એચ-વનબી વિઝાધારકોના ચોક્કસ કેટેગરીના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેન પ્રોગ્રામને સ્થગિત કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો નિર્ણય હવે ભૂતકાળ બની ગયો છે. અમેરિકામાં એચ-વનબી વિઝાધારકોના અંદાજિત 9 લાખ જીવનસાથી માટે મોટી રાહતના સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ફેબ્રુઆરી 2019માં એચ-વનબી વિઝાધારકોના જીવનસાથીને નોકરીની પરવાનગી આપતા આ પ્રોગ્રામને સ્થગિત કરવાના નક્કર પગલાં લેવાનું શરૂ કર્યું હતું.
તે સમયે કમલા હેરિસે જણાવ્યું હતું કે, આ અત્યંત નકારાત્મક પગલું છે. તેના કારણે અનેક લોકોની કારકિર્દીનો અંત લાવી દેવાની ફરજ પડશે. એચ-વનબી વિઝાધારકોના એચ-4 વિઝા ધરાવતા જીવનસાથીને વર્ક પરમિટથી વંચિત કરવાની અંતિમ સમીક્ષા ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસ દ્વારા ચાલી રહી હતી અને તેનો અમલ હાથવેંતમાં હતો. જો કે સત્તા પર આવતાની સાથે જો બાઈડેન સરકારે આ નિર્ણય અને અમલ પર 60 દિવસનો સ્ટે મૂકી દીધો હતો અને તેને લંબાવી પણ શકાય છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યુરિટીએ વિધિવત રીતે આ પ્રસ્તાવિત નિયમને પાછો ખેંચી લીધો છે.
શું છે એચ-4 વિઝા, કોને મળી શકે?
અમેરિકામાં એચ-વનબી વિઝાધારકના જીવનસાથીને ચોક્કસ કિસ્સામાં એચ-4 વિઝા આપવામાં આવે છે. જો એન-વનબી વિઝાધારક ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં હોય અથવા તો જેણે 6 વર્ષની મર્યાદા પાર કરી લીધી હોય તેમના જીવનસાથી એચ-4 વિઝા માટે અરજી કરી શકે છે. ચોક્કસ વર્ગમાં દાયકાઓથી ચાલી રહેલા ગ્રીન કાર્ડ બેકલોગને કારણે 2015માં ઓબામા સરકારે એચ-4 વિઝા પ્રાણાલી લાગુ કરી હતી.