। રિયાધ ।
કોરોનાને કારણે ક્રૂડ ઓઇલની માગમાં તોતિંગ ઘટાડો થતા સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો કરાયો છે. ઓક્ટોબરમાં કરવામાં આવનાર ક્રૂડનાં વેચાણથી ભાવમાં આ ઘટાડો લાગુ પડશે.
કોરોના મહામારીને પગલે વિશ્વના લગભગ તમામ દેશો દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું આથી વેપારધંધા અને ઉદ્યોગો બંધ થઈ ગયા હતા. જુદીજુદી એરલાઈન્સોએ કામગીરી બંધ કરતા ફ્યૂઅલની માગ તીવ્ર ઘટી હતી. લોકો ઘરમાં જ રહેવાના કારણે પેટ્રોલ અને ડીઝલની માગમાં પણ જબરો ઘટાડો થયો હતો. હાલ અનેક દેશોમાં કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે ધ્યાનમાં લેતાં ક્રૂડની માગમાં મોટો વધારો થાય તેવી કોઈ શક્યતા નથી. આથી ક્રૂડના ભાવ ઘટાડવા સાઉદીને ફરજ પડી છે.
એશિયાના ગ્રાહકો માટે ઓક્ટોબર મહિના માટે સાઉદી દ્વારા ક્રૂડના ભાવમાં બેરલદીઠ ૧.૪૦ ડોલરથી ૫૦ સેન્ટ સુધીનો ઘટાડો કરાયો છે. કોરોનાને કારણે એપ્રિલ પછી સાઉદીની ક્રૂડની નિકાસ દાયકાઓ પછી નીચામાં નીચી રહી હતી.
બજારમાં ટકી રહેવા સાઉદી અરામ્કોએ ધારણા કરતાં ભાવ વધુ ઘટાડયા
સાઉદી અરેબિયાની સરકારની માલિકીની ઓઇલ ઉત્પાદક કંપની સાઉદી અરામ્કો દ્વારા એશિયાના દેશો તેમજ અમેરિકાના ખરીદનારાઓ માટે આરબ લાઇટ ગ્રેડ ક્રૂડના ભાવમાં ધારણા કરતાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. એશિયા અને અમેરિકા તેના મુખ્ય માર્કેટ છે. એશિયાના દેશો માટે જૂન પછી પહેલીવાર ભાવ ઘટાડવામાં આવ્યા છે જ્યારે અમેરિકા માટે એપ્રિલ પછી ભાવમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. અરામ્કો દ્વારા નોર્થ વેસ્ટ યુરોપ તેમજ મેડિટેરિનિયન દેશોના ગ્રાહકો માટે વધુ લાઇટ ગ્રેડનાં ક્રૂડના ભાવમાં પણ ઘટાડો કરાયો છે.
સાઉદી, રશિયા અને ઓપેક દેશોએ ઉત્પાદનમાં કાપ મૂક્યો છે
ઓઇલની માગ ઘટયા પછી સાઉદી અરેબિયા, રશિયા તેમજ અન્ય ઓપેક દેશો દ્વારા એપ્રિલમાં ક્રૂડનાં ઉત્પાદનમાં રોજના ૧૦ મિલિયન બેરલનો ઘટાડો કરાયો છે. જે વૈશ્વિક સપ્લાયના ૧૦ ટકા થવા જાય છે. ક્રૂડનાં ઉત્પાદનમાં ઘટાડો તેમજ ચીનની ઇકોનોમીમાં રિકવરી પછી માગ વધતા ક્રૂડના વૈશ્વિક ભાવ બમણા થયા હતા. આમ છતાં તે આ વર્ષે ૩૫ ટકા ઓછા છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને બેરલદીઠ ૪૨.૬૬ ડોલર થયા હતા.