GUJARAT

ગુજરાતમાં ચોમાસું’તો બેઠું, પરંતુ અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં અષાઢી બીજનું મૂર્હત મેઘરાજાએ સાચવી લીધું છે. ત્યારબાદ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અરવલ્લી, મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદીઓને હજુ પણ ગરમીમાં શેકાવું પડશે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં વરસાદની શક્યતા નહીવત છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરબી સમુદ્રમાં પણ વધુ એક સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. જેની અસર આગામી 2થી 3 દિવસ પછી જોવા મળશે. જેથી આ અઠવાડિયામાં વરસાદી માહોલ રહેશે. આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. જ્યારે આ સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
આજે રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આજે સવારથી અંબાજીમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદથી માર્ગો પર પાણી ભરાયા છે. હાલ પણ અંબાજી ખાતે ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાની માહિતી મળી રહી છે. અંબાજીમાં વરસાદથી ભારે ગરમીથી લોકો હેરાન થઈ ગયા હતા, જેમાંથી હાશકારો મળ્યો છે. અંબાજીમાં મોડીરાતથી અચાનક વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ અવિરત ચાલું રહ્યો હતો. અંબાજીના દરેક રસ્તાઓ પર પાણીથી તરબોડ જોવા મળી રહ્યા છે.

અંબાજી સિવાય મોરબીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં વરસાદ પડતા લોકોને બફારાથી રાહત મળી છે. પવન સાથે મોરબીમાં વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી મોરબી શહેરમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થતા લોકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. અસહ્ય બફારા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જેથી લોકોને ગરમીથી રાહત મળી છે. મોરબીમાં ગઈ કાલે પડેલ ઝાપટા બાદ આજે ફરી મેંઘરાજાની એન્ટ્રી થઈ હતી.

ગુજરાતભરમાં છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, રાજુલામાં દોઢ ઈંચ વરસાદ, મહેમદાવાદ, સાણંદ, ધ્રાંગધ્રા, વાઘોડિયામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 20 તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે.જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. જેની અસર આગામી 2થી 3 દિવસ પછી જોવા મળશે. જેથી આ અઠવાડિયામાં વરસાદી માહોલ રહેશે. આ સાથે છેલ્લા 24 કલાકમાં વીજળી પડતા કારણે બેના મોત નિપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published.