Home Gujarat પવિત્ર અષાઢી બીજે ભરૂચને મળ્યું ‘નર્મદામૈયા પુલ’ના રૂપે નવલું નજરાણું

પવિત્ર અષાઢી બીજે ભરૂચને મળ્યું ‘નર્મદામૈયા પુલ’ના રૂપે નવલું નજરાણું

17
0

માત્ર ભાષણો અને વાતોથી નહીં, પણ કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. કોરોનાકાળમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગે ૨૦ હજાર કરોડના વિકાસકામો કર્યા ભરૂચ,અંકલેશ્વરના હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો, ફોટાઓ, સમાચારપત્રો-ટીવીમાં ચમકતા, છતાં ભૂતકાળની સરકારના પેટનું પાણી ન હલતું.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈના ભરોસે ન રહેતા, સ્વનિર્ભર બની બ્રિજ બનાવવાનું બીડું ઉઠાવ્યું હતું. નર્મદા તીરે હોવાં છતાં ભરૂચ ભૂતકાળમાં પાણી વિના તરસ્યું રહેતું, આવા વિકટ દિવસો હવે ભૂતકાળ થયા-નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલ.
ભરૂચ- અંકલેશ્વર રસ્તા પર નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત ફોર લેન ‘નર્મદામૈયા પુલ’ને ખૂલ્લો મૂકતા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ
‘એલિવેટેડ કોરિડોર’નું પણ કરાયું લોકાર્પણ: ભરૂચ-અંકલેશ્વર-ઓ.એન.જી.સી રસ્તા પર રૂ.૧૪.૫૦ કરોડના ખર્ચે ત્રણ માર્ગીય બોક્ષ ક્લવર્ટ સહિત રૂા.રરર કરોડના ખર્ચે નિર્મિત થનાર રસ્તાના કામોનું ખાતમુહુર્ત
અમૂલ્ય વિરાસત સમા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની યાદગીરીને જીવંત રખાશે:

‘માત્ર ભાષણો અને વાતોથી નહીં, પણ કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે, ભરૂચનો નર્મદામૈયા બ્રિજ એનું જીવંત ઉદાહરણ છે’ એમ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ-અંકલેશ્વર રોડ અને નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય ‘નર્મદામૈયા પુલ’ તેમજ એલિવેટેડ કોરીડોર’ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અષાઢી બીજના પવિત્ર દિને ભરૂચ અને અંકલેશ્વરના નાગરિકો સહિત લાખો વાહનચાલકોને ‘નર્મદામૈયા પુલ’ના રૂપે નવલું નજરાણું મળ્યું છે, સાથોસાથ ભરૂચ-અંકલેશ્વર-ઓ.એન.જી.સી રસ્તા પર રૂ.૧૪.૫૦ કરોડના ખર્ચે બનનાર ત્રણ માર્ગીય બોક્ષ ક્લવર્ટના કામની તકતીના અનાવરણ સહિત જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂા.રરર કરોડના ખર્ચે ગ્રામ્ય માર્ગો અને રાજ્ય માર્ગોના કામોનું પણ તેમણે ખાતમુહુર્ત કરી ભરૂચ શહેર અને જિલ્લાના પ્રજાજનોને માતબર વિકાસકાર્યોની ભેટ ધરી હતી.


ભરૂચના કે.જે.પોલિટેકનીક કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગે ૨૦ હજાર કરોડના વિકાસકામો કર્યા છે. ૨૦૧૦ના દાયકાની શરૂઆતમાં કેન્દ્ર સરકારને ભરૂચમાં નર્મદા નદી અને નેશનલ હાઈવે પર નવો બ્રિજ બનાવવાની અવારનવાર સતત રજૂઆત કરી એમ જણાવી એ અરસાને યાદ કરતા શ્રી પટેલે કહ્યું કે ભરૂચ,અંકલેશ્વરના હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો, ફોટાઓ સમાચારપત્રો-ટીવીમાં ચમકતા, છતાં ભૂતકાળની સરકારના પેટનું પાણી ન હલતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયની કેન્દ્ર સરકારના ભરોસે બેસી ન રહેતા, સ્વનિર્ભર બની બ્રિજ બનાવવાનું બીડું ઉઠાવ્યું હતું, ગોલ્ડન બ્રિજની સમાંતરે જ નવો બ્રિજ બનાવવાનું વિચારબીજ રોપાયું અને આજે આ મહત્વાકાંક્ષી બ્રિજ સાકાર થયો છે. આ બ્રિજ બનવાના કારણે સુરતથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર જતા લાખો વાહનચાલકો, અંકલેશ્વરથી ભરૂચ અપડાઉન કરતાં લોકો માટે આશિર્વાદરૂપ બનશે એમ ગર્વથી જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભરૂચને થતા અન્યાયનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભરૂચ શહેર અને નર્મદા નદી એકબીજાના પર્યાય ગણાય છે, નર્મદા તીરે હોવાં છતાં ભરૂચ ભૂતકાળમાં પાણી વિના તરસ્યું રહેતું, દરિયાનું ખારું પાણી ભરૂચના નસીબમાં આવતું. અનેક પાણી પુરવઠા યોજનાના લાભ મળતા હવે આવા વિકટ દિવસો હવે ભૂતકાળ થયા છે. ભાડભૂત બેરેજ યોજનામાં માછીમારોને દરિયામાંથી બેરેજના મીઠા પાણીના સરોવરમાં જવા માટે અલાયદી ચેનલ ઊભી કરી છે. જેથી મત્સ્ય ઉદ્યોગને પણ પરેશાની રહેશે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાળવેલી મેડિકલ કોલેજ કાર્યરત થઈ ગઈ હોવાનું અને ભરૂચ શહેર જિલ્લાના લોકો સુધી વિકાસના ફળો પહોંચે એ આ સરકારની નેમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી નિભાવી એ દિવસોને વાગોળતાં જણાવ્યું કે ભરૂચ સાથે હું દિલથી જોડાયો છું. ભરૂચ પ્રત્યેના પ્રેમ અને રાજ્યના વિકાસમાં ભરૂચના આગવા યોગદાનના કારણે આ જિલ્લો મારો પ્રિય બન્યો છે એમ જણાવી ઉમેર્યું કે, જંબુસરથી દહેજ સુધીના માર્ગને ૬૦ કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવશે. ભરૂચના ગામડાઓના રસ્તાઓ પણ રૂ.૨૨૨ કરોડના માતબર ખર્ચથી નિર્માણ તેમજ નવીનીકરણ પામશે.


શ્રી નિતીનભાઈએ પવિત્ર અષાઢી બીજના દિવસે પ્રાર્થના કરી નર્મદા મૈયા અને ભગવાન જગન્નાથજીની કૃપા રાજ્યના પ્રજાજનો પર અવિરત વરસતી રહે એવી પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું, જે આજે વાહનવ્યવહાર માટે ખૂલ્લો મૂકાયો એ આ વિસ્તારની જનતા માટે ગૌરવભરી ક્ષણ છે. પૂલના નિર્માણથી સમય, ઈંધણ અને નાણાંની મોટી બચત થશે.
શ્રી પટેલે રૂ.૪૩૫૦ કરોડના ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી પાણીની વિપુલ ઉપલબ્ધી સાથે ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે એમ જણાવી આ પ્રકારના અનેક વિકાસકામોથી રાજ્ય સરકારે પ્રજાની સુખસુવિધામાં વધારો કર્યો હોવાનું ઉમેર્યું હતું.
સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ અંકલેશ્વરથી રાજપીપલાને જોડતાં માર્ગને રૂ.૧૦૦ કરોડના ખર્ચે ફોરલેન બનાવવાની સરકારની મંજૂરી મળી હોવાનું જણાવતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે અદ્યતન બ્રિજ બનવાની ખુશી વ્યક્ત કરી આ વિસ્તારની જનતાની વર્ષો જૂની માંગણી સંતોષાઈ હોવાનું ગર્વથી કહ્યું હતું.
ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી બ્રિજ સાકાર થવાથી પ્રજાના પ્રતિનિધિના રૂપમાં પોતાની પાસે આભાર વ્યક્ત કરવા શબ્દો ન હોવાનું જણાવ્યું હતું. તેમણે આ માર્ગ પર શાળા કોલેજો મોટી સંખ્યામાં હોવાથી અકસ્માત થવાના બનાવોને રોકવા બ્રિજની લંબાઈ વધારવા રજુઆત કરી હતી, જેને નાયબ મુખ્યમંત્રીશ્રીએ તુરંત જ મંજૂર કરી વધુ રૂ. ૮૦ કરોડની ફાળવણી કરીને સંવેદનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું.ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી નવા બ્રિજની ભેટ આપવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.


આનંદના આ અવસરે ભરૂચ, અંકલેશ્વર, દહેજ, વાગરા સહિતના વિસ્તારોના વિવિધ GIDC એસોસિએશનો, હોટેલ એસો., રોટરી કલબ સહિતની સંસ્થાઓએ નાયબ મુખ્યમંત્રીશ્રીનું ફુલહાર, મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
કાર્યક્રમ સ્થળે પરંપરાગત આદિવાસી નૃત્યોથી નાયબ મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાથી સ્વાગત કરાયું હતું. સમારોહમાં ભૂદેવોએ નર્મદાષ્ટકનું સુમધુર ગાન કર્યું હતું. કાર્યક્રમના અંતે માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ શ્રી સંદિપભાઈ વસાવાએ આભારવિધિ આટોપી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ ચૌધરી, જિલ્લા પોલિસ વડાશ્રી રાજેન્દ્રસિંહચુડાસમા, પૂર્વ સાંસદશ્રી ભરતસિંહ પરમાર, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરિયા, જનકભાઈ બગદાણાવાળા,લધુ ભારતીશ્રી બળદેવભાઇ પ્રજાપતિ સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આગેવાન પદાધિકારીઓ, અન્ય અધિકારીગણ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોલ્ડન બ્રિજની સમાંતર નવા નર્મદામૈયા બ્રિજના નિર્માણથી ટ્રાફિક સમસ્યાથી લાખો વાહનચાલકોને મુક્તિ મળશે
ભરૂચ શહેરની બાજુમાંથી વહેતી નર્મદા નદી પર હાલમાં વર્ષ ૧૮૮રની સાલમાં અંગ્રેજોના શાસનમાં નિર્મિત ગોલ્ડનબ્રિજ શહેરની આગવી ઓળખ છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા અન્ય સરદારબ્રિજ,વર્ષ-ર૦૧૭માં નિર્મિત કેબલ સ્ટેયડ બ્રિજ, રેલ્વે લાઈન બ્રિજ આમ કુલ ચાર બ્રિજ આવ્યા છે. ભરૂચના સામેના છેડે એશિયા ખંડની સૌથી મોટી જીઆઈડીસી આવી છે. અંકલેશ્વર જવા આવવા માટે આ બ્રિજો પર અત્યંત ટ્રાફિક રહે છે. આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની સમાંતર નવો ફોર લેન પુલ બનાવાયો છે. આ બ્રિજના કાર્યરત થતા ટ્રાફિક સમસ્યાથી લાખો વાહનચાલકોને મુક્તિ મળશે, સાથે દહેજ અને અંકલેશ્વર જીઆઇડીસી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાશે. અંકલેશ્વર અને ભરૂચની અનુક્રમે અંદાજિત ૩,૧પ,પ૯૬ અને ૪,પર,પ૧૭ વસ્તીને યાતયાતનો સીધો લાભ થશે.
નવનિર્મિત નર્મદામૈયા પુલની વિશેષતા
નર્મદામૈયા પુલમાં ૫૮.૫૦ મીટરના ૨૫ સ્પાન બંને બાજુ ૧.૫૦ મીટરના ફૂટપાથ તેમજ અંકલેશ્વર તરફના એપ્રોચ પર ૧૭૦૦ મીટર લાંબી રેઈનફોર્સેડ દિવાલ બનાવવામાં આવી છે. ચાર માર્ગીય પુલની લંબાઇ ૧૪૬ર મીટર તથા ર૦.૮૦ મીટર પહોળાઇ , એપ્રોચની લંબાઇ – ર૧૩૧ મીટર, એલિવેટેડ કોરિડોરની લંબાઇ/પહોળાઇ- ૧૪૦૭ મીટરનો ૧૭.ર૦ મીટર પહોળાઇ ચાર માર્ગીય કોરીડોર, જયારે રેમ્પમાં અપ રેમ્પ – ર૪૦ મીટર ( શીતલ ગેસ્ટ હાઉસ પાસે ), ડાઉન રેપ- ર૬૮ મીટર ( રેલ્વે સ્ટેશન પાસે ) સુપર સ્ટ્રકચર- ફીશ બેલી શેપ પી.એસ.સી બોકસ ગર્ડર, સર્વિસ રોડ – ૧પપ૦ મીટર લંબાઇ તથા ૭.૦૦ મીટર પહોળાઇ અને એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ – રર૮ નંગ નાખવામાં આવી છે.
રૂા.રરર કરોડના ખર્ચે નિર્માણ પામનાર માર્ગો, બોક્ષ કલવર્ટથી યાતાયાતની સુવિધામાં થશે વધારો
ભરૂચ જિલ્લામાં જૂના નેશનલ હાઈવે નં. ૮ના ૧૯૮ થી ૧૯૯ કિમી વચ્ચે આવેલ ૪૦ વર્ષ જુના ઓ.એન.જી.સી. બ્રિજ ભરૂચ, અંકલેશ્વર, ટ્વીન સિટી તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ને જોડતો અગત્યનો બ્રિજ છે. પરંતુ આ બ્રિજને કારણે ટ્રાફિકનું ભારણ તથા બોટલ નેક જેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. નવા ૩ માર્ગીય ૨ આર.સી.સી. ટ્વીન બોક્સ સેલ બનતા સરળતાથી ટ્રાફિક પસાર થશે, જેના કારણે સમય અને ઈંધણમાં બચત થશે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleરોટરેક્ટ કલબ નર્મદા નગરી અને ગોલ્ડન ભરૂચ ડોટ કોમના સંયુક્ત ઉપક્રમે ઓપન માઇક 360 કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું
Next articleનાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ચાર એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here