। દુબઇ ।
શશાંક મનોહરે બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું હતું. આ હોદ્દાએ તેમણે બે વર્ષ સુધી કારભાર સંભાળ્યો હતો. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના (ઇસીબી) પ્રમુખ કોલિન ગ્રેવ્સ તેમનું સ્થાન લે તેવી પૂરી સંભાવના છે. નોંધનીય છે કે બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ મનોહર ત્રીજી વખત બે વર્ષનો કાર્યકાળ વધારવા માગતા નહોતા.
હોંગકોંગના ઇમરાન ખ્વાજાનું નામ પણ ચેરમેનપદની રેસમાં હતું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમને પૂર્ણ સમયના સભ્ય બોર્ડનું સમર્થન નથી. સૂત્રોના અનુસાર ગ્રેવ્સને તમામ પ્રમુખ ટેસ્ટ રમતા દેશનું સમર્થન મળ્યું છે. ભૂતકાળમાં બીસીસીઆઇ અને વિદર્ભના શશાંક મનોહર વચ્ચે હંમેશાં મતભેદો થતા રહ્યા હતા. હકીકતમાં તેમનો અભિગમ બીસીસીઆઇની વિરુદ્ધમાં હતો તેવું ઘણાનું માનવું હતું. બીજી તરફ માનવામાં આવી રહ્યું છે કે ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે ગ્રેવ્સની દાવેદારીને સમર્થન આપ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે પણ તેમના સારા સંબંધ છે પરંતુ બીસીસીઆઇએ જાહેરમાં તેમની દાવેદારીને સમર્થન આપ્યું નથી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મનોહરની સરખામણીમાં ગ્રેવ્સ સાથે બીસીસીઆઇના સંબંધો સારા રહેશે. ભૂતકાળમાં મનોહર ઉપર એન. શ્રીનિવાસનના સમયમાં તેમણે ભારતીય ક્રિકેટના હિતોની અવગણના કરી હતી તેવા સમયાંતરે આક્ષેપો થતા રહ્યા હતા.