Home Gujarat અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે.

અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે.

1
0

ગુજરાતમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે. આજે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ભર શિયાળે ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાનના પલટાની અસર અમદાવાદમાં પણ વર્તાઇ છે અને સવારથી અનેક વિસ્તારોમાં એકાએક કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડતા વહેલી સવારે દોડવા જતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી હતી.
આજે વહેલી સવારે અમદાવાદના ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગુરુકૂળ, સેટેલાઈટ, એસજી હાઈવે, ગાંધીનગર, સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં સવારે 4 વાગ્યાથી એકાએક વાતાવરણ પલટાયું હતું અને ત્યારબાદ ધીમેધારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વહેલી સવારે અમદાવાદના વેજલપુર, થલતેજ. એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજીબાજુ રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.
તમને જણાવીએ કે ગુરૂવારે રાજ્યભરના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ. હજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ રાજ્યભરમાં વાતાવરણ પલટાયેલુ રહેશે. અમદાવાદ સહિત રાજ્યભરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી રોડ રસ્તા વરસાદી પાણીથી ભીના થયા હતા.
સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાએ ખેડૂતોની ઊંધ ઉડાવી દીધી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ, અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે. આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
અમરેલીના બગસરામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદથી શાકભાજી પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે.
આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતના અરવલ્લીના મોડાસામાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. કમોસમી વરસાદને પગલે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વરિયાળી, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે જગતના તાતને ફરી એકવાર રોવાનો વારો આવ્યો છે.
બીજી બાજુ અરવલ્લીના મોડાસા શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી હતી. વેસ્ટર્ન ડિસ્ટબન્સના પગલે કમોસમી વરસાદની આગાહી અપાઈ છે. કમોસમી વરસાદને પગલે ખેતી પાકને નુકસાનની ભીંતી સેવાઈ રહી છે.
વડોદરામાં પણ મોડી સાંજે છાંટા પડ્યાં હતાં. વરસાદી માહોલ છવાઈ જતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને પગલે બજારો વહેલા બંધ થઈ ગયા હતા. ત્યારે બીજી બાજુ ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેતરોમાં ઊભા પાકને નુકસાન થાય તેવી શક્યતાઓને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સૌરાષ્ટ્ર સહિત રાજકોટના ધોરાજીમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ગુરુવારે ધોરાજીમાં દિવસભર વાદળિયુ વાતાવરણ રહ્યુ હતું. અને આજે વહેલી સવારે ધોરાજીમાં પહેલા ધીમીધારે બાદમાં પડ્યો ધોધમાર વરસાદ પડ્યો છે. ધોરાજી પંથકમાં માવઠાને કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને સૌરાષ્ટ્રમાં પણ ચણા, ધાણા, જીરુ, લસણ, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે. માવઠાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
મહેસાણાના કડીમાં પણ આજે વહેલી સવારથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મહેસાણા પંથકમાં પણ મોટા પ્રમાણમાં ખેતી થાય છે, જેના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં ઘઉં, ચણા, કપાસના પાકને નુકસાન થયું છે.
દક્ષિણ ગુજરાતના સુરત (Surat)ના વાતાવરણમાં આજે એકાએક પલટો આવ્યો છે. જેમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસ્યો હતો. પાંડેસરા, ઉધના, ભેસ્તાન, ઉના, સચિન સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ભાવનગરના પાલિતાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે. શેત્રુંજી ડેમ, વડાળ, ભંડારિયામાં વરસાદ વરસ્યો છે. માવઠાથી ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો કપાસ, તુવેરના ઉભા પાકને નુકસાન થશે.
જ્યારે રાજુલા, જાફરાબાદમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ટીંબી, ફાચરિયા, લોરમાં વરસાદ થયો છે. વારાસ્વરૂપ, કોવાયામાં ઝરમર વરસાદ વરસ્યો છે. ભાકોદર સહિતના ગામોમાં પણ ઝાપટું પડ્યું હતું. શિયાળુ પાકને નુકસાનની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. ગીર સોમનાથના ઉનામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉના શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ખેતીવાડી અધિકારીએ અપીલ કરી હતી. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની શક્યતાને લઈ ખેડૂતોને પોતાના પાકો માટે સાવચેત રહેવાની અપીલ કરી હતી. કપાસ, રાયડો, એરંડા તેમજ બાગાયતી પાકોની સંભાળ રાખવાની અપીલ કરવામાં આવી હતી. માર્કેટ યાર્ડમાં આવેલા પાકો ગોડાઉનમાં સુરક્ષિત રાખવા વેપારીઓને જણાવ્યું હતું.
તો હળવદમાં વરસાદની આગાહીને પગલે ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ રહી હતી. 12 તારીખ સુધી મગફળી ખરીદી સેન્ટર બંધ રાખવામાં આવ્યા છે. 13 તારીખથી મગફળીની રાબેતા મુજબ ખરીદી ચાલુ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 1500 ખેડુતોને મગફળી વેચાણ માટે બોલાવાયા હતા. જેમાં 600 ખેડુતો પાસેથી ખરીદી કરાઈ હતી. ખેડુતોની મગફળી પલળે નહી તે હેતુથી નિર્ણય લેવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ત્રણ દિવસ સુઘી વરસાદની આગાહી કરી છે અને 12 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે. અલબત્ત ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થાય અને ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય કે ઓમાન તરફ ફંટાઈ જાય એવી પણ શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં આજે એટલે ગુરુવાર રાત્રિથી હવામાનમાં પલટો આવશે અને ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.
દક્ષિણ ગુજરાતમાં 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 10 ડિસેમ્બર બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. ત્યાર બાદ 13 ડિસેમ્બર ને રવિવાર સુધીમાં ગમે ત્યારે આ વિસ્તારમાં માવઠું પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નવસારી-વલસાડમાં જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ગુજરાતમાં વરસાદ પડે તેવી વકી છે.

Previous articleપલમોનોલોજીસ્ટ ડો. તેજસ કકડે જણાવ્યુ કે, કોરોનાની રસી લેવાની ઉતાવળ કરવી જોઇએ નહી,.
Next articleવડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કોવિડ-19 અલગ થી વિગતો જાહેર કરવામાં આવે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here