અમેરિકામાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓના વીઝા નિયમોમાં ફેરફારને લઇ ભારતે અમેરિકા સાથે વાત કરી છે. આથી ત્યાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે નહીં. જો કે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે જાહેરાત કરી છે કે એ વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવો પડશે જેમની યુનિવર્સિટી કોરોના વાયરસની મહામારીના લીધે આ સેમેસ્ટરમાં માત્ર ઓનલાઇન કોર્સ ઓફર કરી રહ્યું છે. એટલે કે ઓગસ્ટ મહિનાથી શરૂ થનાર ઓનલાઇન કોર્સ સંસ્થાનોના વિદ્યાર્થી પોતાનો અભ્યાસ અમેરિકામાં રહીને કરી શકશે નહીં. સ્વાભાવિક છે કે અમેરિકન પ્રશાસનના આ નિર્ણય બાદ સેંકડો-હજારો ભારતીય વિદ્યાર્થીઓને હાલની સ્થિતિ વચ્ચે અમેરિકા છોડવું પડી શકે છે.
અમેરિકામાં અભ્યાસ કરનાર ભારતીય વિદ્યાર્થીઓની પરેશાનીને જોતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે અમેરિકાના રાજકીય બાબતોના ઉપ વિદેશ મંત્રી ડેવિડ હેલની સાથે ઓનલાઇન વાતચીત કરી. અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપતા કહ્યું કે કેટલીય યુનિવર્સિટી અને કોલેજને અત્યારે પોતાના એકેડમિક કેલેન્ડરની જાહેરાત કરવાની છે. એવા સમયમાં ઇમીગ્રેશન નિયમોમાં કોઇપણ પ્રકારના ફેરફારથી અહીં અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડી શકે છે.
દૂતાવાસે કહ્યું કે અમે સંબંધિત અમેરિકન અધિકારીઓની સામે અમારી સમસ્યા મૂકી છે. સાત જુલાઇના રોજ અમેરિકા-ભારતની વચ્ચે થયેલી બેઠકમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ અમેરિકાના રાજકીય બાબતોના ઉપ વિદેશ મંત્રી ડેવિડ હેલની સામે પોતાની વાત મૂકી.
સૂત્રોના મતે અમેરિકન પક્ષ એ તેના પર નજર કરતાં કહ્યું કે તેઓ ભારતીયોના હિતોને ધ્યાનમાં રાખશે અને કોશિષ કરશે કે આ નિર્ણયનો તેમના પર પ્રભાવ ઓછો પડે. અમેરિકાએ ભારતને એમ પણ કહ્યું કે આ નિર્ણયના કાર્યાન્વયનથી સંબંધિત વિસ્તૃત દિશા-નિર્દેશ રજૂ થવાના હજુ બાકી છે.
ઇમીગ્રેશન એજન્સીએ કહ્યું કે હાલના સમયમાં જે વિદ્યાર્થી અમેરિકામાં આ પાઠ્યક્રમોમાં રજીસ્ટર્ડ છે, તેમને પોતાના દેશ પાછા જતા રહેવું જોઇએ અથવા તો વેલિડીટીને બનાવી રાખવા કે ઇમીગ્રેશન નિયમોની અંતર્ગત સંભવિત કાર્યવાહીથી બચવા માટે અન્ય ઉપાય જેવા કે એ સ્કૂલોમાં માઇગ્રેશન કરવું જોઇએ જ્યાં પારંપરિક ધોરણોમાં અભ્યાસ થઇ રહ્યો છે.