Home Gujarat ૨૭ માચૅ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ

૨૭ માચૅ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ

177
0

આજે વિશ્વ રંગભૂમિ દિવસ ભવાઈ લોકકલા લુપ્ત થવાના આરે
બે રુપિયામા કોઈની બાયડી બની નાચવુ પડે એ અમારી મજબુરી છે.નહિતર આ ધંધામા હવે પેલા જેવી મજા નથી. પહેલા અમારી ભવાઈ અને ભવૈયાની પ્રતિષ્ઠા હતી. ગામલોકો સામેથી ભવાઈ ભજવવા બોલાવતા,પ્રેમથી રાખતા,જમાડતા પણ હવે જમાનો બદલાયો છે. ટી.વી.,સિનેમા અને ઈન્ટરનેટ આવતા ભવાઈ સાવ ભુલાતી જાય છે. હવે કોઈને ભવાઈ જોવી ગમતી નથી આવુ કહેવુ છે. મહાકાળી ભવાઈ મંડળ બાળા (નળીયા) ના કલાકાર કનુભાઈ ગંગારામ વ્યાસ નુ.
આજે ૨૭ માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ પરંતુ ધીમે ધીમે કલાના ક્ષેત્રમાથી રંગભૂમિની રોનક અને ભવાઈના ભૂંગળ સહિતની કલા નેસ્ત નાબુદ થઈ રહી છે. ભૂલાઈ રહેલી ભવાઈથી ગુજરાતના અનેક અદના કલાકારોને રોજીરોટી ના ફાંફા છે. ત્યારે વિસરાઈ રહેલી ભવાઈ ની ભવ્ય વિરાસતને બચાવવા માટે ઝાલાવાડ ના કલાકારો પરસેવો પાડી રહ્યા છે.
હાલ આધુનિક યુગ ઈન્ટરનેટ ના પ્રતાપે દુનિયા આંગળીના ટેરવામા સમાઈ ગઈ છે. મનોરંજન હાથવગુ બની ગયુ છે. પરંતુ એક એવો સમય હતો કે મનોરંજન માટે ભવાઈ એક જ માધ્યમ હતુ.
આપણા દેશમા દરેક પ્રાંતમા પોતાના લોકનૃત્ય અને લોકનાટ્યના વિશિષ્ટ તળપદા પ્રકારો જોવા મળે છે. આંધ્રપ્રદેશ મા પક્ષગાન,મહારાષ્ટ્ર મા તમાશા,બંગાળ અને બિહાર મા જાતરા,હરિયાણા અને પંજાબ મા સ્વાંગ,ઉતરપ્રદેશ મા નૌટંકી,તમિલનાડુમા તેરુકુટુ,મધ્ય ભારત મા માચ અને ગુજરાત મા ભવાઈ.
ભવાઈનો ઈતિહાસ ખુબ જ જુનો છે. ભવાઈની વાત આવે એટલે તેના રચયિતા અસાઈત ઠાકર યાદ આવે.ભવાઈનો વેશ રચનાર અસાઈત ઠાકર ૧૪ મી સદીમા થઈ ગયા. તેમને રીવાજ અને લોકજાગૃતિ માટે ૩૬૦ વેશો રચ્યા હતા. જેમા પુરબીયો,કાનગોપી,જુઠણ,લાલબટાઉ,જોગી જોગણ,જસમા ઓડણ,વણઝારા નો વેશ,મણીયારો ના વેશો જાણીતા છે.
ભવાઈ મા બધા પાત્રો પુરુષો દ્રારા જ ભજવાય છે. સ્ત્રીનુ પાત્ર પણ પુરુષ જ ભજવે છે. ભવાઈ નુ પાત્ર ભજવનારને કયારેય માઈકની જરુર પડતી નથી. બુલંદ અવાજે તેઓ ભવાઈ ભજવતા. ગામ મા ભૂંગળ નો અવાજ સાંભળીને ગામ લોકો ભવાઈ જોવા ભેગા થઈ જતા. ભવાઈમા ભૂંગળ,તબલા,વાજા પેટી અને ઝાંઝ નો જ તાલ લેવાતો. ભવાઈ એ તો ગુજરાતી રંગભૂમિ અને નાટકોની ગંગોત્રી છે. જયારે આધુનિક યુગ નહોતો ત્યારે મનોરંજન ની સાથે સાથે લોકશિક્ષણ નુ પણ કાર્ય કર્યુ છે. મોહનદાસ ને મહાત્મા બનાવવામાં ભવાઈનો ફાળો રહેલો છે. મહાત્મા ગાંધી સત્ય ના પ્રયોગો મા લખે છે કે મને સત્ય બોલવાની પ્રેરણા રાજા હરિશ્ચંદ્ર ના નાટક જોઈ ને મળી હતી. ભવાઈ એ નાટકો અને રંગભૂમિ ને સારા કાલાકારો પુરા પાડ્યા છે. ત્યારે વિસરાતી જતી આવી કળાને બચાવવા મહાકાળી ભવાઈ મંડળ બાળા (નળીયા) ના કલાકારો મથામણ કરી રહ્યા છે.
મહાકાળી ભવાઈ મંડળ બાળા (નળીયા) ના કલાકારો કનુભાઈ,મનહરભાઈ,જીતુભાઈ,વસંતભાઈ,ભરતભાઈ,ખોડુભાઈ વગેરે જુના સંસ્મરણો વાગોળતા કહે છે કે પેલા અમે જ્યારે ભવાઈ ભજવવા ગામડાઓમા જતા ત્યારે અમારુ ઢોલ નગારા લઈને સ્વાગત કરતા હતા અને અત્યારે …!!
વિચરતા સમુદાય સમર્થન મંચ અને સુરેન્દ્રનગર જીલ્લા ભવૈયા સમાજ સંગઠન ના આગેવાન હષઁદ કે.વ્યાસ જણાવે છે કે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ઘણી બધી સંસ્થાઓ ના પ્રયત્નો થી મોરારીબાપુની રામકથામા,દિલ્હી ઓલિમ્પિક થીયેટરમા,સોમનાથ અનુરાધાબેન પૌડવાલ ની હાજરીમા,MTV મા,દુરદર્શન અને વિદેશ મા પણ ભવાઈ ભજવવાનો મોકો મળ્યો છે. પરંતુ સરકાર ને પણ લુપ્ત થતી જતી ભવાઈને બચાવવા પ્રયત્નો કરવા જોઈએ. સરકારની યોજનાઓ જેવી કે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, નશાબંધી, સાક્ષરતા અભિયાન, દહેજ નાબુદી, અંધશ્રદ્ધા નિવારણ, મતદાન જાગૃતિ, કોરોના જાગૃતિ જેવી યોજનાનાં પ્રચાર અને પ્રસારમા ભવાઈ ના માધ્યમથી સંદેશો પહોચાડવામા આવે તો ભવાઈ કલાકારો અને ભવાઈના ભૂંગળ બચી શકે…!!!
મયુર રાવલ હળવદ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here