સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓ ને ગાઈડની કનડગતનો સિલસિલો યથાવત છે. મનોવિજ્ઞાન વિષયની વિદ્યાર્થિનીએ ગાઈડથી કંટાળી એસ.સી.-એસ.ટી. સેલના નેશનલ કમીશનમાં રજૂઆત કરતા આ મામલે યુનિવર્સિટીના પી.જી. વિભાગ પાસે ખુલાસો મંગાયો છે.
મનોવિજ્ઞાનની પીએચ.ડી.ની વિદ્યાર્થિની ધાની ચાવડાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ ગાઈડ ક્રિષ્નાબેન વાઘેલાના માર્ગદર્શનમાં 4 ચેપ્ટર પૂર્ણ થયા બાદ તેમનું નિધન થતા નવા ગાઈડ જયેશ ભાલાળા ફળવાયા. જોકે તેઓ સહકાર આપતા નથી. ફેન કરી બોલાવે અને પછી કોલેજ પર હોય જ નહી. જ્ઞાતિ વિરોધી અપશબ્દો બોલતા. જેથી એક પણ આર.એ.સી. થઇ શકી નથી. જે મામલે ઉપકુલપતિને અરજી આપી તો મને ગાઈડે રજીસ્ટ્રેશન કેન્સલ કરાવવાની ધમકી આપી. દરમિયાન આર.એ.સી. (રીસર્ચ એડવાઈઝરી કમિટી) ના અધ્યક્ષ જયેન્દ્ર જાકાસણીયાએ પી.જી. વિભાગને પીએચ.ડી. રજીસ્ટ્રેશન કેન્સલ કરવા માટેની ભલામણ કરી.
ગર્ભવતી હોવા છતાં યુનિવર્સિટી પર ધક્કા ખાઈ પરેશાની ભોગવવી પડતી હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો હતો. જે બાબતે હાલ એસ.સી.એસ.ટી. સેલના નાયબ કુલસચિવે પી.જી.ટી.આર. વિભાગના નાયબ કુલસચિવને લેખિતમાં રજૂઆત કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવા જણાવ્યું છે.