ઉત્તરપ્રદેશ પોલીસના આઠ જવાનોની બર્બર હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેને ફિલ્મી અંદાજમાં ઠાર કરી દેવાયો. યુપીએ એસટીએફની ગાડી વિકાસને લઇ કાનપુર આવી રહી હતી ત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. સ્પીડ તેજ હતી. પોલીસના મતે બર્રાની નજીક અચાનક રસ્તામાં ગાડી પલટી ગઇ. આ અકસ્માતમાં વિકાસ દુબે અને એક સિપાહીને પણ ઇજા પહોંચી. ત્યારબાદ વિકાસની નજર પોલીસની ચુંગાલમાંથી બચીને ભાગવા પર હતી. આ મોકો જોઇ પોલીસવાળાના હથિયાર છીનવી ભાગવાની કોશિષ કરી. ત્યારબાદ અથડામણ શરૂ થઇ ગઇ. એસટીએફ એ વિકાસને હથિયાર રાખી સરેન્ડર કરવાનું કહ્યું. તેમ છતાંય તે માન્યો નહીં તો પોલીસને મજબૂર થઇ એન્કાઉન્ટર કરવું પડ્યું.
ડૉકટર્સે વિકાસના મોતની પુષ્ટિ કરી
પોલીસનું કહેવું છે કે વિકાસ પિસ્ટોલ છીનવી લીધા બાદ અથડામણ શરૂ થઇ ગઇ. ક્રોસ ફાયરિંગમાં વિકાસ દુબે ઠાર કરી દેવાયો. અથડામણ બાદ વિકાસ દુબેના મૃતદેહને કાનપુરની હેલટ હોસ્પિટલમાં લવાયો જ્યાં ડૉકટર્સે તેને મૃત જાહેર કરી દીધો.