ગાંધીધામ આદિપુરમાં ગણપતિ મહોત્સવ તારીખ 10/ 9 /2021 થી શરૂ થઈ ગયો છે. ૩૦થી વધુ સ્થળો પર મંજૂરી માંગી ને ગણેશજીના મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, કોરોના ને પગલે આ મહોત્સવમાં ભક્તોને કેટલાક ફેરફારો કરવાની નોબત પણ આવી ચૂકી છે, પરંતુ ભક્તિભાવનામાં કોઈક ઓટ આવી નથી. આદિપુરના સાત વાળી વિસ્તારમાં ગાંધીધામ વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર અને ગાંધીધામ નગરપાલિકા ટેક્સેશન કમિટીના ચેરમેન મનોજભાઈ મુલચંદાણીના સહયોગથી સરકાર શ્રી ની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખતા ગણેશજીની સ્થાપના પાંચ દિવસ માટે કરવામાં આવી હતી, આ આયોજન સાત વાળી ના બગીચામાં રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા અભય મુલચંદાણી અને તેમની ટીમ કાર્યરત રહી હતી.
આ પાંચ દિવસના કાર્યક્રમ અંતર્ગત ચોથા દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરતી બાદ નાના બાળકો માટે વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાગ લેનાર પ્રત્યેક બાળકોને મુલચંદાણી ફેમિલી દ્વારા મનોજભાઈ મુલચંદાણીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
તારીખ 14/ 9 /2021 ના રોજ ગણપતિ વિસર્જનનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં બપોરના ટાઈમે નાના બાળકો અને કન્યાઓ માટે બટુક ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ત્યારબાદ વિસર્જન માટે સરકાર શ્રી ની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને ફક્ત ૧૫ લોકો જ ગયા હતા. સાત વાળી વિસ્તાર ના લોકો ગણપતિદાદાની ભક્તિભાવથી આરાધનામાં લીન બન્યા હતા, કોરોનાકાળ બાદ લોકોમાં પ્રથમવાર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને બધાએ સાથે મળીને ગણપતિ પાસેથી કોરોના હંમેશા માટે નાબૂદ થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.