Home Tech દુનિયાભરમાં અત્યારે ઓનલાઇન ગેમિંગ મોટે પાયે ચાલી રહી છે.

દુનિયાભરમાં અત્યારે ઓનલાઇન ગેમિંગ મોટે પાયે ચાલી રહી છે.

74
0

ભારતે ચીનની કેટલીક એપ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાકે તેને એક પ્રતીકાત્મક પ્રતિબંધ ગણાવ્યો હતો, પરંતુ ઓનલાઇન ગેમિંગનો અંદાજ આવે તો સમજાઇ જાય કે ડ્રેગનની આર્થિક તાકાત ઉપર પગ મૂકીને ભારતે તેને પાઠ ભણાવ્યો છે. દુનિયાભરમાં અત્યારે ઓનલાઇન ગેમિંગ મોટે પાયે ચાલી રહી છે. ડેસ્કટોપ હોય કે મોબાઇલ, નાના હોય કે મોટેરાં સૌ તમને જાતજાતની ગેમ રમતા જોવા મળે છે. એ વાત અલગ છે કે એ ગેમની સાથેસાથે દેશી રમતો નામશેષ થઇ ગઇ છે. શારીરિક અને માનસિક બંને કવાયત કરાવતી દેશી રમતો ક્યાંક રમાય તો એ એક સમાચાર બની જાય છે.
ઓનલાઇન ગેઇમ લોકોને આકર્ષે એટલા માટે છે કે તે એકલા પણ રમી શકાય છે અને રમી જેવી ગેઇમ તો અનેક લોકો સાથે રમી શકાય છે, એ માટે ભેગા થવાની જરૂર નથી. અત્યારની સામાજિક વ્યવસ્થામાં એ રીતે ગેઇમ રમવું વધુ અનુકૂળ છે.
આ ગેઇમ સીધી ઓનલાઇન જ ડાઉનલોડ થઇ શકતી હોય છે, તેથી તે ખરીદવા માટે પણ જવું પડતું નથી. અત્યારની લોકોની ઘરમાં ભરાઇ રહેવાની આદતને બરાબર અનુકૂળ માહોલ આ ગેઇમ પૂરો પાડે છે અને તેથી જ તેની લોકપ્રિયતા વધી ગઇ છે. આ ગેઇમના વ્યાપારમાં સૌથી મોટો હિસ્સો ચીનનો ૪.૨ અબજ ડોલરનો છે, તો બીજા ક્રમે અમેરિકા અને ત્રીજા ક્રમે જાપાન આવે છે. એ બાદ બ્રિટન અને દક્ષિણ કોરિયાનો નંબર આવે છે. જોકે ભારતમાં આ ગેઇમનો વ્યાપાર ઝડપથી વધી રહ્યો છે, પણ એક અબજ ડોલરથી ઓછો છે. એ ઉપરાંત આવકની દૃષ્ટિએ ગેમિંગમાં ટોચના પાંચ દેશોમાં ભારતનો નંબર આવતો નથી.
ભારતમાં પબજીના ૧૭૫૦ લાખ યુઝર ડાઉનલોડ થયા હતા. જોકે તેમાંથી એક્ટિવ યુઝર તો ૭૫૦ લાખની આસપાસ જ છે. એ ખરું કે ચીન કરતાં ભારતમાં પબજી રમનારા વધુ છે, પરંતુ કમાણી ભારતમાં ઓછી થાય છે. તેનું કારણ એ જ કે પૈસા ખર્ચીને ગેઇમ રમનારાઓની સંખ્યા ઘણી ઓછી છે. મફ્તમાં ગેઇમ રમવા મળતી હોય તો ઠીક નહીં તો એ રમ્યા વિના ચાલે.
અત્યારે ભલે ભારતમાં કમાણી ઓછી થાય છે, પરંતુ દુનિયાના બીજા મોટા દેશો કરતાં ભારતમાં ઓનલાઇન ગેઇમ રમનારાઓની સંખ્યા વધુ છે, તેથી ભવિષ્યમાં ભારત ગેમિંગ હબ બની જાય તો નવાઇ પામવા જેવું નહીં હોય. મતલબ કે અત્યારથી જડ નાંખી હોય તો ભવિષ્યમાં ભારતમાં મોટી કમાણીની આશા જરૂર છે, એ સંજોગોમાં અત્યારે ભારતમાંથી ઉચાળા ભરવા ગેમિંગ કંપની માટે ગમે એવું નથી.
દેશમાં ઓનલાઇન ગેઇમ રમનારાઓમાં ૧૪ વર્ષથી ૨૪ વર્ષના યુવાનોની સંખ્યા વધુ છે, પરંતુ પૈસા ખર્ચીને રમવાની વાત આવે તો પૈસા ખર્ચી શકે એવા ૨૫થી ૩૫ વર્ષની વયના લોકો ઓનલાઇન ગેઇમ રમનારા વધુ છે. તમને સવાલ એ થાય કે એક વખત ગેમ ડાઉનલોડ કર્યા બાદ કંપનીને તે કઇ રીતે કમાણી થતી હશે?
ઓનલાઇન ગેમિંગમાં અનેક રીતે કમાણી થાય છે. જોકે મુખ્ય ચાર રીતે કંપની કમાણી કરતી હોય છે. કંપનીની કમાણીના ત્રણ મોડેલ પૈકી એક છે- ફ્રીમિયમ. મતલબ કે બે વખત મફ્તમાં ગેઇમ રમવા મળે અને એ બાદ રમવા માટે પ્રીમિયમ આપવાનું રહે છે. હપ્તે હપ્તે એ ખર્ચ ભરવાનો રહે છે. એ રીતે ગેમિંગ કંપનીને કમાણી થાય છે. કમાણીનું બીજું મોડેલ છે, ગેમિંગ સાથેનો વ્યાપાર. એમાં ગેઇમ મફ્ત હોય, પણ એ ગેઇમ સાથે જોડાયેલાં પાત્રો કે બીજી ચીજોનો ક્રેઝ વધી જાય અને એ થકી થતો બહોળો વ્યાપાર. કોઇ ગેઇમનાં ચશ્માં ખૂબ જ લોકપ્રિય થયાં હોય તો તેનો વેપાર ખૂબ વધી જાય છે અને એ થકી કંપની કમાણી કરી લેતી હોય છે. એ જ રીતે ટી શર્ટ, ટોપી અને પાત્રોની તસવીરવાળાં ટીશર્ટ કે બીજાં કપડાંની માંગ ધૂમ વધી જતી હોય છે અને એ દ્વારા કમાણી થતી હોય છે. આ મોડેલ ઘણું જ લોકપ્રિય થયું છે. ગેઇમ સાથેનાં પાત્રો કે તેની ચીજોની કમાણી ખૂબ જ થતી હોય છે. તેમાં વ્યાપાર અને કમાણી પણ બહોળી થતી હોય છે.
એ ઉપરાંત કમાણીનું ત્રીજું મોડેલ જાહેરાત છે. તમે ઓનલાઇન ગેઇમ રમો એ સાથે કોઇ કંપનીની જાહેરાત જોવા મળે. જાહેરાત આપનારી કંપની ગેમિંગ કંપનીને પૈસા આપતી હોય છે, એ જ રીતે ચોથું મોડેલ ફિલ્મની લોકપ્રિયતાથી ગેમિંગનો પ્રચાર-પ્રસાર વધે તો ઘણી વખત ગેઇમની લોકપ્રિયતાથી ફિલ્મનો પ્રચાર-પ્રસાર પણ વધતો હોય છે. આ રીતે પણ ગેમિંગ કંપનીની કમાણી થતી હોય છે. એમાં વળી લોકડાઉને પણ કંપનીઓને સારી કમાણી કરાવી દીધી હતી. લોકડાઉન પહેલાં દરરોજના એક્ટિવ યુઝર ૧૩૦થી ૧૫૦ લાખ હતા, જે લોકડાઉન દરમ્યાન વધીને ૫૦૦ લાખ થઇ ગયા અને તેને કારણે કમાણી પણ પાંચ ઘણી વધી ગઇ હતી. મતલબ કે ઓનલાઇન ગેમિંગનો વ્યાપાર પણ સતત ફલતો રહે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here