સાવરકુંડલાના લુવારા ગામેથી 32 ગુનાનો ખુંખાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અશોક બોરીચા (ઉં.વ.31)ને (Ashok Boricha) LCB અને SOGએ દબોચી લીધો છે. હથિયારોના સોદાગર તેમજ ગુજસીટોક સહિત 18 ગુનામાં આરોપી વોન્ટેડ હતો. પકડવા ગયેલ પોલીસ અને આરોપી વચ્ચે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે ફોરવ્હીલ અને હથિયારો મોબાઈલ વગેરે મુદામાલ પણ કબ્જે કર્યો છે.
અમરેલીના SP નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસે ગુજસીટોક ( GUJCToc ) હથિયાર સહિતના 18 ગુનાઓના ખુંખાર આરોપી અશોક બોરીચાને ઝડપી પાડવા દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ પકડથી બચવા માટે બોરીચાએ પોલીસ પર પોતાની પાસે રહેલ વિદેશી પિસ્તોલથી 2 રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું. તો સામે પક્ષે પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.
જીવના જોખમે પોલીસે ખુંખાર આરોપી અશોક બોરીચાને ઝડપી લીધો હતો. અને તેની પાસેથી જીવલેણ હથિયારો જેમાં અમેરિકામાં બનેલી પિસ્તોલ, એક દેશી પિસ્તોલ, 2 દેશી તમંચા, કાર્ટિસ સહિતના હથિયારો કબ્જે કરેલ છે. આ ઉપરાંત પોલીસે ફોર્ચ્યુનર કાર સહિત મોબાઈલ પણ જપ્ત કર્યો છે. પોલીસે કુલ 10,40,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલ આરોપી અશોક જૈતાભાઇ બોરીચા કુલ 18 ગુનાઓમાં વોન્ટેડ હતો. તે અમરેલી જિલ્લાનો લિસ્ટેડ હિસ્ટ્રીશીટર તેમજ પ્રોહી બુટલેગર છે. તેના વિરૂધ્ધમાં ખૂનના ગુના-2 , ખૂનની કોશિશના ગુના- 2, મારામારીના ગુના- 1, હથિયાર ધારાના ગુના, ગુજસીટોકનો ગુનો-1, ધાર્મિક લાગણી દુભાવવાના ગુના-1, બળજબરીથી મિલકત કઢાવી લેવાના ગુના સહિત કુલ 32 ગુનાઓ નોંધાયેલ છે. નાસતા ફરતાં આરોપીને કોર્ટે ભાગેડૂ જાહેર કર્યો હતો.