GUJARAT

જાણો રાજ્યમાં વરસાદની તમામ અપડેટઃ 68 તાલુકામાં મેઘમહેર, કચ્છમાં મૂશળધાર, 267 રસ્તાઓ બંધ

રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેવામાં આજે સવારથી રાજ્યના 68 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. તો કચ્છમાં મેઘો મૂશળધાર બન્યો છે. જ્યારે ભારે વરસાદને લઈ રાજ્યના 267 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. તો અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.

કચ્છમાં મેઘાની ધમાકેદાર બેટિંગ

રાજ્યમાં વરસાદી સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 68 તાલુકાઓમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના મુન્દ્રામાં નોંધાયો છે. મુન્દ્રામાં મેઘાની ધમાકેદાર બેટિંગને કારણે 4 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવીમાં પણ ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓનાં પાણી વહેતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે માંડવીનું ટોપણસર તળાવ ઓવરફ્લો થયું હતું. કચ્છના અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે.

આણંદ નેશનલ હાઈ-વે બંધ

જ્યારે ભારે વરસાદને કારણે રાજ્યના 267 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. વરસાદને લીધે આણંદ નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો છે. જ્યારે 10 સ્ટેટ હાઈવે, 13 અન્ય માર્ગ બંધ પણ બંધ કરાયા છે. તો પંચાયત હસ્તકના 243 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સૌથી વધુ સુરતના 76 રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે.

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો

તો વરસાદને કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 33 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમમાં 40780 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને કારણે હાલ ડેમમાં પાણીની સપાટી 120.70 મીટરે પહોંચી છે. ડેમનું લાઈવ સ્ટોરેજ 1344 મિલિયન ક્યુબીક મીટર છે.

ગાંધીનગર-અમદાવાદમાં રસ્તાઓ બિસ્માર

વરસાદને કારણે દર વર્ષેની જેમ આ વર્ષે શહેરોનાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. રાજ્યનું પાટનગર ગાંધીનગરના સેક્ટર 11નાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. અને રસ્તામાં ખાડા પડી જતાં વાહનચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે અમદાવાદમાં પણ અનેક જગ્યાઓએ રસ્તાઓમાં ખાડા પડી જવાના સમાચાર સામે આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવતાં કોર્પોરેશન સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજ્યના વિવિધ ડેમો ઓવરફ્લો

ભાવનગરમાં વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. અને પાણીની આવક વધવાને કારણે ડેમ 80 ટકા કરતાં પણ વધારે ભરાઈ જતાં તંત્ર દ્વારા નીંચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરનાં પાલિતાણા અને તળાજાના ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે રાજકોટમાં રાજકોટમાં મોજ ડેમના 7 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડતા મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મોજ નદીના કાંઠાના 12થી 15 ગામમાં એલર્ટ જાહેર કરાયું છે. તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે. તો જૂનાગઢનો વિસાવદરનો ધ્રાફડ ડેમ ઓવરફ્લો થયો છે..

Leave a Reply

Your email address will not be published.