ભાજપના પૂર્વ સાંસદને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચેક રિર્ટન કેસમાં કલોલ કોર્ટે દેવજી ફતેપરાને આ સજા ફટકારી છે. કોર્ટે 2 કરોડ 97 લાખ 10 હજારનો દંડ પણ દેવજી ફતેપરાને કર્યો છે.
શું છે ચેક રિટર્નનો સમગ્ર મામલો
દેવજી ફતેપરા વર્ષ 2016માં સુરેન્દ્રનગરના સાંસદ હતા. તે દરમિયાન અમદાવાદના થલતેજમાં રહેતા પ્રભાતસિંહ ઠાકોરે તેમના વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પ્રભાતસિંહ પુર્વ સાંસદ ફતેપરા સાથે જમીન લે-વેચનો વ્યવહાર કરતાં હતા. આ દરમિયાન રાજકોટના કણકોટ ગામે આવેલી જમીન દેવજી ફતેપુરાએ વેચી હતી. જમીન પોતાની હોવાનું જણાવી પ્રભાતસિંહને વેચાણ આપવાનું નકકી કર્યુ હતું. જે પેટે પ્રભાતસિંહ ફતેપરાને ટુકડે ટુકડે 1 કરોડ 48 લાખ 50 હજાર આપ્યા હતા. ત્યારબાદ જમીનનું બાનાખત કરવામાં આવ્યું હતું. પરંતુ જમીનનો દસ્તાવેજ કરી આપવા સાંસદ દેવજી ઠાગાઠૈયા કરતા હતા. અને બાદમાં પ્રભાતસિંહે પોતે આપેલી રકમ પરત માંગતા ફતેપરાએ હાથ ઉંચા કર્યા હતા.
બાદમાં દેવજી ફતેપરાએ જમીનનો દસ્તાવેજ થઈ શકે તેમ નથી તેમ કહ્યું હતુ. નાણાં પરત પેટે 1 કરોડ 48 લાખ 50 હજારનો ચેક તેમણે આપ્યો હતો. ફતેપરાએ એસ.બી.આઈનો ચેક આપ્યો હતો, જે ચેક પરત થયો હતો. આખરે ફરિયાદીએ કલોલ કોર્ટમાં ફતેપરા સામે કેસ દાખલ કરી દીધો હતો. પરંતુ આ કેસની મુદતો પડતાં તેમાં સાંસદ હાજર રહેતા ના હતા. કલોલ કોર્ટે તા. 10/1/17 ના રોજ જામીન લાયક વોરંટ ઈસ્યુ કર્યું હતું. બાદમાં પુર્વ સાંસદ દેવજીભાઈએ રૂબરૂ હાજર થઈ તા. 28/2/17 ના રોજ વોરંટ રદ કરાવ્યું હતું. ત્યાર બાદ ચાર મુદતોમાં ફતેપરા એક પણ વાર હાજર રહ્યા ન હતા. સાંસદ હાજર ના રહેતા કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કર્યુ હતું. આ દરમિયાન 4-5 વાર કલોલ કોર્ટે નોન-બેલેબલ વોરન્ટ ઈશ્યૂ કર્યા હતાં.
આખરે આ મામલે ફતેપરા દ્વારા યોગ્ય નિકાલ ન કરતા અથવા વારંવાર કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે દેવજી ફતેપરાને 2 વર્ષની સજા ફટકારી છે અને 2.97 કરોડનો દંડ પણ કલોલ કોર્ટે ફટકાર્યો છે.