ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડવા માટે નવો કિમિયો અપવાવ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. જો કે પહેલેથી જ ગુજરાત સરકારે કોરોના ટેસ્ટ કરવામાં લાપરવાહી દાખવી હતી, જેનું પરીણામ હવે આખા રાજ્યને ભોગવવું પડી રહ્યું છે. કોરોના કેરના 98માં દિવસે ગુજરાતમાં 29 જિલ્લાઓમાંથી 572 પોઝિટિવ રિપોર્ટ મળતા કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા 29 હજારને પાર થઈ ચૂકી છે. મંગળવાર સાંજે પાંચ વાગ્ય પછીના 24 કલાકમાં અમદાવાદમાં વધુ 15, સુરતમાં એક સાથે વધુ પાંચ દર્દીઓ સહિત કૂલ છ જિલ્લામાં વધુ 25ના મોત થતા આ મહામારીને કારણે અત્યાર સુધીમાં કૂલ મૃત્યુઆંક વધીને 1736એ પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં 19 માર્ચથી લઈ 7મી જૂન સુધીના કુલ 81 દિવસમાં માત્ર અઢી લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે જેની સામે તામિલનાડુમાં માત્ર એક મહિનામાં જ 4 લાખ જેટલા ટેસ્ટ કરાયા છે. થોડા સમય પહેલા ગુજરાત કોરોના પોઝિટિવના કેસમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે હતું. પરંતુ આજે બીજા ક્રમે તામિલનાડુ અને ત્રીજા ક્રમે દિલ્હી આવતા ગુજરાત ચોથા ક્રમે આવ્યું છે. તેના પાછળનું મૂળ કારણ એ છે કે, આ બંને રાજ્યોમાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. ગુજરાતમાં 1 મહિનામાં 13,472 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે તામિલનાડુમાં 26સ938 અને દિલ્હીમાં 23,838 કેસ સામે આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે આવતું હતું પરંતુ હાલની સ્થિતિએ તામિલનાડુ અને દિલ્હી આગળ નીકળી ગયા છે. જોકે આ રાજ્યોમાં ટેસ્ટની સંખ્યા પણ ગુજરાત કરતાં ઘણી વધુ છે. ગત 7મી મેના રોજ ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓને ઓળખવા માટે કુલ 1,00,553 ટેસ્ટ કર્યા હતા જેમાંથી 6,625 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જે દેશમાં બીજા ક્રમે હતા. બાદમાં 1 મહિનામાં વધુ 1,51,133 ટેસ્ટ કરાતા નવા 13,472 કેસ સામે આવતા 7મી જૂન સુધીમાં રાજ્યમાં ટેસ્ટનો આંક 2,51,686 અને કેસનો આંક 20,097એ પહોંચ્યો હતો.
મહારાષ્ટ્રમાં 7મી મે સુધીમાં 1, 89,220 ટેસ્ટ કર્યા હતા જેની સામે 16,758 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે એક મહિનામાં વધુ 2,44,843 ટેસ્ટ કરાતા નવા 69,217 કેસ સામે આવ્યાં છે. તામિલનાડુમાં 7મી મે સુધીમાં 2,02,436 ટેસ્ટ કર્યા હતા જેમાંથી 4,829 જ પોઝિટિવ કેસ હતા, બાદમાં વધુ 3,90,534 ટેસ્ટ કરાતા નવા 26,838 કેસ સામે આવ્યા છે. આ સિવાય દિલ્હીમાં 7મી મે સુધીમાં 77,234 ટેસ્ટ કર્યા હતા જેમાંથી 5,104 પોઝિટિવ કેસ હતા. બાદમાં આ રાજ્યમાં પણ વધુ 1,74,681 ટેસ્ટ કરાતાં નવા 23,832 કેસ સામે આવ્યા છે.
