Home India ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૧૧ ડિસેમ્બરે દેશભરમાં હડતાળ પાડવાની અને બંધ રાખવાની...

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૧૧ ડિસેમ્બરે દેશભરમાં હડતાળ પાડવાની અને બંધ રાખવાની જાહેરાત કરી.

80
0

કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલાં આયુર્વેદિક ડોક્ટર્સને સર્જરી કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી તેનો મેડિકલ જગતમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૮ ડિસેમ્બરે ખેડૂત સંગઠનોની સાથે સરકારનો વિરોધ કરવા ૧૦,૦૦૦ જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા હતા. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૧૧ ડિસેમ્બરે દેશભરમાં હડતાળ પાડવાની અને બંધ રાખવાની જાહેરાત કરી છે. સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી કોરોના સેવાઓ અને ઈમર્જન્સી સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે. બીજી તરફ આઈએમએ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, આ બંધને પગલે કોરોનાની સેવામાં કોઈ અસર જણાશે નહીં. બીજી તરફ નેશનલ ઈન્ડિગ્રેટેડ મેડિકલ એસોસિયેશન એટલે કે નીમા દ્વારા બંધ વખતે બીએમએસ ડોક્ટરોની લોકો માટે ફ્રી સર્વિસની જાહેરાત કરાઈ છે.
મિક્સોપથી દ્વારા સમાજને વ્યાપક નુકસાન થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું કે, સર્જરી કરવા માટે આ શાખાનો પૂરતો અભ્યાસ કરવો પડે છે. આયુર્વેદિક ડોક્ટર્સને સર્જરી માટે પરવાનગી આપવામાં આવી તે અયોગ્ય છે. ઉલ્લેખનીય છે કે, આઈએમએ દ્વારા ૮ ડિસેમ્બરે પણ ખેડૂત આંદોલન સાથે આ મુદ્દે ૧૦,૦૦૦ સ્થળોએ ધરણા કરવામાં આવ્યા હતા. આઈએમએનો દાવો છે કે, આવી મિક્સોપથીથી સમાજને નુકસાન જશે. માત્ર સર્જરી કરવાથી દર્દીનો ઉપચાર થઈ જતો નથી કે તે સાજો થતો નથી. તેના માટે બીજી ઘણી બાબતો જરૂરી હોય છે. આ રીતે વિવિધ શાખાઓને એકબીજામાં જોડીને ખીચડી થેરપી ચાલુ કરવામાં આવશે તો તેનાથી સામાન્ય લોકોને જ ભોગવવાનું આવશે.
અયોગ્ય છે આયુર્વેદિક ડોક્ટર્સનો વિરોધ : નિમા
નેશનલ ઈન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિયેશને જણાવ્યું કે, આયુર્વેદ કોઈપણ સ્તરે એલોપથીથી ઉતરતા સ્તરે નથી. શુક્રવારે આઈએમએના વિરોધ વચ્ચે તમામ બીએમએસ ડોક્ટર્સ દ્વારા લોકોની મફતમાં તપાસ અને નિદાન કરવામાં આવશે. પાંચ હજાર વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ ભારતમાં અમલી છે અને ઘણા લોકોએ સદીઓથી તેને અપનાવી છે. બીએમએસમાં પણ સાડા પાંચ વર્ષનો ગ્રેજ્યુએશન અને ત્રણ વર્ષનો પીજી કોર્સ હોય છે. આટલા અભ્યાસ બાદ સર્જરીની મંજૂરી મળવી જ જોઈએ. આઈએમએ દ્વારા કરાઈ રહેલો વિરોધ અમર્યાદિત, દૂરદર્શિતાના અભાવયુક્ત અને હાસ્યાસ્પદ છે. આ વિરોધ અવિવેકપૂર્ણ અને અજ્ઞાનતાના પ્રતીક સમાન છે. મહર્ષિ ચરક દ્વારા પાંચ હજાર વર્ષે પૂર્વે આ ચિકિત્સા પદ્ધતિ વિશે જણાવાયું હતું. સુશ્રુત દ્વારા સેંકડો વર્ષો પહેલાં સર્જિકલ પ્રોસિજર યંત્ર, ચાર કર્મ, અગ્નિકર્મ, રાઈનોપ્લાસ્ટિ, નાસા-તં-મુખ-કર્ણ રોગની સર્જરી વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે. આ વિરોધ મુદ્દે આઈએમએના સાથીઓ સાથે સંયુક્ત રીતે ચર્ચા કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here