Home Kheda (Anand) પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત

પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત

73
0

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળદ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સામાજિક અગ્રણી દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું પરિબળ શિક્ષણ છે – પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ
મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારૂસેટ વચ્ચે એમ.ઓ.યુ


શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે તા. 22મી જાન્યુઆરીના રોજ ચારૂસેટ ખાતે ભુતપૂર્વ કેન્દ્રિય મંત્રી, વિખ્યાત સામાજિક અગ્રણી, દિલાવર દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કાર્યક્રમ તેમજ મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારુસેટ વચ્ચે એમઓયુ કરવાનો યોજાયો હતો. શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1.31 કરોડ ઉપરાંતનું માતબર દાન આપનાર દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરાયો હતો.


આ પ્રસંગે કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખશ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા – કેળવણી મંડળના – CHRFના સેકેટ્રરી ડૉ. એમ.સી પટેલ, CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સી.એ પટેલ, કિરણભાઈ પટેલ, જોઈન્ટ સેકેટ્રરી શ્રીમતી મધુબેન પટેલ, CHRFના સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ,ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય, દાતા પરિવારમાં દિનશા પટેલના ધર્મપત્ની કુંદનબેન પટેલ, પરિવારજનો, મહાગુજરાત મેડિકલ સોસાયટીના પદાધિકારીઓ ડિરેક્ટર ડો. ભાવિક શેલત, હોદ્દેદારો, ન્યુ ઇંગ્લિશ સ્કૂલ SVIT- વાસદના પદાધિકારીઓ- હોદ્દેદારો તેમજમાતૃસંસ્થા – કેળવણી મંડળ-ચારુસેટ- CHRFના પદાધિકારીઓ, હોદેદારો, ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સ્વાગત પ્રવચન CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલે આપ્યું હતું અને મહેમાનો, સૌ ઉપસ્થિત આમંત્રિતોને આવકાર્યા હતા. આમંત્રિત મહેમાનોનો પરિચય કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પટેલે આપ્યો હતો. ત્યાર બાદ મહેમાનોનું બુકે અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારુસેટ વચ્ચે MOU વિષેની માહિતી ARIP ના પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિએ આપી હતી અને જણાવ્યુ હતું કે મહાગુજરાત મેડિકલ સોસાયટી (MMS)અને ચારુસેટ વર્ષોથી એકબીજા સાથે શિક્ષણ અને તબીબી ક્ષેત્રે સંકળાયેલા છે. મહાગુજરાત મેડિકલ સોસાયટીમાં 2018 થી 2 ફિઝિયોથેરપી સેન્ટર કાર્યરત છે જેમાં 42 હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે. ત્યાર બાદ મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારુસેટ વચ્ચે MOU ની આપ-લે કરવામાં આવી હતી. આ MOU અંતર્ગત સંયુક્ત પણે બાયો કેમેસ્ટ્રી, ફાર્મસી, ફિઝિયોથેરપી, પેથોલોજી, રેડિઓલોજી સહિતના ક્ષેત્રોમાં રિસર્ચ-કન્સલ્ટન્સી પ્રોજેકટ હાથ ધરશે. MMS ગવર્નમેંટ ફંડિંગ એજન્સીઓ દ્વારા સ્પોન્સર્ડ રિસર્ચ પ્રોજેકટોમાં ચારુસેટને ટેકનિકલ સુવિધા અંગેનો સહયોગ આપશે. રિસર્ચ વર્ક માટે ચારુસેટ MMS ને રિસર્ચ સેન્ટર તરીકે માન્યતા આપશે. બન્ને સંસ્થાઓ સાથેમળીને કંટીન્યુઇંગ એજ્યુકેશન, મેનપાવર ટ્રેનીંગ વગેરે ક્ષેત્રે કામ કરશે.

82 વર્ષ જૂની મહાગુજરાત મેડિકલ સોસાયટી અને 22 વર્ષ જૂની ચારૂસેટ સંસ્થાએ ઘણા સીમાચિન્હો હાંસલ કર્યા છે

ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે 82 વર્ષ જૂની મહાગુજરાત મેડિકલ સોસાયટી અને 22 વર્ષ જૂની ચારુસેટ સંસ્થાએ ઘણા સીમાચિન્હો હાંસલ કર્યા છે અને ઇમેજ પ્રસ્થાપિત કરી છે ત્યારે બંને સંસ્થાઓ આ MOU થકી આ ઇમેજ આગળ ધપાવશે તે માટે સફળતા ઈચ્છું છું.
આ પછી દાન ભાસ્કર એવોર્ડ એનાયત કાર્યક્રમ શરૂ થયો હતો. CHRFના સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલે દાન ભાસ્કર એવોર્ડ અને તેની શરૂઆત વિષે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે સહિયારી શિક્ષણ અને સ્વાસ્થય યાત્રામાં માતૃસંસ્થા અને કેળવણી મંડળને ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ સુધીની યાત્રામાં 2000 થી વધુ દાતાઓનું યોગદાન છે જેમાં 42 દાતાઓના રૂ. 1 કરોડ અને તેથી વધુના માતબર દાનનો સુભગ સમન્વય સાધાયો છે. દાન ભાસ્કર એવોર્ડ અને દાતાના સન્માનપુષ્પનું વાંચન ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશીએ કર્યું હતું. નગીનભાઈ પટેલના હસ્તે દાતા દિનશા પટેલને અને કુંદનબેન પટેલને શાલ ઓઢાડીને સન્માનપુષ્પ થી સન્માન કરાયું હતું. સુરેન્દ્ર પટેલના હસ્તે દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો.
દિનશા પટેલે પ્રતિભાવ વ્યક્ત કરતા આ એવોર્ડ બદલ આભાર – ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમારો પરિવાર ભૂતકાળમાં સખત પરીશ્રમ કરી આપબળે આગળ આવ્યો છે. તેમણે આ એવોર્ડ પત્ની કુંદનબેન, પરિવાર, સમાજને સમર્પિત કર્યો હતો.

દિનશા પટેલે જણાવ્યુ કે પરોપકારની ભાવના સારા માણસોમાં હોય છે. આથી માગો તો મળશે, શોધો તો જડશે અને ખટખટાવો તો દ્વાર ખુલશે. આપણે દ્વાર ખોલવા પરિશ્રમ કરવો પડશે. સાચા દિલથી પ્રયાસ કરવો પડશે પ્રેમ-વિશ્વાસ-સત્યનો પરિશ્રમ સફળતા અપાવશે.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું પરિબળ શિક્ષણ છે. માનવમાંથી મહામાનવ બનાવવાનો શિક્ષણનો હેતુ છે. કેળવણી થકી ચરિત્રયનું નિર્માણ ઘડતર યુનિવર્સિટી કરે છે ત્યારે તેમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે હેતુથી ચારુસેટને દાન આપ્યું છે. મારે આર્થિક તંગીના કારણે શિક્ષણ છોડવું પડ્યું હતું અને હવે બીજા કોઈને આર્થિક સંકડામણના કારણે શિક્ષણ છોડવું ના પાડે તેની ચિંતા દાતાઓ કરશે તો મને અતિ આનંદ થશે અને તે કેળવણીયજ્ઞમાં હું સાથ સહકાર આપીશ. દાન નાનું મોટુ હોય, પણ તેનું મહત્વ હોય છે. તેમણે રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ, સંત કબીર, કવિ નર્મદ ના ઉદાહરણો થકી વિદ્યાર્થીઓને જીવન મૂલ્યોના પાઠ શીખવ્યા હતા.
દિનશા પટેલે કહ્યું કે ઘરમાં ભક્તિ ભળે તો ઘર મંદિર બને, ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને, નીંદરમાં ભક્તિ ભળે તો નિન્દ્રા ધ્યાન બને, કર્મ ભક્તિ ભળે તો કર્મ પુજા બને, ગાયનમાં ભક્તિ ભળે તો ભજન બને, માનવમાં ભક્તિ ભળે તો માનવ મહામાનવ બને છે. ભક્તિના ભાવ સાથે આવતા વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ. આ બંને સંસ્થાઓ MOU થકી ભવિષ્યમાં સુમેળભર્યા વાતાવરણમાં લોક કલ્યાણના કાર્યો કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ચારૂસેટમાં ગોલ્ડ મેડલ માટે દિનશા પટેલે નગીનભાઈ પટેલને રૂ.અઢી લાખનો ચેક અર્પણ કર્યો હતો.

ડૉ. એમ.સી.પટેલે દાતા દિનશા પટેલના પ્રદાન અને ચારુસેટ સાથે સંકળાયેલા છે તે વિષે માહિતી આપતા જણાવ્યુ હતું કે તેમના માતબર દાન થકી CSPIT, CHARUSATમાં કુંદનબેન દિનશા પટેલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગની સ્થાપના કરવામાં આવી છે જ્યારે ચારુસેટ હોસ્પિટલ માટે શ્રી દિનશા પટેલ જનરલ વોર્ડ નામાભિધાન કરવામાં આવ્યું છે. તેમણે દિનશા પટેલનો દાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બંને સંસ્થાઓ સાથે મળીને ચરોતર-ગુજરાત લેવલે આગેવાની લઈ પ્રગતિ કરે અને શિક્ષણનું સોપાન સાર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

શ્રી નગીનભાઈ પટેલે જણાવ્યું કે ત્રિવેણી સંગમ સમાન આ એવોર્ડ સમારંભમાં વાસદથી વાત્રક પ્રદેશ સુધીની સંસ્થાઓના સમન્વય છે જલારામ બાપા અને રજનીશના દ્રષ્ટાંતો ટાંકતા તેમણે જણાવ્યુ કે આપણે આપણાં માટે નહીં સમાજ માટે માગવું જોઈએ. આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. જીતવાની આશા ના રાખનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી. નિષ્ફળતા ધ્યાનમાં રાખ્યા વગર સતત કાર્યરત રહેવાથી સફળતા પ્રાપ્ત થાય છે.

શ્રી સુરેન્દ્ર પટેલે જણાવ્યું કે આ બંને સંસ્થાઓ એમઓયુ થકી સાથે મળીને કામ કરશે અને સેવા-સંશોધનમાં ખૂબ આગળ વધે જે સમાજને ઉપયોગી નીવડશે તેવી શુભકામના પાઠવી હતી. દિનશા પટેલે આપણને ખૂબ મોટો મોરલ સપોર્ટ આપ્યો છે. જ્યારે તેમને મળીએ ત્યારે આત્મીય જન મળ્યા હોય તેવી હુંફ મળે છે. પ્રજાનું કામ કરવું એ તેમનો સ્વભાવ છે એવા દિનશાનું સન્માન કરવાનો મોકો મળ્યો તે આપણા માટે ગૌરવની બાબત છે.ડૉ. દેવાંગ જોશીએ આભાર વિધિ કરી હતી. I2IMના આસિસ્ટન્ટ પ્રોફેસર લિપિ આચાર્ય અને વિજય મકવાણાએ સમારંભનું સંચાલન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here