Home Gujarat અમદાવાદ સિવિલ માં કોરોના સિવાય અન્ય રોગથી 7,035ના મોત થયા હોવાનો ખુલાસો...

અમદાવાદ સિવિલ માં કોરોના સિવાય અન્ય રોગથી 7,035ના મોત થયા હોવાનો ખુલાસો થયો.

2
0

કોરોના મહામારી એ આખા વિશ્વ ને હચમચાવી નાંખ્યા બાદ હવે અન્ય રોગો પણ ઘાતક બની રહ્યા છે. અમદાવાદ સિવિલ માં અન્ય રોગથી 7,035ના મોત થયા હોવાનો ખુલાસો  થયો છે. દર્દીઓની સંખ્યા ઘટી છતાં મોતનું પ્રમાણ ઊંચું રહ્યું છે. કોરોનાના ડરમાં સિવિલમાં સર્જરી (Surgery in Civil) 45% ઘટી છે. ચાલુ વર્ષે સિવિલમાં 25 હજારથી વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં 5.82 લાખ દર્દીની નોન કોવિડ ઓપીડી સારવાર અપાઈ છે અને 48,000 દર્દીઓને કોવિડ (Covid_19)ની સારવાર અપાઈ છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કેલેન્ડર વર્ષ 2020માં કોરોના સિવાયની અન્ય બીમારીમાં 7,035 લોકોનાં મોત થયાં છે. સિવિલમાં વર્ષે રોજના 19થી 20 દર્દીનાં નોન-કોવિડમાં મોત થયાં છે. સિવિલમાં કોરોનાના કારણે ટપોટપ મોતને પગલે એટલો બધો ગભરાટ હતો કે, વર્ષ દરમિયાન અન્ય બીમારીના દર્દીઓ સારવાર માટે આવ્યા જ નહોતા, તેમ છતાં મોતનું પ્રમાણ ખૂબ ઊંચું રહ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2019ની સરખામણીએ ઓપીડીમાં 44.51 ટકા, ઈન્ડોર પેશન્ટમાં 38.43 ટકા, સર્જરીમાં 45.17 ટકા અને ડિલિવરીમાં 19.92 ટકાનો ઘટાડો નોંધાયો છે. પહેલી જાન્યુઆરી 2020થી 28મી ડિસેમ્બર 2020 સુધીમાં કોરોના સિવાયની સારવાર માટે આવનારા દર્દીઓમાં ધરખમ ઘટાડો નોંધાયો છે તેમ છતાં 7,035 લોકોનાં મોત થયાં છે. ગત વર્ષે દર્દીઓની સંખ્યા વધુ હતી તે અરસામાં અસારવા સિવિલમાં 9920 મોત થયાં હતા.
સિવિલ હોસ્પિટલના ટોચના સૂત્રોએ બુધવારે સાંજે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોના સિવાયની બીમારીમાં વર્ષ 2020માં 7035 લોકોનાં કરુણ મોત થયાં છે. સૂત્રોએ કહ્યું કે, આખા ગુજરાતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4300 જેટલા દર્દીઓનાં મોત થયાં છે, જોકે એકલી સિવિલ હોસ્પિટલમાં જ નોન-કોવિડમાં 7,035નાં મોત થયાં છે. આમાં નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ સહિતના દર્દીઓનો સમાવેશ થાય છે.
કોરોનાના ગભરાટમાં બીજી બધી સારવાર બંધ જેવી હતી, અન્ય સારવારમાં ધરખમ ઘટાડો છતાં ઊંચા મોતનું પ્રમાણ બતાવે છે કે, આરોગ્ય સેવા કથળી રહી છે. ગુજરાત સરકાર સારી આરોગ્ય સેવાઓની વાહ-વાહ કરતાં થાકતી નથી પરંતુ આરોગ્ય માળખું ખોખલું હોવાનો ચિતાર મળી રહ્યો છે.
કોરોનાના કપરાકાળમાં સિવિલમાં તબીબો સહિતના કોરોના વોરિયર્સે રાત-દિવસ મહેનત કરી છે, અલબત્ત, કોરોના સિવાયની સારવાર ઠપ જેવી રહી જેના કારણે મોતનું પ્રમાણ ઊંચું હોવાનું મનાય છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ એવો દાવો કર્યો કે, સિવિલ હોસ્પિટલમાં એકંદરે મોતનું પ્રમાણ નીચું રહ્યું છે.
સિવિલમાં નોન-કોવિડ સારવારનો ચિતાર
સારવાર વર્ષ ૨૦૧૯ વર્ષ ૨૦૨૦
ઓપીડી ૧૦,૧૩,૮૮૭ ૫,૬૨,૬૮૧
ઈન્ડોર પેશન્ટ ૧,૧૧,૪૫૫ ૬૮,૬૨૮
સર્જરી ૪૬,૦૦૦ ૨૫,૨૨૬
ડિલિવરી ૭,૩૨૬ ૫,૮૮૨
કુલ મોત ૯,૯૨૦ ૭,૦૩૫
કોરોનાના ડરમાં સિવિલમાં એક જ વર્ષમાં સર્જરી 45 ટકા ઘટી
કોરોનાના ડરના કારણે સિવિલમાં નોન-કોવિડ માટે સારવાર લેનારાની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો, તેમ છતાં મોતનું પ્રમાણ ઘટવું જોઈએ તેવું થયું નથી. સર્જરીમાં ૨૦૧૯ની સરખામણીએ 45 ટકા જેટલો ઘટાડો થયો છે. એ જ રીતે ગત વર્ષની સરખામણીએ ઓપીડીમાં 44.51 ટકા, ઈન્ડોર પેશન્ટમાં 38.43 ટકા, ડિલિવરીમાં 19.72 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
સિવિલમાં કુલ 8235 દર્દીનાં મોત । અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આશરે 1200 જેટલા દર્દીઓનાં મોત થયાં છે. નોન-કોવિડમાં 7035 મોત થયાં છે. આમ સિવિલ હોસ્પિટલમાં 8235 જેટલાં દર્દીઓનાં મોત થયા છે. મહત્ત્વનું છે કે, સરકાર સામે આક્ષેપો થતાં રહ્યા છે કે, કોરોનામાં મોત અને કેસના આંકડા છુપાવવામાં આવે છે.

Previous articleઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના રાજ્યોને તીવ્ર કોલ્ડવેવમાં જકડી લીધાં છે.
Next articleરાજ્ય સરકારો સ્થાનિક સ્થિતિની સમીક્ષા કરીને,૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી માટે નિયંત્રણો લાગુ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here