South-Gujarat

ગ્રામ્ય વિસ્તારની ઉભરતી પ્રતિભા એવા લીમોદરાનાં પ્રિન્સ પટેલે શાનદાર સદી વીંઝી

ઓલપાડ તાલુકાના વડોલી ગામની પ્રાથમિક શાળામાં કેન્દ્રશિક્ષક તરીકે ફરજ બજાવતા પરેશભાઈ પટેલ ( માજી ક્રિકેટર, સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમ ) નાં પુત્ર પ્રિન્સ પટેલે ઝંઝાવાતી બેટિંગ દ્વારા મેદાન ઉપર આઈ.પી.એલ નું દ્રશ્ય ખડુ કર્યું હતું.

અત્રે સાયણ બજાર ઇલેવન, સાયણ અને નિકેત ઇલેવન, શેખપુર વચ્ચે 30-30 ઓવરની મેચ રમાઇ હતી. સાયણ બજાર ઇલેવને ટોસ જીતી પ્રથમ દાવ લેતા 30 ઓવરમાં 4 વિકેટે 241 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. જેમાં સાયણ બજાર ઇલેવન તરફથી રમતા પ્રિન્સ પટેલે 79 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર સદી ફટકારી હતી. રનનો પીછો કરતાં નિકેત ઇલેવન 20 ઓવરમાં 114 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આમ સાયણ બજાર ઇલેવને આ મેચ 127 રનથી જીતી લીધી હતી.

સદર મેચમાં પ્રિન્સ પટેલને પ્લેયર ઓફ ધી મેચ તથા બેસ્ટ બેટ્સમેન જાહેર કરવામાં આવ્યો હતો. ખૂબ જ ધૈર્ય અને આત્મવિશ્વાસથી કોઈપણ કોચ વગર છેલ્લા 10 વર્ષથી જાતમહેનતે ફિટનેસ જાળવણી તથા નિયમિત નેટ પ્રેક્ટિસથી ક્રિકેટ ક્ષેત્રે ઉભરી રહેલ પ્રતિભા એવા લીમોદરા ગામનાં મૂળવતની પ્રિન્સ પટેલને ઉત્તરોઉત્તર પ્રગતિના સોપાનો પાર કરવાની સાયણ તથા લીમોદરા ગામનાં મિત્રમંડળે શુભેચ્છા પાઠવી હતી.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત

Leave a Reply

Your email address will not be published.