જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો છે, જ્યારે એક નાગરિકનું મોત થઈ ગયું છે. આ દરમિયાન એક એવી તસવીર સામે આવી છે જે સૌનાં હ્રદયને સ્પર્શી ગઈ છે. એક જવાન આતંકવાદીઓની ગોળીથી બચાવવા માટે એક બાળકને હાથમાં લઇને તેને સુરક્ષિત સ્થાને લઇ જઇ રહ્યો છે. આ તસવીર અત્યારે ઘણી જ વાયરલ થઈ રહી છે.
બાળકને પોતાને ખોળામાં ઉપાડ્યું, કરી વાત
જવાન આ તસવીરમાં બાળક સાથે વાત પણ કરી રહ્યો છે. બાળકનાં ચહેરાની નિર્દોશતા અને જવાનની તેની સાથે વાત કરતી તસવીર હ્રદયસ્પર્શી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા આતંકવાદીઓએ એક CRPF જવાન અને એક 5 વર્ષનાં બાળકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. વાઘમાનાં બિજબેહરામાં થયેલી આ ઘટનામાં સામેલ આતંકવાદીઓને ગઇકાલે ઠાર કરીને સેનાએ બદલો લીધો હતો.
દાદાનાં મૃતદેહ પર બેઠું હતુ બાળક
તાજેતરમાં સેનાની કાર્યવાહીમાં કાશ્મીરમાં અનેક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જવાનોની કાર્યવાહીથી ગભરાયેલા આતંકવાદીઓ ખીણમાં માસૂમ લોકોને પોતાનું નિશાન બનાવવામાં લાગ્યા છે અને બાળકોને પણ છોડી રહ્યા નથી. બાળકની સેનાનાં જવાન સાથેની તસવીર સાથે એક બીજી દર્દભરી તસવીર પણ વાયરલ થઈ રહી છે જેમાં બાળક પોતાના મૃત્યુ પામેલા દાદાનાં મૃતદેહ પર બેઠું છે.
મૃતક નાગરિક 60 વર્ષનાં વૃદ્ધ હતા. જમીન પર તેમનો મૃતદેહ પડ્યો છે, કપડા લોહીથી લથબથ છે અને ત્યાં જ મૃતકનો 3 વર્ષનો પૌત્ર પણ હાજર છે. આ માસૂમ પોતાના દાદાની લાશ પર એ રીતે બેઠો છે કે જાણે ક્યારેક તે દાદાનાં ખોળામાં રમતો હતો. પરંતુ તેના દાદાનું શરીર ગોળીઓથી વિંધાયેલું હતુ અને કપડા લોહીથી ભરેલા હતા. આવામાં ત્યાં રહેલા સેનાનાં જવાને બાળકને ખોળામાં ઉપાડ્યું અને આતંકવાદીઓ સાથે ચાલી રહેલી અથડામણવાળી જગ્યાએથી દૂર લઇ ગયા.