ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે રાજકોટમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૩૨ દર્દીઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં અત્યાર સુધીના 24 કલાકના સૌથી વધુ મોત છે. જેમાં રાજકોટ શહેરના 24 અને ગ્રામ્ય વિસ્તારના 4 દર્દીઓનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય જિલ્લાના 3 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટમાં છે ત્યારે મોતનો 24 કલાકનો સૌથી ઊંચો આંક સામે આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, રાજકોટમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેન્ડ શરૂ થયો છે. હવે અમદાવાદ અને સુરત પછી સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે. એમાં પણ રાજકોટમાં કોરોનાની સૌથી વધુ સ્થિતિ ખરાબ છે.
હાલ, રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. આ કેસો અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. એટલું જ નહીં, પોરબંદરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 100ને પાર થઈ ગયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી.
બીજી બાજુ રાજકોટ હોસ્પિટલમાં આજે એક ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીને લઈને જતા નવું સ્ટ્રેચર તૂટતા દોડધામ મચી જવા પામી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ઓક્સિજનની સાથે દર્દીને લઈ જવાતો હતો, ત્યારે આ ઘટના બની હતી અને સંદેશ ન્યૂઝના કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ કોવિડ હોસ્પિટલ કે બેદરકારીનું ધર સમાન બની છે. આજે હોસ્પિટલમાં એક દર્દીને લઈને જતા નવે નવું સ્ટેરચર તૂટ્યું હતું. આ ઘટના બનતા કોવિડ હોસ્પિટલ સ્ટાફમાં દોડાદોડી થઈ ગઈ હતી. કોવિડ હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન સાથે લઈ જતી વેળા આ ઘટના બની હતી. ત્યારબાદ તાબડતોડ બીજા સ્ટ્રેચર બદલીને દર્દીને સારવાર માટે લઈ જવાયો હતો.