જામનગર શહેર અને જીલ્લામાંથી હથિયારો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. જામનગર એલસીબી પોલીસે સાત પિસ્તોલ સાથે બે સખ્સોને પકડી પાડ્યા છે. જામજોધપુર પંથકમાં દરોડા પાડી સુરત અને જામજોધપુરના બંને શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હથિયાર ક્યાંથી લઇ આવ્યા છે અને અગાઉ કોને હથિયારો સપ્લાય કર્યા છે? સહિતની બાબતોનો તાગ મેળવવા LCBએ બંને શખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સાત હથિયારો પૈકી એક હથિયાર વોકિંગ સ્ટીકમાં અદ્ભુત ટેકનિકથી બનાવ્યું છે. જેમાં હાથો અને બે સ્ટીકને જોડી વચ્ચે બુલેટ ફીટ કરી, હાથને ટ્રીગર તરીકે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે.
જામનગર પોલીસવડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ.એસ એસ નીનામાના માર્ગદર્શન મુજબ LCB સ્ટાફને બાતમી મળી હતી કે જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયે આવેલ બસ સ્ટેન્ડની છાપરી પાસે આરોપી મનસુખ કારેણા હથિયાર સપ્લાય કરવા રાજશી ઓડેદરાને આવવાનો છે આ બાતમી આધારે રેડ કરતા આરોપી મનસુખ હરજી કારેણા રહે. જીણાવારી તા.જામજોધપુર હાલ સુરતવાળાના કબ્જામાથી પિસ્ટલ-03 તથા રીવોલ્વર-1 તથા કાર્ટીસ-06, કિ.રૂ.1,25,000/- તથા રાજશી માલદે ઓડેદરા રહે. રાણાવાવ જી. પોરબંદરના કબજામાંથી પીસ્ટલ-02 તથા ગન-01 તથા કાર્ટીસ-01 કિ.રૂ.60,100/- સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. મનસુખ કારેણા આ હથિયાર રાજશી માલદે ઓડેદરાને વેચાણ કરવા આવ્યો હતો તે દરમ્યાન બન્ને ઝડપાયા હતા.
આરોપી મનસુખ હરજી કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રા રહે. આદિત્યાણા વાળાને ગેરકાયદેસર હથિયાર વેચાણ કરતો હોવાથી અલગ અલગ ગુન્હામાં પણ નાસતો ફરતો હતો અને જે ઇસમ અગાઉ લુંટના ગુન્હામાં સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. તેમજ રાજશી ઓડેદરા અગાઉ રાણાવાવમાં મારામારીના બે ગુન્હામાં સંડોવાયેલ છે. બન્ને આરોપીઓએ આ હથિયારથી કોઇ ગુન્હો કર્યો છે કે કેમ તેમજ અન્ય કોઇને આપ્યા છે કે કેમ તે અંગેની તપાસ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે.
આરોપીઓના કબજામાંથી એક સ્ટીક ગન મળી આવી છે. આ હથિયાર મનસુખે બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. યુ ટ્યુબ પર સ્ટીક ગન બનાવવાની ટેકનીક શીખી બે સ્ટીક બજારમાંથી ખરીદી, હાથાને ટ્રીગર તરીકે ઉપયોગ કરી, બંને પાઈપ વચ્ચે ગોળી ફીટ કરી, સ્ટીકનો ગન તરીકે ઉપયોગ કરી શકાય એવી રીતે બનાવી છે. માત્ર ત્રણ ધોરણ સુધી ભણેલા આરોપીએ આ હથિયારનો કોઈ વારદાતમાં ઉપયોગ નથી કર્યો એમ કબુલ્યું છે. પરંતુ આ હથિયારો ક્યાંથી લઇ આવવામાં આવ્યા છે અને કોને સપ્લાય કરવાના હતા તેનો તાગ મેળવવા માટે એલસીબીએ બંનેને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.