અમદાવાદમાં કર્ફ્યૂ (Ahmedabad curfew)લાગુ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં વાહનોના પૈડા થંભી ગયા છે. જેને લઇને મુસાફરોનો સૌથી મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur railway station)પર આવતા મુસાફરો અટવાયા હતા. જોકે, મુસાફરો માટે AMTS બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલવે મુસાફરો માટે ખાસ એએમટીએસની (AMTS)વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી રહેલા મુસાફરો આજે સવારથી જ પરેશાન થયા છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી પદયાત્રા કરવા મુસાફરો મજબૂર બન્યા છે. હાથમાં સામાન, માથા પર બેગ અને પરિવાર સાથે લોકો માર્ગો પર ચાલતા નજરે પડ્યા. લોકડાઉન સમયે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે રીતે લોકો ચાલતા જવા મજબૂર બન્યા હતા, તે દ્રશ્યો ફરી અમદાવાદમાં જોવા મળ્યા. પોતાના ઘર સુધી પહોંચવા, સવારી મેળવવા લોકો અમદાવાદથી બહાર નીકળવા ચાલતા માર્ગો પર નીકળતા જોવા મળ્યા હતા.
રેલવે સ્ટેશન પર યાત્રીઓની ભીડ જોવા મળી. હજારોની સંખ્યામાં યાત્રીઓ અમદાવાદ રેલવે સ્ટેશન બહાર ઉભા છે. રેલવે યાત્રીઓ માટે એ.એમ.ટી.એસ. બસની સુવિધા શરૂ કરી છે. લોકોને એમના ઘર સુધી પહોંચાડવા માટે 150 એએમટીએસની બસો શરૂ કરાઈ છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. બસોમા લોકો પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાઈ રહ્યું નથી.