અજાણ્યા રાજ્યમાં હળવદ પીએસઆઇ ટાપરિયા અને તેમની ટીમે કાબીલેદાદ કામગીરી કરી સગીરાને પણ મુક્ત કરાવી પરિવારને સોંપી
હળવદ : હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી સાડા ત્રણ મહિના પૂર્વે ઓરિસ્સાનો શખ્સ સગીરાનું અપહરણ કરી નાસી છૂટ્યા બાદ પોકસો સહિતની કલમો અન્વયે ગુન્હો નોંધાયો હતો જે બાદ હળવદ પીએસઆઇ આર.બી.ટાપરિયા સહિતની ટીમે બાતમીને આધારે ઓરિસ્સા પહોંચી સતત છ દિવસ સુધી આરોપીનો પીછો કરી રાત્રીના અંધકારમાં આરોપીને સ્થાનિક પોલીસની મદદથી દબોચી લઈ સગીરાને પણ હસ્તગત કરી હળવદ લાવી તેણીના માતાપિતાને સોંપી આપી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને તારીખ 8-10-2021ના રોજ મોરબી કારખાનામાં સાથે કામ કરતો ઓરિસ્સાનો જીતેન્દ્રભાઈ પ્રફુલાકુમાર શાહુ નામનો શખ્સ ભગાડી લઈ ગયો હોવાની હળવદ પોલીસ મથકે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. આરોપીને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.બી. ટાપરિયાએ તપાસ હાથ ધરતા આરોપી પોતાના વતન ઓરિસ્સામાં હોવાની બાતમી મળતા પી.એસ.આઈ. આર.બી. ટાપરિયા, સુખદેવભાઈ અને મહિલા પોલીસ અંજુમનબેન સહિતની ટીમ ઓરિસ્સા પહોંચી હતી.
ઓરિસ્સા રાજ્યમાં હળવદ પોલીસની ટીમ દ્વારા સતત છ દિવસ સુધી તપાસ કર્યા બાદ સગીરા અને આરોપી રાજ્યના કેન્દ્રપુરા જિલ્લાના કલાબુદા ખાતે આરોપી રહેતો હોય પરંતુ પોલીસથી બચવા આરોપી અન્ય જગ્યાએ જતો રહ્યો હોવાની માહિતી સામે આવી હતી. જેથી પોલીસ દ્વારા ટેકનિકલ મદદથી તપાસ કરતા આરોપી ઓરિસા રાજ્યના કટક જિલ્લામાં હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા અજાણ્યા વિસ્તારમાં ખૂબ જ સાવધાની પૂર્વક મોડી સાંજના સમયે આરોપીને સગીરા સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા જ્યાં સગીરાને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી જ્યારે આરોપીને મોરબી જેલ હવાલે મોકલી દેવાયો હતો.
નોંધનીય છે કે, સગીરા અને આરોપીને હસ્તગત કરવા અજાણ્યા પ્રદેશમાં જોખમ રહેલું હોય હળવદ પીએસઆઇ રાજેન્દ્ર ટાપરિયા અને તેમની ટીમે ખૂબ જ સાવધાની પૂર્વક આરોપીનો પીછો ચાલુ રાખી સ્થાનિક પોલીસની મદદ મેળવી રાત્રીના અંધકારમાં આરોપીને દબોચી લીધો હતો.
મયુર રાવલ હળવદ