શિયાળુ વાવેતરમાં નવો વિક્રમ રચાયો છે. ગયા સપ્તાહમાં ૨.૯૬ લાખ હેક્ટરના ઉમેરા સાથે ચાલુ સિઝનમાં કુલ ૪૨.૮૫ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ વાવેતર થઈ ચૂક્યું છે. રાજ્યમાં પ્રથવાર ખરીફ્ સિઝન હેઠળ જોવા મળતાં સરેરાશ ૮૫ લાખ હેક્ટર વિસ્તારના ૫૦ ટકા વિસ્તારમાં રવી વાવેતર નોંધાયું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વ્યાપક લેટ રેઇનને કારણે આ સંભવ બન્યું છે. ખેડૂતો પણ પાણીની સગવડને કારણે રવી વાવેતરમાં રસ લેતાં થયાં છે.
રાજ્ય કૃષિ નિયામકની કચેરીના આંકડા મુજબ ૨૧ ડિસેમ્બરે પૂરા થતાં સપ્તાહ દરમિયાન રાજ્યમાં ચાલુ શિયાળુ સિઝનમાં ૨૫ ટકા ઊંચું વાવેતર નોંધાયું છે અને તે ત્રણ વર્ષની ૩૪.૩૮ લાખ હેક્ટરની સરેરાશ સામે ૪૨.૮૫ લાખ હેક્ટર રહ્યું છે. બે વર્ષ અગાઉ માત્ર ૨૮ લાખ હેક્ટરમાં રવી વાવેતર જોવા મળ્યું હતું. કુલ વાવેતરમાં હંમેશની જેમ ઘઉંનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે. ગયા સપ્તાહમાં ૧.૩ લાખ હેક્ટરમાં વધુ વાવેતર સાથે તે ૧૨. ૫૩ લાખ હેક્ટરમાં જોવા મળ્યું હતું. જ્યારે ચણા હેઠળના વિસ્તારમાં વધુ ૩૫ હજાર હેક્ટર વિસ્તારની વૃદ્ધિ જોવા મળી હતી અને તે ૭.૮૨ લાખ હેક્ટર પર પહોંચ્યો હતો. જે ત્રણ વર્ષની ૨.૯૨ લાખ હેક્ટરની સરેરાશ સામે ૧૬૮ ટકા વૃદ્ધિ દર્શાવે છે. આૃર્યની વાત એ છે કે ઘઉં અને ચણાના વાવેતર વચ્ચે માત્ર ૩.૭ લાખ હેક્ટરનો ગાળો રહ્યો છે. આમ ચણાએ ચાલુ સિઝનમાં ઘઉં સામે તીવ્ર સ્પર્ધા દર્શાવી છે. જો ખેડૂતો ચણા તરફ્ વળ્યાં ના હોત તો ઘઉં અને રાયડાનું વિક્રમી વાવેતર જોવા મળ્યું હોત. જોકે ચણાના ભાવ અને જમીનમાં ભેજને જોતાં તેમણે ચણા પર પસંદગી ઉતારી હતી.
કૃષિ નિયામક કચેરીના અધિકારી જણાવે છે કે જો ચણાના ભાવ સારા મળ્યાં તો ચાલુ વર્ષે જોવા મળેલી સ્થિતિ સ્થાયી ટ્રેન્ડ બની શકે છે. કેમકે ચણા એક મહત્ત્વનો પાક છે અને કઠોળ પાક હોવાના કારણે તેના વાવેતરને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જેને કારણે છેલ્લા કેટલાંક વર્ષોથી કઠોળમાં આયાત પરની નિર્ભરતા દૂર થઈ છે. જોકે ઊંચા પાકને જોતાં ભાવનું સરકાર નિર્ધારિત ટેકાના લઘુતમ ભાવે ટકી રહેવું એક કોયડા સમાન છે. જો ભાવ એમએસપીની નીચે જશે તો ચાલુ વર્ષે સરકારે ચણાની ખરીદી માટે મોટું ઓપરેશન હાથ ધરવું પડશે. કેમકે દેશભરમાં ચણાનું વાવેતર ૪૦ ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. એક અંદાજ મુજબ તે ૧.૪ કરોડ હેક્ટરને પાર કરી જાય તેવી શક્યતા છે. જેમાં મધ્યપ્રદેશમાં જ ૪૦ ટકા વાવેતર જોવા મળશે.
વર્તમાન રવી સિઝનમાં દરેક પાકનું વાવેતર વધ્યું છે. ગઈ સિઝનમાં નીચા ભાવ મળ્યાં હોવા છતાં જીરુંનું વાવેતર ઊંચું જોવા મળે છે. અંતિમ ત્રણ વર્ષની ૪.૦૬ લાખ હેક્ટરની સરેરાશ સામે તે ૪.૬૧ લાખ હેક્ટરમાં થઈ ચૂક્યું છે. ધાણાનું વાવેતર બમણાથી પણ વધ્યું છે અને ૬૨,૬૪૧ હેક્ટર સામે ૧.૩૪ લાખ હેક્ટરમાં જોવા મળે છે. પ્લાન્ટેશન ક્રોપ શેરડીનું વાવેતર ૨૨ ટકા વૃદ્ધિ સાથે ૧.૮૨ લાખ હેક્ટર પર થઈ ચૂક્યું છે. જ્યારે ડુંગળી જેવા અતિ સંવેદનશીલ ક્રોપનું વાવેતર પણ ૩૮ ટકા વૃદ્ધિ સાથે ૫૩,૪૧૭ હેક્ટરમાં નોંધાયું છે.