લદ્દાખમાં ચાલી રહેલી ‘કરો યા મરો’ની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીનને મોટો સંદેશ આપતા અચાનક સીધા અગ્રિમ મોરચા પર પહોંચ્યા છે. પીએમ મોદી આજે વહેલી સવારે લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂ બેઝ પર પહોંચ્યા છે. તેમણે સેના અને આઈટીબીપીનાં જવાનોની સાથે મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો. આ દરમિયાન પીએમ મોદીની સાથે સીડીએસ બિપિન રાવત અને સેના પ્રમુખ પણ હાજર હતા. તણાવની વચ્ચે વડાપ્રધાને પોતાના આ પ્રવાસથી ચીનને એ જણાવી દીધું કે તે ખુદ વાસ્તવિક નિયંત્રણ રેખાની રક્ષા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
ભારતની સામે ચીનની દાળ ગળવાની નથી
પીએમ મોદીએ પોતાના આ પ્રવાસની સાથે જ ચીનને સખ્ત સંદેશ આપી દીધો છે કે તે ચીની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વડાપ્રધાન મોદીએ એ પણ સંદેશ આપી દીધો છે કે ચીનની ઈંચ-ઈંચ આગળ વધવાની ચાલ સાઉથ ચાઇના સીમાં ચાલશે, પરંતુ ભારતની સામે તેની દાળ ગળવાની નથી. ભારત ચીનને પાછળ ધકેલવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
Earlier visuals of Prime Minister Narendra Modi's arrival in Ladakh, he was later briefed by senior officials in Nimmoo. pic.twitter.com/fDO6qvpMcM
— ANI (@ANI) July 3, 2020
સેનાએ લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે
તેમણે ચીનને એ પણ જણાવી દીધું કે ડ્રેગન જ્યાં પોતાના સૈનિકોની સંખ્યા છુપાવી રહ્યું છે, ત્યાં સંકટનાં આ સમયમાં સેનાની સાથે ના ફક્ત તેઓ પરંતુ આખો દેશ ઉભો છે. પીએમ મોદીએ જવાનોને એ પણ સંદેશ આપ્યો કે ચીનની સાથે ચાલી રહેલો તણાવ લાંબો ચાલી શકે છે અને તેમણે લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે. વડાપ્રધાને ચીનને એ પણ જણાવી દીધું છે કે તેઓ ડ્રેગન સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ કોઈપણ આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
ચીનને ખદેડવા માટે ભારત દ્રઢ સંકલ્પબદ્ધ છે
રક્ષા મુદ્દાઓનાં નિષ્ણાત બ્રહ્મા ચેલાનીનું કહેવું છે કે લદ્દાખ જઇને વડાપ્રધાને સારું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, “પીએમ મોદીએ લદ્દાખનાં મોરચે જઇને સારું કર્યું. આ યાત્રા દ્વારા ભારતે ચીનને એ સંદેશ આપ્યો છે કે તે ચીનને પાછું ખદેડવા માટે દ્રઢ રીતે તૈયાર છે.” ઉલ્લેખનીય છે 5 મેનાં બંને દેશોની સેના વચ્ચે ઘર્ષણ બાદ આ કોઈ મોટા નેતાનો પહેલો લદ્દાખ પ્રવાસ છે. તાજેતરમાં જ સેના પ્રમુખ જનરલ નરવણે લદ્દાખનાં પ્રવાસેથી પરત આવ્યા છે.
