બાંગ્લાદેશમાં લઘુમતી પરિવારોના ઘરોમાં તોડફોડનો બનાવ બન્યો છે. એક અફવાને પગલે ફ્રાન્સને સમર્થન કરતા હોવાનો આરોપ મૂકી લઘુમતીના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. દરમિયાન, ફ્રાન્સ પ્રમુખના વલણ બદલ મુસ્લિમ દેશો તીવ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે યુએઇ ફ્રાન્સના સમર્થનમાં ઊતર્યું છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયેદે ફ્રાન્સના નીસ શહેરમાં આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. બીજી તરફ ઇમરાન ખાનની બયાનબાજી પાકિસ્તાનને ભારે પડી છે. ફ્રાન્સે ૧૮૩ પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દીધા છે.
બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ બાદ અફવા ફેલાઈ
અહેવાલો અનુસાર કોમિલા જિલ્લામાં પૂર્બો ઘૌરના કિંડરગાર્ટન સ્કૂલના હેડમાસ્ટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટની કોમેન્ટમાં મેક્રોંની કાર્યવાહીને વખાણી હતી. આ પોસ્ટને લઇને તરત અફવા ફેલાઇ હતી અને સમગ્ર વિસ્તારમાં ઉશ્કેરાટ પ્રસરી ગયો હતો. અને ઘણા લઘુમતી ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી.
ક્રાઉન પ્રિન્સે ફ્રાન્સ પ્રમુખ સાથે વાત કરી
ફ્રાન્સના નીસ શહેરમાં આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયેદે જણાવ્યું હતું કે આવા પ્રકારના હુમલાઓ શાંતિ, સહિષ્ણુતા અને પ્રેમના પાઠ ભણાવતા તમામ ધર્મોના સિદ્ધાંત અને મૂલ્યોની વિરુદ્ધ છે. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં સાથે ટેલિફોન પર વાત કરી હતી અને આતંકી હુમલાથી પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.