ડાકોર
ડાકોરમાં નવીન શાક માર્કેટ લોકાર્પણ દરમ્યાન ડાકોર પાલિકાના ભ્રષ્ટ વહીવટ અને પાલિકા સત્તાધીશોના ભ્રષ્ટાચારી આચરણની પોલ ખોલતી રજુઆત સાંસદને કરવામાં આવી છે. જેમાં પાલિકાની રહેમ નજર હેઠળ જ શાકમાર્કેટ પાસે ગેરકાયદે બિલ્ડીંગ ઉભુ થયું છે. ડાકોર પાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખોલતા આવેદનપત્રમાં પ્રણવ શાહે જણાવ્યું છે કે, ડાકોરના શહિદ પોળ વિસ્તારને અડીને આવેલા વલ્લભ નિવાસ ધર્મશાળામાં ચેરીટી કમિશનરની મંજુરી વગર પાલિકામાંથી શોપીંગ સેન્ટર બાંધવાની મંજૂરી માટે અરજ કરી હતી. જે સંદર્ભે પાલિકાના તત્કાલીન પ્રમુખ તથા ચીફઓફીસર દ્વારા કોઇજ કાગળોની ખરાઇ કે પૂર્તતા કર્યા વગર આ મંજૂરી ગેરકાયદેસર રીતે આપી હોવાનો આક્ષેપ કર્યો છે.
આરટીઆઈમાં સમગ્ર ભ્રષ્ટાચાર ઉજાગર થયો
વિવાદિત બાંધકામ કરનાર ઇસમના ભત્રીજાની વહુ સદસ્ય હોવાથી તેઓના દબાણમાં નિયત તારીખ વિત્યાં બાદ અને બાંધકામ પૂર્ણ થઇ ગયા બાદ બાંધકામની ફી વસુલી મિલ્કત નંબર પાડવામાં આવ્યો છે. આ અંગે આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો. વિવાદિત બાંધકામ કરી દિધા પછી રાજકીય ઓથ હેઠળ ઓટલો બાંધી શાક માર્કેટની સરકારી જમીન ઉપર પણ દબાણ કર્યું છે.> પ્રણવ શાહ, ડાકોર.