Home Kheda (Anand) પેટલાદ નગરપાલિકાના સ્વચ્છતાના સાધનો ભંગારમાં ફેરવાયા-પાલિકાના સત્તાધીશો તેમજ કર્મચારીઓની બેદરકારી સામે આવી

પેટલાદ નગરપાલિકાના સ્વચ્છતાના સાધનો ભંગારમાં ફેરવાયા-પાલિકાના સત્તાધીશો તેમજ કર્મચારીઓની બેદરકારી સામે આવી

67
0

પેટલાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 11 માસ અગાઉ યોજાઇ હતી જેમાં નગરજનોએ ભાજપને ખોબે ખોબે મત આપી સ્પષ્ટ બહુમતી આપતા સત્તા સ્થાને બેસાડ્યા હતા જ્યારે પાલિકાના વર્તમાન સત્તાધિશો દ્વારા પ્રજાની સુખાકારી, વિકાસ કાર્યો, સાફ-સફાઈ તેમજ શહેરમાં સ્વચ્છતા ન જળવાતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.


પેટલાદ નગરપાલિકાને સ્વચ્છતા મિશન અંતર્ગત સરકાર કરોડોની ગ્રાન્ટ આપતી હોવા છતાં સફાઈના નામે સત્તાધીશોની ઉદાસીનતા જોવા મળી રહી છે. સ્વચ્છતાના આગ્રહી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતની ઝુંબેશ ઉપાડી હતી પરંતુ પેટલાદ પાલિકા સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડતી હોય તેમ દેખાઈ રહ્યું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત પેટલાદ નગરપાલિકામાં સ્વચ્છ અભિયાન હેઠળ સફાઈ અને ડોર ટુ ડોર કચરો એકત્રીત કરવા પાલિકા તંત્ર દ્વારા સરકારી ગ્રાન્ટ અને પ્રજાના ટેક્સના પૈસાથી વસાવેલ સ્વચ્છતાના સાધનોની સાર સંભાળ ન રાખવામાં આવતા મોટાભાગના સાધનો બંધ હાલતમાં ફેરવાઈ ગયા છે અને બંધ હાલતમાં જોવા મળે છે.


પેટલાદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સામાન્ય નાગરિકની સુવિધા માટે વસાવવામાં આવેલા સાધનોની જાળવણી પણ રાખી શકતા નથી. સ્વચ્છતાની વાતો કરતા ભાજપના નેતાઓ પોતાની ભાજપ શાસિત નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા સહિત અનેક કામ માટે વસાવવામાં આવેલા સાધનોમાં ટેમ્પી, ટ્રેક્ટર, જેસીબી, ફાયર ફાઈટર, કચરા પેટીઓ સહી સાધનો આપવામાં આવ્યા હતા પરંતુ સત્તાધીશોના ગેરવહીવટ અને બેદરકારીના કારણે આ બધું ભંગાર હાલતમાં જોવા મળે છે ત્યારે શહેરીજનોમાં ચર્ચાતી વાતો મુજબ પેટલાદ પાલિકામાં ભાજપના સત્તાધીશો વહીવટ બાબતે નિષ્ફળ નીવડયા છે.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યમાં પ્રથમ નંબર મેળવનાર પેટલાદ નગરપાલિકા ૫૧મા નંબરે ધકેલાઈ

પ્રથમ નંબર મેળવનાર રાજ્યની એકમાત્ર પેટલાદ નગરપાલિકા ૫૧ માં ક્રમે જતી રહી છે ત્યારે પાલિકા દ્વારા લોકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે સ્વચ્છતા અંગે યોગ્ય પગલાં લેવાય તેવી નગરજનોની માંગ છે.

તસવીર : વિપુલ સોલંકી પેટલાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here