Home India લદ્દાખ તણાવ મામલે નમ્યુ ચીન, પોતાના સૈનિકોને ગલવાન ખીણેથી 1.5 કિમી પીછેહઠ...

લદ્દાખ તણાવ મામલે નમ્યુ ચીન, પોતાના સૈનિકોને ગલવાન ખીણેથી 1.5 કિમી પીછેહઠ કરાવી

72
0

છેલ્લા થોડા દિવસોથી ગલવાન નદી વધુ જોશીલી બની છે ત્યારે ચીને હવામાનના પડકારને લઈ પીછેહઠ કરી કે સમજૂતી પ્રમાણે તે નક્કી કરવું મુશ્કેલ.
લદ્દાખ મામલે ભારતની કરડાકી અને જડબાતોડ જવાબના કારણે ચીનના આક્રમક વલણમાં નરમાશ દેખાવા લાગી છે. ગાલવાન ઘાટી ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બેઈજિંગ કૂમળું પડ્યું છે અને તેણે પોતાના સૈનિકોને ગાલવાન ઘાટીમાં સંઘર્ષવાળી જગ્યાએથી 1.5 કિમી પીછેહઠ કરાવી છે.
ઉલ્લેખનીય છે કે બંને દેશ વચ્ચે તણાવ ઘટાડવા અનેક તબક્કાની કમાન્ડર સ્તરની બેઠક પણ યોજાઈ ચુકી છે. ઉપરાંત લદ્દાખમાં તણાવ ઓછો ન થઈ રહ્યો હોવાથી વડાપ્રધાન મોદીની સરકારે NSA અજીત ડોભાલને પણ મોરચા પર લગાવી દીધા હતા.
ચીનના પગલાથી તણાવ ઘટશે?
નિષ્ણાંતો આને તણાવ ઘટવાની દિશાનું પહેલું પગલું માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 15 જૂનની રાતે બંને દેશના સૈનિકો વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો જેમાં ચીનના 40 જવાન માર્યા ગયા હતા. ચીની સૈનિકો લદ્દાખની ગાલવાન ઘાટીમાં ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા અંતર્ગત આશરે 1.5 કિમી પાછા હટ્યા છે. સૈન્ય સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ચીની સૈનિકોએ પોતાના કેમ્પ પણ પાછા હટાવી લીધા છે. જો કે હજુ સુધી સેનાએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું.
ગલવાન ઘાટી બન્યું બફર ઝોન
જાણવા મળ્યા મુજબ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર બંને દેશની સેનાઓએ રિલોકેશન માટે સહમતી સાધી હતી. ત્યારે હવે ગાલવાન ઘાટીને બફર ઝોન બનાવી દેવાયું છે જેથી ભવિષ્યમાં આવી કોઈ હિંસક ઘટના ન બને.
ભારત દ્વારા ફિઝિકલ વેરિફિકેશન
ગત 30 જૂનના રોજ બંને દેશના ક્રોપ કમાન્ડર વચ્ચે ચીની સૈનિકો વિવાદિત ક્ષેત્રથી પાછા જશે તેવી સહમતી સધાઈ હતી. ભારતે રવિવારે ચીનના વચનની પૃષ્ટિ કરવા ત્યાં ડ્રોન વડે મોનિટરીંગ કર્યું હતું અને એક અધિકારીએ ચીની સૈનિકો ગાલવાનવાળા ક્ષેત્રમાંથી 1.5 કિમી પાછા હટ્યા હોવાનું જણાવ્યું હતું. તે સિવાય બંને પક્ષો અસ્થાયી ઢાંચાને પણ દૂર કરી રહ્યા છે. ભારતે ચીની સૈનિકો પાછા હટ્યા હોવાનું ફિઝિકલ વેરિફિકેશન પણ કરી લીધું છે.
બંને દેશના સૈનિકોની પીછેહઠ
ઈસ્ટર્ન લદ્દાખના ગાલવાન ક્ષેત્રમાં એલએસી પાસે ભારત અને ચીનના સૈનિકોએ થોડી પીછેહઠ કરી છે. જાણવા મળ્યા મુજબ ગત 30 જૂનના રોજ યોજાયેલી કોર કમાન્ડર સ્તરની બેઠકમાં જે સહમતી સધાઈ તેના આધારે ગાલવાન એરિયામાં ડિસએન્ગેજમેન્ટ એટલે કે સૈનિકોની પીછેહઠ શરૂ થઈ ગઈ છે.
ગલવાન ક્ષેત્રમાં પેટ્રોલિંગ પોઈન્ટ 14 એટલે કે પીપી-14 પાસે આ મૂવમેન્ટ થઈ છે. આ સ્થળે જ ગત 15 જૂનની રાતે બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સ્થળે ચીની સૈનિકો ભારતની પરસેપ્શન લાઈનથી આગળ આવી ગયા હતા. હવે ચીની સૈનિકો આશરે 1.5 કિમી પાછા હટ્યા છે અને તે જ રીતે ભારતીય સૈનિકો પણ પાછા હટ્યા છે.
ચીન ક્યાંક ફરી દગો તો નહીં આપે?
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ પણ પડકારજનક રહ્યું છે અને ગાલવાન નદી વધુ જોશીલી બની છે. આ કારણે ચીની સૈનિકો હવામાનના પડકારના કારણે પાછા ગયા કે ચર્ચા દરમિયાન જે સહમતી સધાઈ તેના આધારે તે કહેવું મુશ્કેલ છે. જાણવા મળ્યા મુજબ ગલવાન, ગોગરા અને હોટ સ્પ્રિંગ એરિયામાં પણ ચીની સૈનિકોના ભારે વાહનોની પીછેહઠ દેખાઈ છે.
વડાપ્રધાનનો લેહ પ્રવાસ
ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 3 જુલાઈના રોજ લેહની મુલાકાત લીધી હતી અને ત્યાં સૈનિકોને મળ્યા હતા. વડાપ્રધાને ચીનને સંભળાવવા ‘વિસ્તારવાદનો યુગ સમાપ્ત થયો છે અને હવે વિકાસવાદનો સમય આવ્યો છે. ઝડપથી બદલાઈ રહેલા સમયમાં વિકાસવાદ જ પ્રાસંગિક છે. વિકાસવાદ માટે અવસર છે, તે વિકાસનો આધાર છે.
પાછલી શતાબ્દીમાં વિસ્તારવાદે જ માનવજાતનો વિનાશ કર્યો. વિસ્તારવાદની જિદ કરનારા વિશ્વશાંતિ માટે જોખમી છે’ તેમ કહ્યું હતું. સાથે જ વિસ્તારવાદી શક્તિઓનો અંત આવે છે તેનું ઈતિહાસ સાક્ષી છે તેમ પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચીન સમયાંતરે લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરતું રહે છે. એટલું જ નહીં પણ તાજેતરમાં તેણે રશિયા અને ભૂતાનની કેટલીક જમીન પર પણ પોતાનો દાવો કર્યો હતો.


Previous articleઆવતીકાલે અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં થંભી જશે, જંગીસભા બાદ રાજ્યવ્યાપી આંદોલન
Next articleLAC પર આગળ વધી રહી છે ભારતીય સેના, પાછુ હટી રહ્યું છે ચીન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here