Home Gujarat સુરત ના પાંડેસરા ભેદવાડ વિસ્તાર માંથી 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરવાના...

સુરત ના પાંડેસરા ભેદવાડ વિસ્તાર માંથી 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરી હત્યા.

90
0

સુરત ના પાંડેસરા ભેદવાડ વિસ્તાર માંથી સોમવારે બપોરે 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણે ની ક્રૂર રીતે બાળકીની હત્યા કરી તેની કબુલાત કરી હતી. પહેલાં બાળકીને ઇંટ મારી હતી. આ ઘાથી બાળકી મૃત્યુ પામી નહિ હોવાની શંકા જતાં નજીકમાંથી પથ્થર વડે ઉપરા છાપરી ઘા માર્યા હતા. જ્યાં સુધી મૃત્યુ નહિ પામ્યાની ખાતરી નહિ થઇ ત્યાં સુધી સતત ઘા માર્યા હતા.
પાંડેસરા ભેદવાડ વિસ્તારમાં કાકાના ઘર પાસેથી ગુમ થઈ ગયેલી ઉધનાની 10 વર્ષીય બાળકી બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ ગુમ થઈ જવાની ઘટનામાં પોલીસે ભેદવાડ વિસ્તારમાં જ રહેતાં દિનેશ ઉર્ફે પ્રદીપ બૈસાણીની ધરપકડ કરી હતી. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીના જણાવ્યા પ્રમાણે બાળકીને તેના પિતા રોજ ભાઇને ઘરે મૂકીને ભાઇ સાથે નોકરીએ જતા હોઈ તે રોજ તેને જોતો હતો.
સોમવારે બપોરે તેને એકલી બહાર રમતા જોતા નિયત બગડી હતી. વડાપાઉં ખવડાવવાની લાલચ આપી બાળકીને વડાપાઉં લઈ આપ્યા બાદ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલી અવાવરું જગ્યાએ લઇ જવા લાગ્યો હતો. ઝાડી શરૃ થઇ તે સાથે જ બાળકી ડરી ગઇ હતી અને આગળ નહિ વધી ચીસો પાડવાની કોશિશ કરતાં તેનું મોઢું દબાવી ઝાડીમાં ઘસડીને લઇ જવા લાગ્યો હતો. તે સાથે જ બાળકીએ એટલા જોરથી તેના આંગળાં કરડી ખાધા હતા કે ટાંકા લેવા જેવી સ્થિતિ થઇ ગઇ હતી.
બાળકીએ કરડી લેતા હવે દિનેશની હવસ ઓસરી ગઇ હતી અને ડર હાવી થઇ ગયો હતો. બાળકી ઘરે જઇને પોતાનો ભાંડો ફોડી નાંખશે તેવા ડરથી બાળકીને નીચે પછાડી માથામાં ઇંટ મારી હત્યા કરી નાંખી હતી, પરંતુ તે જીવતી હોવાની શંકા જતાં પત્થર વડે સતત માથામાં ઘા માર્યા હતા.
આરોપીએ પોતે સગીર હોવાનું નાટક કર્યું:
બાળકીની હત્યા બાદ આરોપી જાણે કશું જ નહિ થયો હોય તેમ પરત ઘરે આવી બિન્દાસ્ત ફરતો જોવા મળ્યો હતો. પોતાને ક્યારેય પોલીસ નહિ પકડી શકે તેવા ગુમાનમા રહેતાં દિનેશને જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે શોધી કાઢયો ત્યારે કોઇ રસ્તો નહિ રહેતાં તેણે પોતે સગીર હોવાનું નાટક કર્યું હતું. પોતાને બીજાં શખ્સે કહ્યું હોવાનું કહીને પણ ત્રાગું કર્યું હતું, પરંતુ પોલીસે આધાર કાર્ડ તથા બીજા પુરાવાની મદદથી આરોપી પુખ્ત હોવાનું પુરવાર કરતાં તે ઢીલો થઇ ગયો હતો. આરોપીના મોબાઇલ ફોનમાંથી અશ્લીલ ક્પીલ પણ મળી આવી હતી.
બાળકીની હત્યાથી જનમેદનીનો આક્રોશ ચરમસીમાએ, આરોપીને ફાંસીથી ઓછું કંઇ નહિ, અંતિમયાત્રામાં લોકોની ભીડને પગલે પોલીસ ખડકી દેવાની ફરજ પડી
પાંડેસરામાં ભેદવાડ વિસ્તારમાં 10 વર્ષીય બાળકીની દુષ્કર્મના ઇરાદે અપહરણ બાદ હત્યા કરી દેવાતી જનમેદનની આક્રોશ ચરમ ઉપર પહોંચ્યો હતો. 1000 કરતાં પણ વધુ લોકો અંતિમયાત્રા માટે ઊમટી પડયા હતા. આરોપીને દાખલારુપ સજા મળે તે માટે ફાંસીની માગણી કરી હતી. જો ફાંસી નહિ કરાય તો ભીડને હવાલે સોંપી દેવાની માગણી ટોળાં ભેગાં કરી હતી. જનઆક્રોશ જોતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. અંતિમયાત્રામાં ભેગી થયેલી ભીડને પગલે ઉધના-સચીન રોડનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો.
સોમવારે પાંડેસરાના ભેદવાડ વિસ્તારમાં રહેતી 10 વર્ષીય બાળકીની ઘાતકી હત્યાથી ફરી એક કલંકિત ઘટનાનું શહેર સાક્ષી બન્યું છે. ઉધના વિસ્તારમાં રહેતી અને ભેદવાડ વિસ્તારમાં રહેતી કાકીને ત્યાં આવેલી બાળકીની અહીં જ રહેતાં દિનેશ બૈસાણે નામના યુવાને વડાપાઉં ખવડાવાની લાલચ આપી અપહરણ કર્યા બાદ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલી ઝાડીમાં લઇ જઇ હત્યા કરી નાંખી હતી. નાનકડી બાળકીના માથામાં ઇંટ અને પત્થર મારી ચહેરો સુધ્ધાં છુંદી નાંખવામાં આવ્યો હતો.
જઘન્ય ઘટનાથી આઘાત પામેલાં રહીશો અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. ધીરે ધીરે ભીડ વધીને 1000ને પાર પહોંચી જતાં પોલીસ માટે ટેન્શનનું કારણ બની ગયું હતું. માસુમ બાળકીની હત્યાને લઇને આંસુ વહાવી રહેલું ટોળું ત્યારે વધુ રોષે ભરાયું હતું જ્યારે બાળકીની ડેડબોડી અંતિમ સંસ્કાર માટે લઇ જવા માટે માતા-પિતા અને 15 વર્ષનો મોટો ભાઇ ઊભા થયા હતા. ડેડબોડી માટે ઠાઠડી પણ બનાવવામાં આવી ન હતી. કપડાંમાં વીંટાળી ડેડબોડીને હાથમાં જ લઇ સામે આવેલાં કબ્રસ્તાનમાં લઇ જવાઇ રહી હતી ત્યારે ટોળાનો આક્રોશ જોવા મળ્યો હતો.
ટોળાની એક જ માગણી હતી આરોપીને ફાંસીની સજા કરવાની. આરોપીને ફાંસીની સજા કરતાં ઓછી સજા નહિ મંજૂર હોવાનું જણાવી સૂત્રોચ્ચાર કરતાં પોલીસે મોટી સંખ્યામાં બંદોબસ્ત ખડકી દીધો હતો. મહોલ્લામાં જ રહેતાં આરોપીના ઘરને ટોળું નિશાન નહિ બનાવે તે માટે તેના ઘરે પણ પોલીસ મૂકી દેવાની ફરજ પડી હતી. રોડ ઉપર જ મોટી સંખ્યામાં ભીડ ભેગી થતાં ઉધના-સચીન રોડ ઉપરથી વાહનો આવન જાવન પણ પ્રભાવિત થઇ હતી.
ગુનેગારની કોઇ જાત હોતી નથી તેને ફાંસીની સજા થવી જોઇએ:
આ ઘટનાને પગલે ત્યાં દોડી આવેલાં સ્થાનિક આગેવાન સુરેશ સોનવણેએ કલંકરુપ ગણાવી હતી. ગુનેગારની કોઇ જાત હોતી નથી. તેને દાખલારૃપ સજા થવી જોઇએ. આરોપીને ફાંસીના માંચડે લટકાવવામાં આવશે ત્યારે જ તેને ન્યાય મળશે તેમ સુરેશ સોનવણેએ જણાવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here