સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભરડો વધુ આકરો અને જીવલેણ થતો જાય છે. કોરોનાની સૌથી વધુ અસર હાલમાં અમેરિકા ઉપર જોવા મળી રહી છે. અમેરિકામાં ૨૪ કલાકમાં કોરોનાનાં સંક્રમણના ૨.૭૯ લાખ નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ કોરોનાએ એક જ દિવસમાં ૪,૦૦૦ લોકોનો ભોગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા કેસમાંથી ૮૦,૦૦૦ નવા કેસ કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસમાંથી આવ્યા હતા. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાનાં સંક્રમણના કુલ કેસ ૨.૧૫ કરોડ પહોંચી ગયા છે. બીજી તરફ કોરોનાથી થતાં મોતનો આંકડો પણ ૩.૬૫ લાખને વટાવી ગયો છે. બીજી તરફ વિશ્વમાં કોરોનાનાં સંક્રમણના કુલ કેસ ૮.૮૪ કરોડ સુધી પહોંચી ગયા છે. કોરોના અત્યાર સુધીમાં વિશ્વમાં કુસ ૧૯.૦૪ લાખ લોકોને ભરખી ગયો છે. જાપાનમાં પણ એક જ દિવસમાં સાત હજાર નવા કેસ આવતા વડા પ્રધાન યોશીહિદે સુગા શહેરમાં ઈમર્જન્સી લાગુ કરી દીધી છે. આ બધા વચ્ચે બ્રિટનમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બ્રિટન આવતા તમામ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. બ્રિટને ગુરુવાર રાતથી આ નિયમ અમલી કરી દીધો હતો.
બ્રાઝિલમાં મૃતાંક બે લાખને પાર થઈ ગયો
બ્રાઝિલમાં કોરોનાનાં સંક્રમણની બીજી લહેર સૌથી ઘાતક સાબિત થઈ રહી છે. અહીંયા કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અહીંયા એક દિવસમાં સૌથી વધારે ૮૭,૮૪૩ નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ ચોવીસ કલાકમાં ૧,૫૨૪ લોકોનાં મોત પણ થયાં હતાં. બીજી તરફ બ્રિટને હવે મોર્ડનાની રસીને પણ ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. કેસમાં વધારો થવાના કારણે વધારાના ૧૦ મિલિયન ડોઝ ખરીદવાની પણ હેલ્થ મિનિસ્ટ્રીએ તૈયારી દર્શાવી હતી. બ્રિટનના હેલ્થ મિનિસ્ટર મેટ હનૂકે જણાવ્યું કે, હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે પણ આગામી સમયમાં અંદાજે છ થી બાર મહિનામાં દર્દીઓને ફરીથી રસી આપવી પડે તેવી સ્થિતિ આવી શકે છે.