શેરબજારોમાં દિવાળીનું આગમન એક સપ્તાહ વહેલું થયું છે. યુએસ ખાતે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનના વિજય પાછળ સોમવારે વૈશ્વિક શેરબજારોમાં તેજીની આગેકૂચ જોવા મળી હતી. તે ઉપરાંત ફાઈઝર દ્વારા કોરોનાની રસીનું સફળ પરીક્ષણ કરવામાં આવતા બજારે તેને વધાવી લીધું હતું. ભારતીય બેન્ચમાર્ક્સ નિફ્ટી અને સેન્સેક્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. નિફ્ટી ૨૦ જાન્યુઆરીએ તેણે બનાવેલી ૧૨,૪૩૦ની ટોચને પાર કરીને ૧૨,૪૬૧ પર બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૭૦૪ પોઇન્ટ્સ ઊછળી ૪૨,૨૭૫ની અગાઉની ટોચ કુદાવી ૪૨,૫૯૭ પર બંધ રહ્યો હતો. સાંજે ડાઉ ફ્યૂચર્સ ૧૫૫૦ પોઇન્ટ્સના ૫.૫ ટકાના ઉછાળા સાથે ૨૯,૭૫૦ના સર્વોચ્ચ સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ યુએસ ખાતે પણ બજારો નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યા છે.
માર્કેટમાં તેજીના ઉન્માદનું કારણ યુએસ ખાતે નવા પ્રમુખ તરીકે ડેમોક્રેટ ઉમેદવારનો વિજય તથા સપ્તાહાંતે રજૂ થયેલા પોઝિટિવ બેરોજગારીના આંકડા છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં કુલ ૬.૩૮ લાખ નવી જોબનો ઉમેરો જોવા મળ્યો હતો અને અનએમ્પ્લોઇમેન્ટ રેટ અથવા બેરોજગારીનો દર સપ્ટેમ્બર મહિનાના ૭.૯ ટકાથી ઘટી ૬.૯ ટકા થયો હતો. આમ ત્રીજા ક્વાર્ટરમાં ૩ ટકાથી પણ ઊંચા ગ્રોથ રેટ બાદ બેરોજગારમાં ઘટાડા જેવા પોઝિટિવ ડેટા યુએસ તરફ્થી રજૂ થઈ રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે યુએસ ખાતે જંગી રાહત પેકેજની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કોવિડના બીજા રાઉન્ડમાંથી પસાર થઈ રહેલા યુએસ ખાતે ફેડ રિઝર્વ ઘણા સમયથી ફ્સ્કિલ સ્ટીમ્યુલસની જરૂરિયાત હોવાનું જણાવી રહી છે. જોકે ચૂંટણી અગાઉ આ અંગે નિર્ણય લેવાઈ શક્યો નહોતો. એક સપ્તાહમાં નવા ૧૦ લાખ સંક્રમણોને જોતાં સરકાર આ અંગે ઝડપથી નિર્ણય લે તેવું માનવામાં આવે છે.