Home Gujarat ગિરનાર રોપ-વેની ટિકીટના દર નક્કી કરાયા છે, જેમાં રોપ વે બનાવના ઉષા...

ગિરનાર રોપ-વેની ટિકીટના દર નક્કી કરાયા છે, જેમાં રોપ વે બનાવના ઉષા બ્રેકોએ ભાવ ઘટાડ્યો છે, પરંતુ GSTનો ઉમેરો કર્યો છે.

97
0

જૂનાગઢ રોપ-વે ની ટીકીટના ઊંચા દરને લઈને જૂનાગઢ શહેરમાંથી ઉઠેલા વિરોધ વંટોળથી આજે ઉષા બ્રેકો કંપનીએ નવી જાહેરાત કરી હતી, પરંતુ તે પણ જાણે લોલીપોપ સમાન હોય તેવું લાગી રહ્યું છે. ગિરનાર રોપ-વેની ટિકીટના દર નક્કી કરાયા છે. જેમાં રોપ વે બનાવના ઉષા બ્રેકોએ ભાવ ઘટાડ્યો છે, પરંતુ GSTનો ઉમેરો કર્યો છે. જેથી GST સાથે રૂ.700નો ભાવ નક્કી કરાયો છે. બાળકોની ટિકીટનો દર GST સાથે રૂ.300નો થાય છે.
એક પુખ્ત વ્યક્તિને રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 700ની સાથે 18% અલગથી જીએસટી લેવાતું હતું. હવે નવા ભાવ 700 રૂપિયા જીએસટી સાથે લેવાશે. બાળકોની ટિકિટમાં પણ જીએસટી ઉમેર્યું છે. બાળકોની ટિકીટનો જુના ભાવ 300 + જીએસટી લેવાતા હતા. હવે નવા ભાવ માત્ર 300 રૂપિયા જીએસટી સાથે લેવાશે. ટિકિટના દરને લઈને વિરોધ ઉઠતા આ નિર્ણય લેવાયો છે. તમને જણાવીએ કે સાપુતારા, અંબાજી, પાવાગઢ કરતા ગિરનાર રોપ વે ની સફર સૌથી મોંઘી છે.
કંપનીએ જાહેર કર્યા મુજબ હવેથી પુખ્તવયના મુલાકાતીઓએ તેમના આવવા-જવાના ભાડા પેટે 18 ટકા જીએસટી સાથે 700 રૂપિયા અને બાળકોના 350 ચૂકવવાના રહેશે, જયારે એક તરફ્ની મુસાફ્રી માટે જીએસટી સાથે 400 રૂપિયા નક્કી કર્યા છે, પરંતુ આ ભાવ અને લોકાર્પણથી આજે ત્રણ દિવસ સુધી લેવાયેલા ભાવમાં માત્ર 8 રૂપિયાનો જ ફયદો જોવા મળ્યો છે. પહેલા પુખ્ય વયના લોકોની 708 અને બાળકોના 354 ટીકીટ લેવામાં આવતી હતી, હવે તેમાં માત્ર 8 રૂપિયા અને 4 રૂપિયાનો ઘટાડો જાહેર કરીને લોકોને ભરમાવાની વાત કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
રોપ વે ના ભાવને લઈને લોકોને છેક સુધી અંધારામાં રખાયા હતા. લોકાર્પણ સુધી સરકાર અને એજન્સીએ આપી એકબીજાને ખો. રોપ વે ખુલતાની સાથે જ સીધા 708 રૂપિયા લેવાનું કર્યું જૂનાગઢ ગિરનાર રોપ વે જૂનાગઢવાસીઓનું સ્વપન હતું, જે સાકાર થતા સૌ કોઈની પહેલી ઈચ્છા રોપ વે ની સફ્ર કરવાની હતી, તેમાય ખાસ કરીને તેમાં બેસવાના ભાવ કેટલા હશે તે અંગે લોકાર્પણ થઈ ગયા સુધી સરકાર અને એજન્સીએ મીડિયા અને લોકોને અંધારામાં રાખ્યા હતા.
છેલ્લા દિવસ સુધી ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ વે ના ભાવને લઈને સરકાર પર ખો નાખીને મોઢું સેવી લીધું હતું, અને જયારે લોકાર્પણ થયું તે દિવસે મુખ્યમંત્રીએ ભાવ એજન્સી નક્કી કરે તેવું જાહેર કરતા છેલ્લે સુધી લોકોને ભાવ કેટલા છે એ જાણવા જ ન મળ્યું. અંતે રવિવારે જયારે લોકો માટે રોપ વે ખુલ્લો મુકવામાં આવ્યો તે દિવસે ટીકીટ બારીએ લોકોને માલુમ પડયું કે એક વ્યક્તિના 708 અને 21 દિવસ પછી 826 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. છેક સુધી સરકાર અને એજન્સી એકબીજા પર ખો આપતી જોવા મળી હતી.
ટીકીટના દર 400 રૂપિયા રાખવા જોઈએ : મેયર
જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલએ આજે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, રોપ વે ની ટીકીટના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય તો છે પરંતુ ભાવ સાંભળીને પરત ફરે છે, ગુજરાતના અન્ય રોપ-વે ની સરખામણીમાં અથવા તેની લંબાઈના પ્રમાણમાં એવરેજ ટીકીટના દર ઘણો ઉંચો છે. સામાન્ય ગરીબ વર્ગને પરવડે તેમ નથી. તો ટીકીટના દર ઘટાડવા લોકોની લાગણીઅને માંગણી છે, આ અંગે કંપની સાથે પરામર્શ કરી ટીકીટના દર વ્યક્તિ દીઠ 400 રૂપિયા આસપાસ રહે તેવી માંગણી કરી છે.
સાપુતારામાં રૂ.62, અંબાજીમાં રૂ.118, પાવાગઢમાં રૂ.141 અને ગિરનારમાં રૂ.826 ભાવ
કુદરતે ગુજરાતમાં અનેક સ્થળે મફ્તમાં નદી-નાળા, ઝરણા, પર્વત, જંગલ જેવી સ્વર્ગ જેવી પ્રકૃતિ આપી છે, પરંતુ હાલ તેને નિહાળવા માટે એક ધંધો શરુ થયો છે, સફર માટે ગુજરાતમાં બનેલો ચોથો ગિરનાર રોપ વે રાજ્યમાં સૌથી મોંઘો રોપ વે સાબિત થઈ રહ્યો છે. હજુ કોઈ સુવિધા નથી ત્યાં જ લોકો પાસેથી મસમોટા ટીકીટના દર રાખવામાં આવતા લોકોમાંથી વિરોધ વંટોળ શરુ થયો છે. લોકોનો એક અવાજ છે, ભાવ ઘટાડો.
ગુજરાતમાં બનેલા રોપ વે ની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સાપુતારામાં બનેલા રોપ વે ની સફર માટે વયસ્ક પ્રવાસીના ભાવ ૬૨ રૂપિયા છે, તો 1986 માં પંચમહાલ જિલ્લામાં પાવાગઢમાં ડુંગર પર માં મહાકાળીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ 141 છે, તો 1898 માં અંબાજીમાં માં અંબાજીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ 118 છે, જયારે ગિરનાર પર માં અંબાના દર્શન માટે રોપ વે નો ભાવ હાલ 708 અને 21 દિવસ પછી 826 થનાર છે. પાવાગઢ રોપ વે ની લંબાઈ 763 મીટર, અંબાજી રોપ વે 363 મીટર અને ગિરનાર રોપ વે 2320 મીટર લાંબો છે, જેમાં લંબાઈ વધારે તેમ તેના ભાવ પણ 7 ગણા વસુલવામાં આવી રહ્યા છે. આને લઈને રાજ્ય સરકારે ભાવ નક્કી કરવા માટે દરમિયાનગીરી કરે તેવી લોકોની માંગ ઉઠી છે.
પૈસા બતાવો એટલે ગિરનાર પર મંજુરી: દાતાર પર જવા પ્રતિબંધ
જૂનાગઢ ગિરનાર રોપ વે નું લોકાર્પણ થયું ત્યારથી લોકોને ટીકીટ લઈને તુરંત ઉપર લઈ જવામાં આવે છે, જયારે હાલ દાતાર પર જવા માટે તંત્રએ પાબંધી લગાવી છે. લોકોના મત મુજબ હાલ કોરોનાકાળને લઈને ઉર્ષનો મેળો રદ્દ કરીને દાતાર પર જવા માટે પરમીટ ફરજિયાત કરી છે, તો તેનાથી થોડે દુર જ આવેલ ગિરનાર પર જવા માટે કોઈ પાબંધી નથી, જેટલા લોકોને રોપ વે માં જવું હોય તે પૈસા આપીને જઈ શકે છે, તેમાં કોરોના ક્યાય નડતો નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here