ગુજરાતમાં કોરોનાના કપરા-કાળમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ તાયફાઓ કરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણૂક કરવામાં આવી હતી, એ પછી સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી રાજકીય સમારંભો થયા.
નવરાત્રિમાં ગરબા યોજાયા નહોતા પણ અહીં જાહેરમાં ગરબા રમાયા હતા, જેને લઈ રાજકીય વર્તુળોમાં વિવાદ જામ્યો હતો. એ પછી ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓએ પણ સભાઓ યોજી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ સામે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હોવાના આક્ષેપો ભાજપે કર્યા હતા.
ગુજરાતમાં રાજકીય નેતાઓની બેજવાબદારી-બેદરકારીના સંખ્યાબંધ કિસ્સા બન્યા હતા, સામાન્ય લોકો માસ્ક ન પહેરે તો તેમની પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવે છે જોકે રાજકારણીને કોઈ કાયદો નડતો ન હોય તેવો માહોલ ચારેકોર દેખાતાં લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.
જામનગરમાં ભાજપના સાંસદ પૂનમ માડમ અને ગીતા રબારીએ પણ એપેડેમિક એક્ટનો ભંગ કર્યાની ઘટના સામે આવી હતી. ગઢડા બેઠક પર ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારે પણ ભીડ ભેગી કરી તાયફો કર્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા, એ જ રીતે ડીસામાં ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડયા અને કિંજલ દવેએ ઘોડે ચઢીને ટોળાં ભેગા કર્યા હતા.
સુરતના હર્ષ સંઘવીએ પણ કોરોનાની સરકારી ગાઈડલાઈનની ઐસીતૈસી કરી હોવાનું સામે આવ્યું હતું. છેલ્લે છેલ્લે અમદાવાદમાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી પણ વિવાદમાં આવ્યા હતા, ધારાસભ્ય થયાના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે તેમણે ભીડ ભેગી કરી તમાશો યોજ્યો હતો.
આ ઉપરાંત ભાજપનાં સાંસદ પૂનમ માડમે પણ એક એવા સામાજિક સમારોહમાં હાજરી આપી જ્યાં લોક ગાયિકા ગીતા રબારીએ પણ માસ્ક વગર ફરતા દેખાયા હતા. ભારે ઊહાપોહ થતાં આ સમારંભ જે ઉદ્યોગપતિના દિકરાના લગ્નનો હતો તેની સામે સરકારે પગલાં ભરવા પડયાં હતાં. આ આખા કોરોનાકાળ દરમિયાન હાઈકોર્ટની સતત ટકોર છતાં સત્તાધારી પક્ષના નેતાઓએ કોરોના સંક્રમણ બાબતે ધરાર બેદરકારી દાખવી છે.
Home Gujarat ગુજરાતમાં કોરોનાના કાળમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ તાયફાઓ કરી માસ્ક, સોશિયલ...