથી વધુ રોકડ, ઘરેણાં અને અન્ય દાન મળે છે.
આ મંદિરમાં એક મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનું દાન મળે છે. 20 માર્ચે લોકડાઉન કર્યા પછી, મંદિર બંધ થતાં દાન બંધ થઈ ગયું. દર મહિને 200 કરોડથી વધુ કમાતા મંદિરને એક પણ રૂપિયો દાનમાં આપવામાં આવતો નહોતો. લોકડાઉન બાદ 10 જૂને પહેલી વખત મંદિર ખુલ્યું અને પહેલા જ દિવસે 25 લાખથી વધારેનું દાન આવ્યું હતું. ત્યારે હવે ફરીથી આ આકડો કરોડમાં જવા લાગ્યો છે.