India

સોમવારે મોડીરાત્રે ચીને ભારતીય સૈનિકો પર સરહદ પાર કરીને ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ઓછો થવાની કોઈ આશા દેખાતા નથી. સોમવારે મોડીરાત્રે ચીને ભારતીય સૈનિકો પર સરહદ પાર કરીને ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે તાજી અથડામણ લદાખના પેંગોગ ત્સો તળાવના દક્ષિણ છેડે એક પહાડ પર થઈ હતી.

PLAના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તાએ અથડામણનો દાવો કર્યો છે

ચાઇનીઝ અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીની આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તાના હવાલે પેંગોગ ત્સો નજીક અથડામણનો દાવો કર્યો છે. અખબારે લખ્યું છે કે, ‘ભારતીય સેનાએ પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ છેડાની નજીક શેનપાઓ પહાડ પર એલ.એ.સી.ને પાર કર્યું. અખબારે વધુમાં લખ્યું છે કે ભારતીય સૈનિકોએ વાતચીતની કોશિષ કરી રહેલા પીએલએના સરહદ પેટ્રોલિંગ સાથે જોડાયેલા સૈનિકો પર વોર્નિંગ શોટ ફાયર કર્યું ત્યારબાદ ચીની સૈનિકોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા પગલાં ભરવા પડ્યાં હતાં.

દરમ્યાન પીએલના વેસ્ટર્ન થિયેટર કમાન્ડરના પ્રવક્તા ઝાંગ શુઇએ ભારત પર આરોપ લગાવતા કહ્યું કે ભારતીય પક્ષે દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન કર્યું છે. આનાથી વિસ્તારમાં તણાવ અને ગેરસમજો વધશે. આ ગંભીર લશ્કરી ઉશ્કેરણી છે. ઝાંગે વધુમાં કહ્યું કે અમે ભારતીય પક્ષ તરફથી ખતરનાક પગલાં રોકવા અને ફાયરિંગ કરનાર વ્યક્તિને સજા આપવાની માંગણી કરી છે. સાથો સાથ ભારતે સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી ઘટનાઓ ફરીથી ન થાય. પીએલએના પશ્ચિમી કમાન્ડના સૈનિકો તેમની ફરજોનું પાલન કરશે અને રાષ્ટ્રના પ્રાદેશિક સાર્વભૌમત્વનું રક્ષણ કરશે.

ભારત સરકાર કે સેનાની તરફથી કોઈ અથડામણની પુષ્ટિ નથી

આ અથડામણના સમાચાર અંગે ભારત સરકાર કે સેના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ સમાચાર એજન્સી એએનઆઈ એ પણ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં એલએસી નજીકના તણાવવાળા વિસ્તારમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે ફાયરિંગ થયાનો દાવો કર્યો છે.

પેંગોંગ ત્સો નજીક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શિખર પર ભારતીય સૈનિકોએ કબ્જો કર્યો હતો

ચીનની નાપાક હરકતોનો જવાબ આપતા થોડા દિવસ પહેલાં ભારતીય સૈનિકોએ પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ કાંઠે એક મહત્વપૂર્ણ શિખર કબ્જે કરી લીધું હતું અને ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં પીએલએના જવાનોને પીછેહઠ કરવા દબાણ કર્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે લદ્દાખના ગલવાન ઘાટીમાં જૂનમાં ચીનના સૈનિકો સાથેની અથડામણમાં કમાન્ડિંગ ઓફિસર સહિત 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જો કે આ અથડામણમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના કેટલા લોકો માર્યા ગયા તે અંગે ચીન દ્વારા કોઇ માહિતી આપવામાં આવી નથી.

તણાવ ઓછો કરવા રાજનાથે પોતાના ચીની સમકક્ષ સાથે બેઠક યોજી ચૂકયા

આપને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના સમાધાન માટે છેલ્લા ત્રણ મહિનાથી વાટાઘાટો ચાલી રહી છે બંને દેશ સરહદ પર તણાવ ઓછો કરવા રાજદ્વારી અને સૈન્યના માધ્યમથી સતત સંપર્કમાં છે. જોકે, વાતચીતથી અત્યાર સુધી સરહદ વિવાદનું કોઈ સમાધાન આવ્યું નથી. તણાવ ઓછો કરવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહે રશિયાના મોસ્કોમાં ગયા શુક્રવારે ચીનના સમકક્ષ વેઇ ફેંગે સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક 2 કલાકથી વધુ ચાલી હતી. આ જ મુદ્દા પર વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે મોસ્કોમાં બેઠક થાય તેવી સંભાવના પણ છે.

Leave a Reply

Your email address will not be published.