Home Gujarat ધમકીઓ આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા દારૂડિયા પુત્રથી છુટકારો મેળવવા અડાજણ...

ધમકીઓ આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા દારૂડિયા પુત્રથી છુટકારો મેળવવા અડાજણ વિસ્તારની લાચાર માતાએ કોર્ટના પગઠીયા ચઢવાનો વખત આવ્યો છે..

99
0

‘તું કેટરીંગમાંથી કમાઇને એશ કરે છે. વટથી બેઠી છે. દીકરો પેદા કર્યો હોય તો તેને ખવડાવવું પડે. પપ્પાના ઘરમાંથી તારે કોઇ હિસ્સો લેવાનો નથી. પપ્પાનું ઘર મારા નામ ઉપર કરી દે, નહીં તો હું આત્મહત્યા કરીશ અને એના માટે બધો દોષનો ટોપલો તારા માથે નાંખીને ચિઠ્ઠી લખી જઇશ.’ આ પ્રકારની અનેક ધમકીઓ આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા દારૂડિયા પુત્રથી છુટકારો મેળવવા અડાજણ વિસ્તારની લાચાર માતાએ કોર્ટના પગઠીયા ચઢવાનો વખત આવ્યો છે.
અડાજણ સ્થિત ભુલકા ભવન વિસ્તારમાં રહેતી મહિલાએ તેના સગા પુત્ર વિરુદ્ધ કોર્ટમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિનું મે-2019માં બીમારીને કારણે અવસાન થયું હતું. બીજી તરફ પુત્રને દારૃ ઢીંચવાની, નશો કરવાની કુટેવ પડી ગઇ હતી. પુત્રે તેની આવક દારૃનો નશો કરવામાં ખર્ચ કરી નાંખતો હતો.
આ બાબતે માતા દ્વારા ટકોર કરવામાં આવતી હોય અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. પુત્ર દારૂના રવાડે ચઢી જતાં ગુજરાન ચલાવવા માતાએ કેટેરીંગનો ધંધો શરૂ કર્યો હતો. કેટેરીંગના ધંધાથી થતી કમાણીના રૂપિયા માટે પણ પુત્રે માતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આખરે પુત્રનો ત્રાસ સહન નહીં થતાં હતાશ થઇ માતાએ અલગ ભાડાના ઘરમાં રહેવા જવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસોમાં જ બેજવાબદાર પુત્રે નશો કરેલી હાલતમાં ભાડાના ઘરમાં આવી માતા સાથે ગાળાગાળી શરૂ કરી હતી. માતા ઉપર હાથ ઉપાડવાનું શરૂ કર્યું હતું. કેટેરીંગના ધંધામાંથી થઇ રહેલી આવક પોતાને આપી દેવા ત્રાસ ગુજાર્યો હતો.
નિષ્ઠુર પુત્રના હાથે અવારનવાર ઘરેલુ હિંસાનો ભોગ બનતી લાચાર માતાએ પુત્રના આવા રવૈયાથી હતાશ થઇ એડવોકેટ પ્રીતિ જોષી મારફતે અત્રેની અદાલતમાં અરજી કરી હતી. અરજીમાં લાઇટબીલ ભરવા માટે પુત્ર દ્વારા રૃપિયાની થતી માંગણી, મોજશોખ પુરા કરવા બળજબરી રૃપિયા પડાવી લેવાની હરકત તથા ઘરનો સામાન ફેંકી દેવાની હરકત વિશે જણાવાયું હતું.
પુત્ર નોકરી કરી સારી આવક મેળવતો હોવા છતાં માતાના ભરણપોષણની જવાબદારી ઉપાડવાને બદલે માનસિક ત્રાસ આપતો હોય કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં પુત્રથી રક્ષણ, ઘરભાડું, માનસિક ત્રાસ બદલ એક લાખનું વળતર અપાવવા માંગણી કરાઇ હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here