Home Gujarat ગુજરાત બોર્ડરથી 20 KM દૂર પાક.માં ચીનની મોટી ચાલ, ‘કામદારોના વેશમાં ચીનના...

ગુજરાત બોર્ડરથી 20 KM દૂર પાક.માં ચીનની મોટી ચાલ, ‘કામદારોના વેશમાં ચીનના સૈનિકોએ એરસ્ટ્રીપ બનાવી’

87
0

ચીન હવે પાકિસ્તાન દ્વારા ભારતને ઘેરી રહ્યું છે. ભારત સાથેની પાકિસ્તાનની સરહદ પર ચીની સૈનિકોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. ચીન હવે ભારતની કાશ્મીરથી ગુજરાતની સરહદ પર ચીન એરપોર્ટ બનાવીને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. ચીની સૈનિકો માટે ભારતીય સરહદ નજીક બે એરપોર્ટ બનાવી દેવામાં આવ્યા છે, જ્યારે વધુ બે એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. ભારતની સરહદ નજીક પાકિસ્તાનને બંકર બનાવવામાં પણ ચીન મદદ કરી રહ્યું છે. હકીકતમાં ચીને પાકિસ્તાન તરફથી ભારતની સરહદ પર હજારો કરોડોનું રોકાણ કરી નાંખ્યું છે, જેના માટે ચીને પોતાની આર્મી પણ સુરક્ષા માટે ગોઠવી છે.
ગુજરાત સરહદ નજીક પાકિસ્તાની એરબેઝ પર ચીન એરફોર્સ સક્રિય થયું હોવાની ગુપ્તચર તંત્રને માહિતી મળી છે. આ વિસ્તાર ભુજ સરહદથી માત્ર 20 કિ.મી. દૂર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીને અરબી સમુદ્રમાં પાકિસ્તાની નેવી સાથે અહીં સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો. હવે તે અહીં જમીની તૈયારી પણ કરી રહ્યું છે.
રાજસ્થાનની જૈસલમેરના ઘોટારૂ સરહદની બરાબર સામે 25 કિલોમીટરના અંતરે કદનવાલીના ખેરપુરમાં એરબેસ તૈયાર કરી નાંખવામાં આવ્યું છે. અહીં થોડા મહિનામાં ચીની સૈનિકોની હાજરી વધી ગઈ છે. મહત્વની વાત એવી છે કે પાકિસ્તાને આ એરબેઝ પર મિગ-21 સમક્ષ ચીન તરફથી મળેલા ચેંગૂડ જે -7 ફાઇટર એરક્રાફ્ટ, જેએફ -17 ફાઇટર એરક્રાફ્ટ, વાય -8 રડાર જેવા અદ્યતન એરક્રાફ્ટ ઉતરતા રહે છે.
ગુજરાત સાથેની સમુદ્રી સરહદ પર આર્થિક ગતિવિધિ વધુ હોવાથી પણ અહીં ચીનની નજર છે. છેલ્લાં વીસ વર્ષથી જવાહર શાહ, શામગઢ, બિલાલી ઘાટ અને હારુ સિવાય ગુજરાતના ક્રિક સાથેની સરહદે સુઈ ગેસ ફિલ્ડમાં ચીની કંપનીઓ સક્રિય છે. પશ્ચિમી સરહદે તેલ અને ગેસની શોધખોળ સાથે ગ્વાદર બંદર તરફ જતા ઈકોનોમિક કોરિડોરને કનેક્ટ કરવા માટે પણ ચીને એરબેઝ તૈયાર કર્યા છે. તેમાં ખેરપુર જિલ્લાના કાદનવાલી એરબેઝ પણ સામેલ છે, જે ગુજરાતની ભુજ સરહદ સામે છે. આ સાથે પાકિસ્તાનના ખોખરાપાર, હૈદરાબાદ અને મીઠી ક્ષેત્ર સહિત ચાર સ્થળે પણ ચીને ખાનગી એરબેઝ તૈયાર કર્યા છે. આ તમામ એરબેઝ ચીની કંપનીઓના અધિકારીઓ અને એન્જિનિયરો માટે તૈયાર કરાયા છે.
આ તમામ એરબેઝ ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ઓપરેશનલ છે. આ તમામ બેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી 25થી 30 કિ.મી. દૂર આસપાસ તૈયાર કરાયા છે. આ ઉપરાંત કરાચી, જકોકાબાદ, ક્વેટા, રાવલપિંડી, સરગોડા, પેશાવર, મેનનવાલી અને રિશાલપુરના એરફોર્સ બેઝનું પણ ચીને આધુનિકીકરણ કર્યું છે.
ચીન માત્ર એક વ્યૂહાત્મક રીતે આ બધું કામ કરી રહ્યું નથી, પરંતુ પાકિસ્તાનને બિકાનેરથી ગુજરાતની સરહદ પર નક્કર બંકર બનાવવામાં પણ મદદ કરી રહ્યું છે. તેની વિશિષ્ટ તસવીરો હાલ સામે આવી છે. રેતીના ઢગલામાં પાકું બંકર બનાવવાનું કામ પણ ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આશ્ચર્યચકિત કરનાર છે. તેવી જ રીતે બાડમેરમાં મુનાબાવની સામે આવેલા થારપારકરમાં પણ ચીની સૈનિકો એરપોર્ટ બનાવી રહ્યા છે. તેનું અંતર પણ ભારતીય સરહદથી આશરે 25 કિમી દૂર છે. છે. આ એરપોર્ટ હાલમાં બનાવવામાં આવી રહ્યું છે.
ચીની સૈનિકો માત્ર રાજસ્થાન સરહદ પર જ નહીં પણ ગુજરાત સાથે જોડાયેલી સરહદ ઉપર પણ એરપોર્ટ તૈયાર કરી રહ્યા છે. ગુજરાત સરહદની સામે 20 કિ.મી. દૂર મીઠીમાં એક એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. એ જ રીતે ચીન-પાકિસ્તાન કોરિડોરના નામે રેલ્વે ટ્રેક નાખવાની પણ યોજના છે. જેનં કામ ચાલી રહ્યું છે. જો કે, પાકિસ્તાનનું કહેવું છે કે ચીનની સહાયથી બનેલા આ એરપોર્ટનો ઉપયોગ ચાઇનીઝ તેલ અને ગેસ કાઢવાની કંપનીઓ કરશે કારણ કે તેમને કરાચી એરપોર્ટથી આ સ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ તે પાકિસ્તાન અને ચીનની ચાલ પણ હોઈ શકે છે, જેની પર ભારતે કડક દેખરેખ રાખવી પડશે.
ખાનગી એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે, જેસલમેરની સામે પાકિસ્તાનના પીરકમાલ અને ચોલીસ્તાનમાં મોટી સંખ્યામાં ચીની સૈનિકો જોવા મળી રહ્યા છે. જે ભારત માટે મોટો પડકાર બની શકે છે. વર્ષોથી વીરાન પડેલા રણમાં ચીનની રૂચિ અને વ્યૂહાત્મક પાયા બનાવવાનો આ પ્રયાસ ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આશ્ચર્યજનક છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કરાંચી, જાકોકાબાદ, ક્વેટા, રાવલપિંડી, સરગોડા, પેશાવર, મેનનવાલી અને રિશાલપુર જેવા એરબેઝને ચીની સૈનિકો અત્યાધુનિક બનાવી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here