ગુજરાતમાં દરરોજ 10 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યના તમામ જિલ્લામાં કોરોના તેજ ગતિથી પ્રસરી ચૂક્યો છે. તેવામાં હવે ભાજપના નેતાઓ એક બાદ એક કોરોના સંક્રમિત થતા જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક નેતા, ધારાસભ્ય, મંત્રી અને કાર્યકર્તાઓને કોરોનાનું સંક્રમણ થયું છે. ગઇકાલે રાજ્યના મંત્રી અને પૂર્વ રાજ્યપાલને કોરોના થયાનું સામે આવ્યું હતું.
જેમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા કોરોના પોઝિટીવ આવ્યા હતા. ત્યારે આજે ગુજરાત ભાજપના વધુ એક દિગ્ગજ નેતા અને પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. જોકે આ લહેરમાં તેમનો સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. પૂર્વ મંત્રી સહિત ઘરના તમામ સભ્યો પોતાના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવા અપીલ કરી છે.
